એકસ્ટ્રા અફેર : ઔરંગઝેબની કબર તોડવાથી શું? તેને ઉઘાડો પાડો…

-ભરત ભારદ્વાજ
મહારાષ્ટ્રમાં હમણાં મોગલ બાદશાહ ઔરંગઝેબનો વિવાદ વકર્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબનાં વખાણ કરતાં શરૂ થયેલી બબાલમાં હવે વાત અગાઉના ઔરંગાબાદ અને હાલના છત્રપતિ સંભાજીનગરમાં આવેલી ઔરંગઝેબની કબર દૂર કરવા સુધી પહોંચી ગઈ છે.
Also read : એકસ્ટ્રા અફેરઃ શમીની ટીકા બકવાસ, ધર્મ કરતાં દેશ મોટો…
મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને સતારાના ભાજપના (BJP) સાંસદ ઉદયનરાજે ભોંસલેએ છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલદાબાદમાં આવેલી ઔરંગઝેબની કબરને દૂર કરવાની માગ કરી હતી. ભોંસલેની માગ વિશે પૂછવામાં આવતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ખુલદાબાદમાં આવેલી મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરને દૂર કરવાની હાકલને ટેકો આપી દીધો પણ પોતાની વાતને ઔરંગઝેબની કબર દૂર કરવાની લીલી ઝંડી તરીકે ના લઈ લેવાય ને પોતે કોઈ ટંટામાં ના ફસાય એટલે આ કામ કાયદાની મર્યાદામાં રહીને કરવાની સૂફિયાણી સલાહ પણ આપી દીધી.
ફડણવીસનું કહેવું છે કે, ઔરંગઝેબની કબર દૂર થાય એવું બધાં ઈચ્છે છે પણ આ કામ કાયદાના દાયરામાં રહીને થવું જોઈએ કારણ કે ઔરંગઝેબની કબર ઈન્ડિયન ઓર્કિયોલોજિકલ સર્વે (એએસઆઈ) એટલે કે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના રક્ષણ હેઠળ મૂકવામાં આવી છે અને સંરક્ષિત ઈમારત જાહેર કરવામાં આવી છે. ભાજપના નેતા કોઈ પણ વાતમાં કૉંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળવાનું છોડતા નથી ને ફડણવીસે પણ એ જ કર્યું છે. ફડણવીસના દાવા પ્રમાણે, કેટલાક વર્ષો પહેલા કૉંગ્રેસ શાસન દરમિયાન આ સ્થળને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના રક્ષણ હેઠળ મૂકવામાં આવ્યું હતું.
આ વાત સાચી છે કે ખોટી તેનું બહુ મહત્ત્વ નથી કેમ કે કૉંગ્રેસે વરસે પહેલાં એ કરેલું. ભાજપમાં દમ હોય તો તેણે અત્યારે કૉંગ્રેસના નિર્ણયને ઉલટાવી બતાવવો જોઈએ. કેન્દ્રમાં છેલ્લાં 10 વર્ષથી ભાજપનું શાસન છે અને મહારાષ્ટ્રમાં ખુદ દેવેન્દ્ર ફડણવીસ પોતે પાંચ વર્ષ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. એ પછી એકનાથ શિંદેની સરકારમાં પણ ભાજપ ભાગીદાર હતો ને દેવેન્દ્ર ફડણવીસ પોતે નાયબ મુખ્ય પ્રધાન હતા. ખુલદાબાદમાં એ વખતે પણ ઔરંગઝેબની કબર હતી જ પણ ફડણવીસને કે ભાજપ સરકારને ત્યારે કબર દૂર કરવાનું સૂઝ્યું નહોતું. હવે વિવાદ ઊભો થયો છે ત્યારે ફડણવીસ રાજકીય મુદ્દો ઉભો કરીને ફાયદો મેળવવા માટે કબરને દૂર કરવાની પિપૂડી વગાડવા મચી પડ્યા છે.
ફડણવીસની વાત હાસ્યાસ્પદ છે કેમ કે કાયદાની મર્યાદામાં રહીને ઔરંગઝેબની કબર દૂર કરી શકાય તેમ નથી. એએસઆઈ દ્વારા સંરક્ષિત માળખાંને હટાવવાની મંજૂરી કોઈ કાયદો નથી આપતો. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) એક્ટ 1958 હેઠળ પુરાણાં સ્મારક જાહેર થયેલી મિલકતને જાળવવાની જવાબદારી સરકારની છે કેમ કે એએસઆઈ એક સ્વાયત્ત સરકારી સંસ્થા છે. ભાજપના નેતાઓને આ વાતની ખબર છે એટલે એ લોકો હઈસો હઈસો કરીને રાજકીય ફાયદો ઉઠાવી રહ્યા છે પણ ખરેખર ઔરંગઝેબની કબર દૂર કરવાની તેમની તાકાત જ નથી. બીજું એ કે, ઔરંગઝેબની કબર દૂર કરાય એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની અસર પડે જ. ભારતમાં અસહિષ્ણુતાનો માહોલ છે એવું કોરસ શરૂ થાય. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અત્યારે વૈશ્વિક સ્તરે કોઈ વિવાદ ઊભો કરવા નથી માગતી તેથી ફડણવીસ આણિ મંડળી ગમે તેટલી કૂદાકૂદ કરે તો પણ કબર દૂર કરી શકે તેમ નથી.
Also read : દોષિત નેતાઓનો ચૂંટણી લડવા અંગે કાયદો બદલાવો જોઈએ
જો કે મુખ્ય સવાલ એ છે કે, ઔરંગઝેબની કબર ખરેખર દૂર કરવાની જરૂર છે ખરી ? બિલકુલ નથી કેમ કે કબર દૂર કરવાથી ઈતિહાસ ભૂંસાવાનો નથી. ને મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખરેખર ઔરંગઝેબને વિલન માનતી હોય ને તેનામાં દમ હોય તો તેણે ઔરંગઝેબની કબર ખુલદાબાદમાં જ રાખીને ત્યાં આવનારાં લોકોને ઔરંગઝેબનો સાચો ઈતિહાસ જણાવવો જોઈએ. ઔરંગઝેબની અસલિયત લોકો સામે ખુલ્લી મૂકવી જોઈએ. ભાજપ સરકારમાં તાકાત હોય તો તેણે ખુલદાબાદમાં ઔરંગઝેબની કબરની બહાર બોર્ડ મરાવવું જોઈએ કે, આ કબરમાં જે માણસ સૂતો છે એ હળાહળ હિંદુ વિરોધી હતો અને તેણે કટ્ટર ધર્માંધતા અપનાવીને હજારો હિંદુઓને વટલાવીને મુસલમાન બનાવ્યા હતા અને જે મુસલમાન ના બન્યા તેમની કત્લેઆમ કરી નાંખી હતી.
કેન્દ્રમાં ભાજપની સરકાર છે, મહારષ્ટ્રમાં ભાજપની સરકાર છે ત્યારે આટલી મર્દાનગી તો બતાવી શકે કે નહીં ? ને એવું લખવામાં કશું ખોટું પણ નથી કેમ કે આ ઈતિહાસ છે. ઔરંગઝેબ પોતાના ભાઈઓની હત્યા કરીને દિલ્હીની ગાદી પર બેઠેલો. એ વખતે ઘણા રાજા એવું કરતા તેથી ઔરંગઝેબે કશું નવું નહોતું કર્યું પણ પોતાના ભાઈના હજારો સમર્થકોની પણ કત્લેઆમ કરી હતી પોતાની સામે પડનારા દરેકને તેણે મારી નાંખેલા.
ઔરંગઝેબે હિંદુઓ સાથે તો ભયંકર દગો કરેલો. શાહજહાં પછી ઔરંગઝેબ બાદશાહ બને કે દારા સિકોહ બને એ મુદ્દે મોગલ સામ્રાજ્યના ખંડિયા રાજા બે છાવણીમાં વહેંચાઈ ગયેલા. દારા સિકોહે રામાયણ તથા મહાભારતનો ફારસી ભાષામાં અનુવાદ કરેલો તેથી હિંદુઓમાં પ્રિય હતો છતાં મોટા ભાગના હિંદુ રાજા ઔરંગઝેબની સાથે હતા. જોધપુરના જસવંતસિંહ રાઠોડ અને આમેરના રાજા જયસિંહ કછવાહા સહિત 21 હિંદુ રાજા ઔરંગઝેબના પડખે હતા. તેમની સહાયથી ઔરંગઝેબ ગાદી પર બેઠેલો.
ઔરંગઝેબ સામે છત્રપતિ શિવાજી મહારાજે બરાબર ઝીંક ઝીલી હતી ને એ વખતે હિંદુ રાજાઓ શિવાજી સામે ઔરંગઝેબની સત્તા બચાવવા લડતા હતા. ઔરંગઝેબે એ છતાં હિંદુઓને નિશાન બનાવીને તેમના પર ભારે અત્યાચારો કરેલા. ધર્માંઘ ઔરંગઝેબે લાખો હિંદુઓનું ધર્માંતરણ કરાવેલું અને હિંદુઓની કલ્તેઆમ કરેલી. સોમનાથનું મહાદેવનું અને કાશી વિશ્વનાથ સહિતનાં ઘણાં મંદિરો ઔરંગઝેબે તોડેલાં.
શિવાજી મહારાજે ઔરંગઝેબ સામે ઝીંક ઝીલીને હિંદુ સામ્રાજ્ય બનાવ્યું હતું. ઔરંગઝેબે શિવાજી મહારાજને મારવા માટે બહુ પ્રયત્ન કર્યા હતા પણ ફાવ્યો નહોતો. ઔરંગઝેબને તેનો એટલો ડંખ હતો કે, શિવાજીના નિધન પછી પણ તેણે આ દુશ્મનાવટ ચાલુ રાખી હતી.
શિવાજી મહારાજનું 1680મા નિધન થયું પછી સંભાજી મહારાજ રાજા બન્યા હતા. ઔરંગઝેબે 1689માં દક્ષિણ ભારત જીતવા આક્રમણ કર્યું અને મુગલ સેનાએ સંગમેશ્વર જીતવા હુમલો કર્યો ત્યારે મરાઠા લશ્કર આડું આવીને ઊભું રહી ગયેલું. ભયંકર યુદ્ધ પછી અંતે મરાઠા લશ્કરની હાર થઈ. સંભાજી મહારાજના બનેવી ગણોજી શિર્કેએ ગદ્દારી કરીને સંભાજી મહારાજનું સ્થાન બતાવી દેતાં સંભાજી મહારાજ જીવતા પકડાઈ ગયા હતા.
Also read : થરૂરે મોદીને વખાણ્યા તેમાં કાંઇ ખોટું નથી
ઔરંગઝેબે સંભાજી ઇસ્લામ સ્વીકાર કરે તો તેમને જીવતા છોડી દેવાની શરત મૂકી હતી પણ સંભાજીએ આ શરત ના સ્વીકારી. અકળાઈને ઔરંગઝેબે સંભાજી મહારાજને ભારે યાતનાઓ આપતાં 40 દિવસ પછી સંભાજી મહારાજનું નિધન થયું હતું.
ઔરંગઝેબની કબર કાઢી નાંખશો તો આ બધું પણ જતું રહેશે. તેના બદલે કબરમાં સૂતેલા ઔરંગઝેબને ઉઘાડો પાડો.