તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા : ઝડપથી વજન ઘટાડવા માટે ઉપયોગી માલાબાર આમલી

-શ્રીલેખા યાજ્ઞિક

ઝડપથી વધી જતું વજન 21મી સદીની મોટી સમસ્યા ગણાઈ રહી છે. વડા પ્રધાન શ્રી મોદીજીએ હાલમાં ‘મનકી બાત’માં યુવાનોમાં ઝડપથી વધતાં વજનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વધતાં વજનને નિયંત્રણમાં લાવવા માટે ઘરના પ્રત્યેક સભ્યને તેલનો ઉપયોગ ઘટાડવાની સલાહ આપી હતી. વધતું વજન અનેક બીમારીને અકારણ આમંત્રણ આપે છે. વજન વધતાં વાર નથી લાગતી પરંતુ તેને ઘટાડવું હોય તો લાંબો સમય લાગે છે. ઓછા સમયમાં વજન ઝડપથી ઉતારવાની અનેક લલચામણી જાહેરાતો આપણે અખબારમાં જોતા જ હોઈએ છીએ. જેમાં અનેક વખત બનાવટ હોય છે. તો ક્યારેક શરીરને નુકસાન થતું હોય છે. આવી વિટંબણાથી બચીને વજન ઉપર નિયંત્રણ મેળવવાના ઉપાય વિશે જાણકારી મેળવીશું.

આયુર્વેદાચાર્યો દ્વારા આપવામાં આવતાં માર્ગદર્શન મુજબ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે છ પ્રકારના સ્વાદનો ઉપયોગ આહારમાં કરવો આવશ્યક છે. જેમ કે ખારો-ખાટ્ટો, કડવો-મીઠો, તીખો-તૂરો.

આ પણ વાંચો: બુકનુ ઉત્તર પ્રદેશનો લોકપ્રિય મસાલો પાચનતંત્રની સમસ્યાને માટે શ્રેષ્ઠ

ચાલો, આજે આપણે એક એવાં ફળની વાત કરવાના છીએ જેના ઉપયોગ થકી ફટાફટ વજન ઉતારી શકાશે. તેની સાથે આ નાના ફળમાં અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો સમાયેલાં છે. જેનો લાભ સરળતાથી મેળવી શકાશે. નામ છે તેનું ‘માલાબાર આમલી કે ઈમલી’. માલાબાર ઈમલી એક એવું ફળ છે જે દેખાવમાં નાના કોળા જેવું હોય છે. તેનો રંગ લીલો તથા પીળો બંને જોવા મળે છે. કેરળના પ્રત્યેક ઘરના પાછળના ભાગમાં બનાવવામાં આવેલાં બાગમાં તેનો છોડ અચૂક જોવા મળશે. તેના સ્વાસ્થ્ય લાભ જોઈને આપણે પણ તેના છોડને ઘરમાં લાવવાનું મન અચૂક થશે. વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂક્યું છે કે પેટની ચરબી ઘટાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. ક્ધનડ ભાષામાં તેને ઉપ્પેજ કહેવામાં આવે છે. માલાબાર ઈમલી કદમપુલ્લી કે પુલ્લી, બ્રિંડલ બેરી, ચિતકબરા બેરના નામથી ઓળખાય છે. અંગ્રેજીમાં તે ‘ગાર્સિનિયા કૈંબોગિયા’ કહેવામાં આવે છે. દક્ષિણ પૂર્વ એશિયા, કર્ણાટક, કેરળના સ્થાનિક લોકોમાં આ ફળ સુપરફ્રૂટ તરીકે લોકપ્રિય છે.

વજન ઘટાડવામાં લાભકારી : માલાબાર ઈમલીનું સેવન કરવાથી વજન ઝડપથી નિયંત્રણમાં આવી શકે છે. કેમ કે આમલીમાં વિવિધ પ્રકારના એસિડ જેવા કે એમિનો એસિડ, ફેટી એસિડ, હાઈડ્રોસિટ્રિક એસિડ સમાયેલાં છે. જેથી આમલીનો ઉપયોગ ભોજનમાં કરવાથી ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી તથા ઍન્ટિ-બૈક્ટેરિયલ ગુણો શરીરમાં જાય છે. જેને કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે. શરીરમાં સેરોટોનીન બનવાની પ્રક્રિયા ઝડપથી બને છે. જેને કારણે ભોજન બાદ વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જર્નલ ઓફ ઓબિસીટી દ્વારા ખાસ અધ્યયન કરવામાં આવ્યું હતું. હાઈડ્રોસિટ્રિક એસિડની શરીર ઉપર થતી અસરનો અભ્યાસ 16 અઠવાડિયા માટે કરવામાં આવ્યો હતો. જેમાં 40 લોકોની પસંદગી કરવામાં આવી હતી. બે સમૂહ બનાવવામાં આવ્યા હતા. જેમાંથી એક સમૂહના ભોજનમાં માલાબાર આમલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો બીજા સમૂહને માલાબાર આમલીનો ઉપયોગ કર્યા વિનાનું ભોજન પીરસવામાં આવ્યું હતું. તેમાં ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો કે યોગ્ય ડાયેટ પ્લાનને અનુસરીને સાત્ત્વિક ભોજન કરે. 16 સપ્તાહ બાદ પરિણામ જાણવા મળ્યું હતું જેમાં માલાબાર આમલીનો ઉપયોગ કરીને બનાવેલા ભોજન ખાનાર સમૂહની પેટની ચરબી તથા આંતરડાની ઉપરના ચરબીના થરમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બીજા સમૂહની ચરબીમાં ઘટાડો નહીંવત્ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: કાજુ-બદામથી અધિક શક્તિશાળી ગણાય છે કાશ્મીરી લસણ

ત્વચા માટે ગુણકારી : મોસમના બદલાવની અસર ત્વચા ઉપર ઝડપથી થતી હોય છે. જેમ કે ગરમીમાં ત્વચા લાલ થવી કે ઝીણી ફોડલી ઊપસી આવવી. તેજ સૂર્યપ્રકાશનાં યુ.વી કિરણોથી બચાવે છે. કેમ કે માલાબારી ઈમલીમાં ઍન્ટિ-ઓક્સિડન્ટનનું પ્રમાણ ભરપૂર સમાયેલું હોય છે. ઠંડીમાં ત્વચા સૂકી થવાને કારણે ખંજવાળ આવવી કે બરછટ બની જતી હોય છે. માલાબાર ઈમલીનો ઉપયોગ સપ્રમાણ માત્રામાં કરવામાં આવે તો ત્વચા સંબંધિત રોગથી મુક્તિ મળી શકે છે. ત્વચાની કોમળતાં જાળવી રાખવામાં મદદ મળે છે. શરીર ઉપર દેખાતાં સોજાની તકલીફમાં રાહત આપે છે.

થાકની ફરિયાદમાં રાહતરૂપ : ઘરના વિવિધ કામને યોગ્ય ન્યાય આપવામાં ગૃહિણી પોતાના માટે સમય ફાળવી શકતી નથી. જેને કારણે સાંજના સમયે તેને થાક તથા નબળાઈનો અનુભવ થતો હોય છે. જ્યારે પુરુષો સતત કામ તથા ઘરના ખર્ચને પહોંચી વળવાની ચિંતામાં રહેતાં હોય છે. ટ્રાફિક તથા ભીડભાડમાં મુસાફરી કરવાની હોય છે. અનેક વખત કામની તાણને કારણે ભોજન પૂરતાં પ્રમાણમાં લેવાતું નથી. જેથી શરીર સાંજ પડે થાક કે નબળાઈ અનુભવે છે. આવા સંજોગોમાં વિટામિન સીયુક્ત આહાર આવશ્યક બને છે. હાઈડ્રોક્સાઈટ્રિક એસિડની માત્રા સારા પ્રમાણમાં હોવાને કારણે ગાર્સિનિયા કૈંબોગિયા ફળનું સેવન કરવાથી થાક કે નબળાઈની ફરિયાદ દૂર થાય છે. ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ હોવાને કારણે શરીરમાં સ્નાયુમાં થતાં દુખાવાથી રાહત મળે છે.

આ પણ વાંચો: માનવ માટે અમૃત સમા ગણાય છે બરી

વિટામિન સી ધરાવતું ફળ : માલાબાર ઈમલીમાં વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વિટામિન સી શરીરની અનેક સમસ્યાથી રાહત અપાવે છે. વાગ્યું હોય તે ઘાને ઝડપથી ભરવામાં મદદ કરી શકે છે. દાંત તથા પેઢાંનું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તથા પાચનક્રિયાને મજબૂત બનાવવા માટે ઉત્તમ ફળ ગણાય છે.

ડાયાબિટીસના રોગમાં લાભકારી : ડાયાબિટીસના દર્દીમાં ઈન્સ્યુલિનની માત્રા ઘટાડવામાં માલાબાર ઈમલીનો ઉપયોગ શ્રેષ્ઠ ગણાય છે. માલાબાર ઈમલીનો ઉપયોગ કરવાથી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. આ સુપર ફળનું સેવન કરવાથી શરીરમાં હૈપ્પી હાર્મોન વધુ બનવા લાગે છે. પેટના અલ્સરથી બચાવવાની સાથે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. કૉલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ગાઢ નિંદર માટે ગુણકારી : 21મી સદીની મોટાપા બાદની કોઈ બીજી મોટી સમસ્યા હોય તો તે છે અપૂરતી નિંદર. માલાબાર ઈમલીનું સેવન કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. વ્યક્તિ આનંદિત અનુભવે છે. જેને કારણે રાત્રિના સમયે ગાઢ નિંદર સરળતાથી આવી જાય છે.

આ પણ વાંચો: વસંતપંચમીના પર્વમાં ખાસ ખવાય છે કેસરીયા `માલપુઆ’

માલાબાર આમલીનું સેવન કેટલી માત્રામાં કરવું જોઈએ : આપણે બધા જ માહિતગાર છીએ કે ‘અતિ સર્વત્ર વર્જયેત્’ એટલે કે પ્રમાણભાન રાખીને પ્રત્યેક પદાર્થનું સેવન કરવું જોઈએ.

નિષ્ણાત આહારતજજ્ઞોનું કહેવું છે કે એક સપ્તાહમાં 500 ગ્રામ માલાબાર ઈમલીનું સેવન કરવું હિતાવહ છે. દિવસમાં ત્રણ વખત તે ખાઈ શકાય. વજનને નિયંત્રણમાં રાખવા માટે ભોજન પહેલાં તેનો ઉપયોગ કરવો જોઈએ. ભોજન દરમિયાન કે ભોજન બાદ તેનો ઉપયોગ ટાળવો. પ્રત્યેક ભોજનના એક કલાક પહેલાં માલાબાર ઈમલીનો ઉપયોગ ઝડપી ફાયદાકારક રહે છે.

મલાબાર ઈમલી પીણું

સામગ્રી : 2 નંગ માલાબાર ઈમલીના ફળ, 2 લિટર પાણી, 2 ચમચી ગોળ, 1 ચમચી શેકેલાં જીરુંનો પાઉડર, સ્વાદાનુસાર સંચળ

બનાવવાની રીત : સૌ પ્રથમ 2 લિટર પાણીને ઉકાળવા મૂકવું. તેમાં 2નંગ માલાબાર ઈમલીના ફળને કાપીને ઉમેરવાં. 2 ચમચી ગોળ, શેકેલાં જીરાનો પાઉડર તથા સ્વાદાનુસાર સંચળ ઉમેરીને પ મિનિટ વધુ ઉકાળી લેવું. પાણી ઠંડું થાય ત્યારબાદ ભોજનના 1 કલાક પહેલાં ગાળીને 1 ગ્લાસ પી લેવું. નિયમિત એક મહિના સુધી કરવાથી આપને સ્વયં વજનમાં ફેરફાર દેખાશે. ઉપરોક્ત પ્રયોગ કરતાં હોઈએ ત્યારે ફાસ્ટ ફૂડ તેમજ તળેલી વાનગીનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો આવશ્યક રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button