પુણેની ડી. વાય. પાટીલ કોલેજમાં બૉમ્બની ધમકી: વિદ્યાર્થીઓમાં ગભરાટ

પુણે: પુણેના આકુર્ડી વિસ્તારમાં આવેલી ડી. વાય. પાટીલ કોલેજમાં બૉમ્બ પ્લાન્ટ કરાવો હોવાની ધમકી આપતો ઇ-મેઇલ મંગળવારે સવારના મળ્યા બાદ ત્યાંનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો.
વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે ત્યારે કોલેજને ધમકીભર્યો ઇ-મેઇલ પ્રાપ્ત થતાં પોલીસને જાણ કરાઇ હતી. આખી કોલેજ ખાલી કરાવાયા બાદ બૉમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી ખૂણખાંચરે તપાસ હાથ ધરાઇ હતી, પરંતુ કોઇ વાંધાનજક વસ્તુ મળી ન આવતાં બૉમ્બની વાત અફવા સાબિત થઇ હતી.
ડી. વાય. પાટીલ કોલેજના સત્તાવાળાઓને મંગળવારે સવારના 8.30 વાગ્યે ઇ-મેઇલ પ્રાપ્ત થયો હતો, જેમાં કોલેજમાં બોમ્બ પ્લાન્ટ કરાયો હોવાની ધમકી અપાઇ હતી. ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યા બાદ તેની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેને પગલે બૉમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે પોલીસ અધિકારીઓ તાત્કાલિક કોલેજમાં દોડી આવ્યા હતા.
આપણ વાંચો: ઍરપોર્ટના ટર્મિનલ-1 પાસે બૉમ્બ પ્લાન્ટ કરાયાની ધમકી
બીજી તરફ બૉમ્બની વાત અન્યત્ર ફેલાતાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ કોલેજમાં આવી પહોંચ્યા હતા.
દરમિયાન કોલેજ ફરતેના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો અને ક્લાસરૂમમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢીને આખી કોલેજ ખાલી કરાવાઇ હતી.
ત્યાર બાદ બૉમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ કરવામાં આવી હતી. પાંચથી છ કલાકની તપાસ બાદ કોલેજમાંથી કોઇ વાંધાજનક વસ્તુ મળી ન આવતાં લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
પોલીસ દ્વારા આ પ્રકરણે તપાસ હાથ ધરવામાં આવી હોઇ કોલેજને ધમકીભર્યો ઇ-મેઇલ મોકલનાર વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલ દ્વારા શોધ ચલાવવામાં આવી રહી છે.