ભારતમાં ઇલોન મસ્કની Starlink ની એન્ટ્રી, એરટેલ સાથે હાથ મિલાવ્યા

નવી દિલ્હી : ઇલોન મસ્કની સ્ટારલિંક( Starlink)સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા થોડા જ સમયમાં ભારતમાં પ્રવેશ કરશે. જેની માટે કંપનીએ હવે ટેલિકોમ જાયન્ટ એરટેલ સાથે હાથ મિલાવ્યા છે. આ ભાગીદારી અંતર્ગત ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ શરૂ કરશે.
છેલ્લા ઘણા સમયથી ભારતના પ્રવેશ માટે પ્રયાસ કરી રહેલી સ્પેસએક્સને ભારત તરફથી કોઇ લાયસન્સ મળ્યું નથી. તેમજ ભારતના લાયસન્સ વિના સેવા આપવી શક્ય નથી. તેવા સમયે એરટેલે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું છે કે કંપનીએ સ્પેસએક્સ સાથે કરાર કર્યો છે.
આપણ વાંચો: Elon Musk ની સેટેલાઈટ બ્રોડબેન્ડ સર્વિસ સ્ટારલિંકની ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી થવાની શક્યતા
એરટેલના હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ ફાયદો થશે
જો સ્ટારલિંક ભારતમાં આવે છે તો સ્ટારલિંક સાધનો એરટેલ દ્વારા અહીં વેચી શકાય છે. આ ભાગીદારીથી બંને કંપનીઓને ફાયદો થશે. એરટેલ સ્ટારલિંકના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકશે. તેથી સ્ટારલિંક માટે ભારતમાં વિસ્તરણ કરવાનું સરળ બનશે. સ્ટારલિંકને એરટેલના હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે ઇલોન મસ્કની સ્ટારલિંક આખી દુનિયામાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. આ પરંપરાગત ફાઇબર ઓપ્ટિક્સથી અલગ છે. કારણ કે જેમાં ઇન્ટરનેટ સીધા સેટેલાઇટ દ્વારા પ્રાપ્ત થાય છે. આ માટે કંપનીનું એન્ટેના અગાશી પર લગાવવું પડશે જે સ્ટારલિંકના સેટેલાઇટ સાથે જોડાય છે.
વિશ્વ કક્ષાની હાઇ સ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મળશે
સ્ટારલિંક ઉપગ્રહો અન્ય ઉપગ્રહો કરતા ઘણા નીચા હોય છે અને તેના કારણે કનેક્ટિવિટી ઝડપી રહે છે. ઉડતા વિમાનોમાં પણ, સ્ટારલિંકનું ઇન્ટરનેટ ખૂબ જ ઝડપથી કામ કરે છે. આ અંગે એરટેલના મેનેજિંગ ડિરેક્ટર અને વાઇસ ચેરમેન ગોપાલ વિટ્ટલે કહ્યું છે કે ભારતમાં આગામી પેઢીના સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે સ્પેસએક્સ સાથે ભાગીદારી મહત્વપૂર્ણ બનશે.
આપણ વાંચો: મણિપુરમાં સ્ટારલિંકના ડિવાઈસના ઉપયોગ અંગે ખળભળાટ; ઈલોન મસ્કે સ્પષ્ટતા કરી
તેમણે એમ પણ કહ્યું કે આ સહયોગ ભારતના રિમોટ એરિયામાં પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ઉત્તમ છે. આનાથી રિમોટ એરિયામાં પણ વિશ્વ કક્ષાની હાઇ સ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મળશે.
સ્પેસએક્સના પ્રમુખ ગ્વિન શોટવેલે એરટેલ અને સ્પેસએક્સ વચ્ચેની ભાગીદારી પર ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે સ્ટારલિંક ભારતના લોકોમાં પરિવર્તનકારી અસર લાવશે. તેમણે કહ્યું છે કે સ્ટારલિંક વિશ્વભરના વ્યવસાયો અને સંગઠનોને પણ જોડી રહ્યું છે.
સ્ટારલિંકનો શું ફાયદો રિમોટ એરિયામાં
સ્ટારલિંક ભારતમાં આવ્યા પછી રિમોટ એરિયામાં વધુ ફાયદા થશે કારણ કે ફાઇબર ઓપ્ટિક્સ ત્યાં પહોંચી શકતા નથી. જ્યાં પહેલેથી જ ફાઇબર ઇન્ટરનેટ છે. ત્યાં શરૂઆતમાં સ્ટારલિંકનો બહુ અર્થ રહેશે નહીં. કારણ કે ફાઇબર કેબલ દ્વારા ઝડપી ઇન્ટરનેટ પહેલાથી જ ઉપલબ્ધ છે.
ભારતમાં કેટલી પ્રકારની સેવાઓ લાવશે તે જોવું પણ રસપ્રદ
સ્ટારલિંક ભારતમાં કેટલી પ્રકારની સેવાઓ લાવશે તે જોવું પણ રસપ્રદ રહેશે. કારણ કે કંપની પાસે અમેરિકામાં ઘણી યોજનાઓ છે. આમાં પોર્ટેબલ પ્લાન છે જેમાં યુઝર્સ સ્ટારલિંક એન્ટેના સાથે ગમે ત્યાં ફરવા જઈ શકે છે. કારની છત પર સ્ટારલિંક ઇન્ટરનેટ એન્ટેના લગાવીને મુસાફરી દરમિયાન હાઇ સ્પીડ બ્રોડબેન્ડ સેવાનો પણ લાભ લઈ શકાય છે.