કચ્છ

આ મોબાઈલનું તો નખ્ખોદ જાયઃ મોબાઈલની ગેમના પોઈન્ટ્સે લીધો માસૂમનો જીવ…

સગીર વયના ચાર ઝનૂની હત્યારાઓએ મૃતદેહને તળાવમાં ફેંકી દીધો!:

Bhuj Crime News: એ વાત ખરી કે ઈન્ટરનેટ અને મોબાઈલ એક ખૂબ જ કામની શોધ છે અને તેનાથી માનવજીવન ઘણું સરળ બની ગયું છે, પરંતુ મોબાઈલનો ખોટો ઉપયોગ અને ખાસ કરીને બાળકો દ્વારા કરવામાં આવતો ઉપયોગ રોજ નવી ઉપાધિ લઈને આવી રહ્યા છે. ઘણી ગુનાખોરીની ઘટનાઓમાં મોબાઈલ કેન્દ્ર સ્થાને હોય છે ત્યારે ફરી આવો એક કરૂણ કિસ્સો કચ્છમાં બન્યો છે. રાપરના બેલા ગામમાં ચારેક જેટલા કિશોર વયના બાળકોએ મોબાઈલ ગેમના પોઇન્ટના મામલે એક ૧૨ વર્ષના સગીરની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી. બનાવના પગલે ચકચાર મચી ગઈ હતી.

Also read : ધખધખતું ભુજઃ મહત્તમ તાપમાન સાથે ગુજરાતનું સર્વાધિક ગરમ મથક, રાજકોટ પણ તપ્યું

મંગળવારે બનેલી ઘટનાની તપાસ કરી રહેલીપોલીસે જણાવ્યું હતું કે, પંચાયત કચેરીની આસપાસ આ હત્યાનો બનાવ બહાર આવ્યો હતો. જેમાં મૃતક મજૂરી કરીને પરત આવતી વેળાએ તેના પરિચિત એવા ચારેક વ્યક્તિઓ સાથે બેઠો હતો. આ દરમ્યાન મોબાઈલ ગેમના વિનિંગ્સ પોઈન્ટ બાબતે ઉશ્કેરાયેલા ચારેક શખ્સે તેની ડોક અને પેટના ભાગે છરીના ઉપરાઉપરી ઘા મારીને ઘાતકી હત્યા નીપજાવી હતી. જે બાદ આરોપીઓએ નજીકમાં આવેલા તળાવમાં કિશોરની લાશને કચરાની પોટલીની જેમ નિર્દયતાપૂર્વક ફેંકી દીધી હતી.

મૃતક કિશોર ઘણા સમય સુધી ઘરે પરત ન આવતાં ચિંતિત પરિવારજનોએ તેની વ્યાપક શોધખોળ આદરી હતી.આ દરમ્યાન તળાવમાં ખાણેત્રાના ચાલી રહેલા કાર્ય દરમ્યાન માટી ખાલી કરવા માટે આવેલા ટ્રેક્ટર ટ્રોલીના ચાલકનું ગળું કપાયેલી હાલતમાં પડેલા કિશોરના મૃતદેહ પર ધ્યાન જતાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

બનાવની જાણ થતાં ભચાઉ ડી.વાય.એસ.પી.સાગર સાંબડા સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. હત્યારાઓ પૈકીનો એક મૃતકનો કૌટુંબિક પિતરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

Also read : ઉડતા કચ્છ: અંજારથી 492 ગ્રામ ગાંજા સાથે ત્રણ યુવકોની ધરપકડ…

અત્રે ઉલ્લેખનીય છે કે, નાની વયના બાળકોના કુમળા મન પર આવી હિંસક મોબાઈલ ગેમની અવળી અસર થઇ રહી છે. તેમજ સોશિયલ મીડિયા પર આવતાં રહેતાં ઘાતકી તેમજ અશ્લીલ દ્રશ્યોએ જાણે તેમનું માસુમ બચપણ છીનવી લીધું છે. ભૂતકાળમાં પબ-જી ગેમના કારણે બાળકો તેમજ 20 વર્ષથી ઓછી વયના યુવાનો આપઘાત કરતા હતા અને માતા-પિતા પર હુમલો કરવાના અને હત્યાના બનાવ પણ બહાર આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button