આમચી મુંબઈ

વિદ્યાર્થી અને પ્રોફેસરના સ્વાંગમાં લંડન જવાનો પ્રયાસ કરનારા આઠ પકડાયા…

મુંબઈ: એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લેવાને બહાને વિદ્યાર્થી અને પ્રોફેસરના સ્વાંગમાં ગેરકાયદે લંડન જવાનો પ્રયાસ કરવા બદલ મુંબઈ પોલીસે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી આઠ જણને પકડી પાડ્યા હતા.

Also read : જાહેરમાં અશ્લીલ ચાળા કરનારા હોટેલના મૅનેજરની ધરપકડ…

પકડાયેલા આઠમાંથી સાત જણે પોતાની ઓળખ હરિયાણાની ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે આપી હતી, જ્યારે એક જણે પોતે પ્રોફેસર હોવાનું દર્શાવ્યું હતું. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ માનવ તસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ સોમવારની વહેલી સવારે ઈમિગ્રેશન ચેકપોઈન્ટ પાસે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. યુકેના વિઝા મેળવવા માટે આરોપીઓએ બનાવટી દસ્તાવેજો અને ખોટી માહિતી પૂરા પાડ્યા હતા.

આરોપીઓ વાયા જેદ્દાહ લંડન જવાના હતા. એજન્ટે તેમની પાસેથી વ્યક્તિદીઠ 20 લાખ રૂપિયા માગ્યા હોવાનું પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું. યુકેના વિઝિટ વિઝા પર બે જણ જઈ રહ્યા હોવાનું ઈમિગ્રેશનના અધિકારીના ધ્યાનમાં આવ્યું હતું. આ બાબતે અધિકારીએ પૂછપરછ કરતાં બન્ને જણે જણાવ્યું હતું કે હૈસરની ખાનગી યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર સાથે તેઓ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લેવા જઈ રહ્યા છે.

જોકે વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટીમાં જઈ રહ્યા હતા તેની કોઈ વિગતો આપી શક્યા નહોતા, જેને પગલે અધિકારીને શંકા ગઈ હતી. શંકાને પગલે વધુ પૂછપરછ કરવામાં આવતાં એક જણે પોતાની ઓળખ પ્રોફેસર તરીકે આપી હતી અને હરિયાણાની યુનિવર્સિટીની સૂચનાથી સાત વિદ્યાર્થી સાથે તે લંડન જઈ રહ્યો હોવાનું કહ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી દિલ્હીની એક હોટેલમાં બિટ્ટુ નામના એજન્ટને મળ્યો હતો, જેણે લંડન મોકલવાની સગડવડ કરી આપવાની ખાતરી આપી હતી. આ માટે વ્યક્તિદીઠ 20 લાખ રૂપિયા માગ્યા હતા. તેણે જ વિઝા પણ મેળવી આપ્યા હતા.

Also read : બોલો, મુંબઈમાં વરલી અને ક્રાફર્ડ માર્કેટની જગ્યામાં બિલ્ડરોને રસ નથી, જાણો કારણ?

આ પ્રકરણે સહાર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 143, 336(2) અને અન્ય સુસંગત કલમો તેમ જ પાસપોર્ટ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલાની વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button