ઈન્ટરવલ

કવર સ્ટોરી : એસએમઇ સેબીના સાણસામાં…

-નિલેશ વાઘેલા

બજાર નિયામકે રોકાણકારોના હિતરક્ષણના ઉદ્દેશ સાથે લઘુ અને મધ્યમ કદની કંપનીઓના આઇપીઓ સંદર્ભના નિયમનો અને ધારાધોરણો સખત બનાવ્યા છે શેરબજારમાં ભલે અંદાજે પાછલા પાંચ મહિનાથી સેકન્ડરી માર્કેટ ભલે ઊથલપાથલ અને અફડાતફડી સાથે પછડાટ અનુભવી રહ્યું હોય પરંતુ તેની સામે પ્રાઇમરી માર્કેટમાં એકંદરે સ્થિર અને તેજીમય માહોલ રહ્યો છે. ખાસ કરીને એસએમઇ આઇપીઓનો તો જુવાળ જ આવ્યો છે અને ખરાબ બજારમાં પણ આ કંપનીઓના
શેર ભળતાં જ ઊંચા ભાવે લિસ્ટેડ થતાં જોવાયા છે.

Also read : ઘટેલા ભાવથી થનારી અધધધ બચતનું શું કરવું?

શેરબજારના નિયામક ધી સિરક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના ધ્યાનમાં આ વાત છે અને તેમાં તેને જ્યાં જ્યાં રોકાણકારોનું અહિત થવાની આશંકા દેખાઇ છે, ત્યાં ત્યાં પગલાં લીધા છે. આ જ દિશામાં આગળ વધતા સેબીએ એસએમઇ આઇપીઓના નિયમો કડક બનાવ્યા છે.

માર્કેટ રેગ્યુલેટરે આ શ્રેણીના આઇપીઓ માટે નફાકારકતાની આવશ્યકતા દાખલ કરવા સાથે ઓફર-ફોર-સેલ (ઓએફએસ) પર 20 ટકા મર્યાદા લાગુ કરતું કડક નિયમનકારી માળખું સૂચિત કર્યું છે.

સુધારાઓનો ઉદ્દેશ્ય સધ્ધર, એટલે કે બીજા શબ્દોમાં સાવ અધ્ધર ના હોય એવી લઘુ અને મધ્યમ કદની કંપનીઓને જાહેર જનતા પાસેથી ભંડોળ એકત્ર કરવાની તક પૂરી પાડવા સાથે રોકાણકારોનાં હિતો માટે રક્ષણ પૂરું પાડવાનો છે.
સેબીએ નોંધ્યું છે કે તાજેતરમાં એસએમઇ ભરણાઓનું દોડાપૂર ઊમટ્યું છે અને રિટેલ ઇન્વેસ્ટર્સ પણ તેમાં નોંધપાત્ર સંખ્યામાં ઝંપલાવી રહ્યાં છે. આથી જ સેબી બોર્ડે પ્રાથમિક મૂડીબજારમાં પ્રવેશી રહેલી એસએમઇ કંપનીઓ અને મર્ચન્ટ બેન્કરો માટે ધારાધોરણો કડક બનાવ્યાં છે.

આ સંદર્ભે એક વધુ મહત્ત્વપૂર્ણ બાબતમાં રેગ્યુલેટરે અપ્રકાશિત ભાવ સંવેદનશીલ માહિતી (અનપબ્લિશ્ડ પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફર્મેશન – યુપીએસઆઇ) ની વ્યાખ્યાને વિસ્તૃત બનાવી છે. નવા નિયમ પ્રમાણે જો ઇશ્યુઅર્સે તેના ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કરતી વખતે પાછલાં ત્રણ નાણાકીય વર્ષોમાંથી કોઈપણ બે વર્ષની કામગીરીમાંથી રૂ. એક કરોડનો ઓપરેટિંગ નફો નોંધાવ્યો હોય, તો જ તે કંપની ઇશ્યૂ લાવી શકશે. એે જ રીતે, એસએમઇ આઇપીઓમાં ઓએફએસનો હિસ્સો, કુલ ઇશ્યૂ કદના 20 ટકાથી વધુ ના હોવો જોઇએ અને વેચાણકર્તા શેરધારકો તેમના હોલ્ડિંગના 50 ટકાથી વધુ વેચી શકશે નહીં.

લઘુતમ પ્રમોટર યોગદાનથી વધુ 50 ટકા પ્રમોટર્સના હોલ્ડિંગ માટે લોક-ઇન એક વર્ષ પછી અને બાકીનું બે વર્ષ પછી મુક્ત કરવામાં આવશે. એસએમઇ આઇપીઓમાં બિન-સંસ્થાકીય રોકાણકારો માટે ફાળવણી પદ્ધતિ મેઇનબોર્ડ આઇપીઓમાં એનઆઇઆઇ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ સાથે એકરૂપ બનાવાશે.

Also read : નિફ્ટીનું નૂર કેમ હણાયું?

ઇશ્યૂના ઉદ્દેશ્યોમાં જ્યાં ઇશ્યૂની આવકમાંથી, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે,
પ્રમોટર, પ્રમોટર જૂથ અથવા કોઈપણ સંબંધિત પાર્ટીની લોનની ચુકવણીનો સમાવેશ થતો હોય, એવા ઇશ્યુને મંજૂરી નહીં મળે. મેઇનબોર્ડ પર લિસ્ટેડ એન્ટિટીઝને લાગુ પડતા સંબંધિત પાર્ટી ટ્રાન્ઝેક્શન (આરપીટી) ધોરણો, લિસ્ટેડ એસએમઇ એન્ટિટીઝને પણ લાગુ કરવામાં આવશે.

મર્ચન્ટ બેન્કર્સ માટે પણ સેબીએ નિયમનોમાં ફેરફાર કર્યા છે. બેંકો, નાણાકીય સંસ્થાઓ અને તેમની પેટાકંપનીઓ સિવાયના મર્ચન્ટ બેન્કર્સ ફક્ત સેબી દ્વારા નિર્દિષ્ટ પરવાનગી મુજબની પ્રવૃત્તિઓ કરી શકે છે. જરૂરી નિયમનકારી મંજૂરી મેળવ્યા પછી અન્ય રેગ્યુલેટેડ પ્રવૃત્તિઓ એક અલગ વ્યવસાય એકમ તરીકે હાથ ધરી શકાય છે. પરવાનગી વિહીન પ્રવૃત્તિઓ બે વર્ષમાં અલગ બ્રાન્ડ નામ ધરાવતી અલગ કાનૂની એન્ટિટીમાં સ્થાનાંતરિત કરવામાં આવશે.

ઓછામાં ઓછા રૂ. 50 કરોડની નેટવર્થ ધરાવતા બેંકરો કેટેગરી 1 હેઠળ આવશે અને તેમને સેબીના કાર્યક્ષેત્ર હેઠળ આવતી બધી પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી આપવામાં આવશે. રૂ. 10 કરોડની નેટવર્થ ધરાવતા બેંકરો કેટેગરી ટુ હેઠળ આવશે અને તેમને ઇક્વિટી મેઇનબોર્ડ મુદ્દાઓને હેન્ડલ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.

સેબી બોર્ડે અપ્રકાશિત ભાવ સંવેદનશીલ માહિતી (યુપીએસઆઇ)ની વ્યાખ્યામાં ઘણી વધુ મહત્ત્વપૂર્ણ ઘટનાઓનો સમાવેશ કરવા માટે સુધારાને મંજૂરી આપી છે. સ્ટોક એક્સચેન્જોને જાહેર કરાયેલ મહત્વપૂર્ણ ઘટનાઓ પર સેબી દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, કંપનીઓ ફક્ત પીઆઇટી નિયમોમાં સ્પષ્ટપણે ઉલ્લેખિત વસ્તુઓને યુપીએસઆઇ તરીકે વર્ગીકૃત કરતી જોવા મળી હતી અને કાયદાનું ભાવનાથી પાલન કરતી નહોતી.

બોર્ડે યોજનાના ઉલ્લેખિત સંપત્તિ ફાળવણી અનુસાર નવા ફંડ ઓફરમાં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા એકત્રિત ભંડોળના ઉપયોગ માટે સમયરેખા સ્પષ્ટ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

Also read : આ સ્કેમ છે પણ કેમ છે?!

બજારના અભ્યાસુઓ અનુસાર માર્કેટ રેગ્યુલેટર રોકાણકારોના હિત ખાતર નિયમનોમાં જે ફેરફાર કરી રહી છે અને ધારાધોરણો કડક બનાવી રહી છે, તેને કારણે એસએમઇ પ્રમોટર્સ કદાચ નિરુત્સાહિત થાય એવી શક્યતા છે, પરંતુ હજુ સુધી રોકાણકારોના હિતનું ખરેખર રક્ષણ થાય એવા મહત્ત્વનાં પગલાં લેવાના બાકી છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button