આમચી મુંબઈ

યુવાન પ્રેમીને પામવા મહિલાએ ભાભીના ત્રણ મહિનાના બાળકનું અપહરણ કર્યું…

પ્રેમ સંબંધમાંથી બાળક જન્મ્યું હોવાનું જુઠ્ઠાણું ચલાવી પ્રેમિકાએ પ્રેમી સાથે લગ્નજીવન શરૂ કર્યું.

પાલઘર: નવયુવાન પ્રેમીને પામવા ત્રણ સંતાનની માતાએ વિચિત્ર યોજના બનાવી હોવાની ઘટના વસઈમાં બની હતી. પ્રેમ સંબંધમાંથી બાળક જન્મ્યું હોવાનું જુઠ્ઠાણું ચલાવી પ્રેમિકાએ પ્રેમી સાથે લગ્નજીવન શરૂ કર્યું અને આ માટે ભાભીના ત્રણ મહિનાના બાળકનું અપહરણ કર્યું હતું. પોલીસે મહિલાને બિહારથી પકડી પાડી બાળકને છોડાવ્યો હતો.

Also read : બદલાપુર એન્કાઉન્ટર: માતા-પિતાની શંકાને પગલે એફઆઈઆર જરૂરી હતી…

માંડવી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંજય હઝારેએ જણાવ્યું હતું કે 38 વર્ષની મહિલાએ વસઈના માંડવી વિસ્તારમાં રહેતી ભાભીના ત્રણ મહિનાના પુત્રનું કથિત અપહરણ કર્યું હતું. 18 ફેબ્રુઆરીએ ફરવા લઈ જવાને બહાને બાળકને ઘરની બહાર લઈ ગયા પછી મહિલા ફરાર થઈ ગઈ હતી.

ખાસ્સો સમય વીત્યા છતાં બન્ને ઘરે પાછા ન ફરતાં બાળકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. માંડવી પોલીસે ટેક્નિકલ બાબતોનો તપાસ કરી મહિલા બિહારના નાલંદામાં હોવાનું શોધી કાઢ્યું હતું. માહિતીને આધારે પોલીસની ટીમ નાલંદા પહોંચી હતી અને ત્યાંના ડિવિઝનલ ઈન્ટેલિજન્સ યુનિટ (ડીઆઈયુ)ની મદદ માગી હતી.

ડીઆઈયુ અને સ્થાનિક પોલીસની મદદથી માંડવી પોલીસે બિહાર-ઝારખંડ સીમા નજીકના મીરનગર ખાતેના સૂર્યાચક ગામનાં અમુક ઘરોમાં સર્ચ કરી હતી. એક ઘરમાંથી મહિલા બાળક સાથે મળી આવી હતી. બન્નેને માંડવી લાવ્યા પછી બાળકને તેના વડીલોના તાબામાં સોંપાયો હતો.

મહિલાની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મહિલા પરિણીત છે અને ત્રણ સંતાનની માતા છે. સોશિયલ મીડિયા મારફત તેની ઓળખાણ 18 વર્ષના યુવાન સાથે થઈ હતી. બાદમાં બન્ને મળવા લાગ્યાં હતાં. જોકે પોતે પરિણીત હોવાની જાણ મહિલાએ યુવાનને કરી નહોતી.

બિહારમાં પોતાના વતન રહેવા ગયેલા યુવાન સાથે મહિલાને નવું જીવન શરૂ કરવાની ઇચ્છા હતી. પતિથી અલગ રહેતી મહિલાએ આ માટે વિચિત્ર યોજના બનાવી હતી. પ્રેમ સંબંધમાંથી પોતે ગર્ભવતી થઈ હોવાનું જુઠ્ઠાણું મહિલાએ યુવાન સામે ચલાવ્યું હતું. બાદમાં તેણે એક પુત્રને જન્મ આપ્યો હોવાની વાત ઉપજાવી કાઢી હતી. આ વાત પર યુવાનને ખાતરી થાય તે માટે વીડિયો કૉલ પર તેણે ભાભીનો દીકરો દેખાડ્યો હતો.

Also read : જાહેરમાં અશ્લીલ ચાળા કરનારા હોટેલના મૅનેજરની ધરપકડ…

યુવાન લગ્ન માટે માની જતાં મહિલા ભાભીના દીકરાને લઈને બિહાર જતી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button