રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે! યુક્રેનનો મોટો નિર્ણય, જાણો અમેરિકાએ શું કહ્યું…

જેદ્દાહ: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી સતત યુદ્ધ ચાલી (Russia-Ukraine War) રહ્યું છે. અમેરિકા લાંબા સમયથી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામના પ્રયાસો કરી રહ્યું હતું પણ સફળતા મળી ન હતી, અંતે મંગળવારે યુદ્ધ વિરામ મામલે અમેરિકાના સફળતા મળી છે. યુક્રેને તાત્કાલિક 30 દિવસના યુદ્ધવિરામના પ્રસ્તાવને સ્વીકારવાની જાહેરાત (Ceasefire) કરી હતી. આ ઉપરાંત, શાંતિ સ્થાપવા માટે યુક્રેન રશિયા સાથે માટે વાટાઘાટો શરૂ કરવા પણ સહમત થયું છે.
Also read : હમાસ-અમેરિકાની ગુપ્ત બેઠક પર ઇઝરાયલનાં પેટમાં રેડાયું તેલ; અમેરિકાએ રોકડું પરખાવ્યું “અમે એજન્ટ નથી”…
યુએસ પ્રતિબંધો હટાવવા તૈયાર:
સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યુએસ અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો (Marco Rubio) પણ હાજર હતાં. નવ કલાકથી વધુ ચાલેલી બેઠક બાદ યુક્રેનીયન અધિકારીઓ સહમત થયા હતાં. આ કરાર મુજબ, અમેરિકા યુક્રેનને લશ્કરી સહાય મોકલવાની ફરી શરુ કરશે, ઉપરાંત યુએસ યુક્રેનને ઈન્ટેલીજન્સ ઇન્ફોર્મેશન મોકલવાના પ્રતિબંધને પણ હટાવશે.
યુએસએ શું કહ્યું?
રુબિયોએ કહ્યું કે અમેરિકા રશિયાને કરાર અંગે જાણ કરશે. તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધ વિરામ કરવા માટે અને વાટાઘાટ શરૂ કરવા માટે તૈયાર છે. રુબિયોએ જણાવ્યું હતું કે જો રશિયા આ પ્રસ્તાવ સ્વીકારે છે, તો આગામી તબક્કામાં બંને દેશો વચ્ચે કાયમી શાંતિ સ્થાપિત કરવા માટે વિગતવાર વાટાઘાટો શરુ થશે.
યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝે જણાવ્યું કે યુક્રેનિયન પ્રતિનિધિમંડળે એક વાત ખૂબ જ સ્પષ્ટ કરી હતી કે તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ માટેના વિઝન સાથે સહમત છે.
યુક્રેને શું કહ્યું?
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના કાર્યાલયના વડા આન્દ્રે યર્માકે જણાવ્યું, “યુક્રેન શાંતિ માટે તૈયાર છે. અમે આ પ્રસ્તાવનું સ્વાગત કરીએ છીએ અને તેને સકારાત્મક માનીએ છીએ”.
તેમણે એમ પણ કહ્યું કે આ યુદ્ધવિરામ ત્યારે જ અસરકારક રહેશે જો રશિયા પણ તેની શરતોનું પાલન કરવા સંમત થાય.
ઝેલેન્સકીએ તેમના દૈનિક સંબોધનમાં કહ્યું “અમેરિકાએ હવે રશિયાને આ માટે સંમત થવા માટે મનાવવું પડશે. અમને આશા છે કે આ એક ન્યાયી અને સ્થાયી શાંતિ તરફનું પ્રથમ પગલું હશે.”
યુક્રેન ખનિજ કરાર માટે તૈયાર:
આ સાથે, યુએસ અને યુક્રેન યુક્રેન વચ્ચે મહત્વપૂર્ણ ખનિજ સંસાધનો માટે એક વ્યાપક કરાર શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા માટે પણ સંમત થયા છે. આ ખનિજ સોદો અગાઉ પણ ચર્ચા હેઠળ હતો પરંતુ તાજેતરમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેના તણાવને કારણે તેને મુલતવી રાખવામાં આવ્યો હતો.
Also read : અમેરિકા અને દક્ષિણ કોરિયાની સંયુક્ત લશ્કરી કવાયતથી ભડક્યું ઉત્તર કોરિયા, સમુદ્રમાં બેલિસ્ટિક મિસાઇલો છોડી…
નોંધનીય છે કે અગાઉ યુક્રેનનીયન પક્ષ વગર સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યુએસ અને રશિયન અધિકારીઓએ યુદ્ધ વિરામ અંગે બેઠક કરી હતી. આ બેઠકમાં તૈયાર કરવામાં આવેલો પ્રસ્તાવ યુક્રેને સ્વીકાર્યો ન હતો. ત્યાર બાદ યુએસ પ્રવાસે ગયેલા યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યુદ્ધ મામલે ઉગ્ર દલીલો થઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે યુક્રેનને આપવામાં આવતી લશ્કરી સહાયને રોકી દીધી હતી, જેના કારણે યુક્રેન મુશ્કેલીમાં મુકાયું હતું.