તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસ : રશિયાએ વિકસાવેલી કેન્સરની રસીથી આખરે કઇ રીતે થશે સારવાર?

-માહિયા શર્મા

રશિયાએ જાહેરાત કરી છે કે તેણે કેન્સરને રોકવા માટે નવી એમઆરએનએ-આધારિત રસી વિકસાવી છે અને તે ટૂંક સમયમાં દર્દીઓને ફ્રીમાં ઉપલબ્ધ કરાવાશે. ગમલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના ડાયરેક્ટર એલેક્ઝાન્ડર નિટ્સબર્ગ કહે છે કે આ રસીના ક્લિનિકલ ટ્રાયલથી જાણવા મળ્યું છે કે તે ટ્યૂમરને વધતાં રોકે છે અને તેના જીવલેણ રૂપાંતરને પણ અટકાવે છે.

Also read : આરોગ્યની દૃષ્ટિએ… આ ઋતુમાં કેવી ફેશન અપનાવશો?

એમઆરએનએ અથવા મેસેન્જર આરએનએ રસી શરીરના કોષોને એન્ટિજેન (પ્રોટીન અથવા અન્ય પદાર્થો કે જે રોગપ્રતિકારક પ્રતિક્રિયા શરૂ કરે છે) ઉત્પન્ન કરવાનું શીખવે છે. જ્યારે તે એન્ટિજેન કેન્સરના કોષોને ઓળખી લે છે, ત્યારે ઇમ્યુન સિસ્ટમ તેમના પર હુમલો કરવાનું
શરૂ કરે છે, તેમની સામે એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવા માટે ઇમ્યુન સિસ્ટમને તાલીમ
આપે છે.

આ રસી કેવી રીતે કામ કરે છે?

વાસ્તવમાં, એમઆરએનએ કેન્સરની રસી ઇમ્યુનોથેરાપીનું એક સ્વરૂપ છે. કેન્સર કોશિકાઓ ઘણીવાર એવો માર્ગ વિકસાવી લે છે કે તે ઓળખાય નહીં અને પરિણામે રોગપ્રતિકારક શક્તિ તેને નષ્ટ કરી શકતી નથી. આ સંરક્ષણ મિકેનિઝમ હવે સમજાયું છે અને ઇમ્યુનોથેરાપીનો વિચાર શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનો છે જેથી તે કેન્સરના કોષોને શોધીને તેનો નાશ કરે અને તેને ફેલાતા અટકાવે. આ સારવારનો ફાયદો એ છે કે કીમોથેરાપીથી વિપરીત, આ માત્ર કેન્સરના કોષોનો નાશ કરે છે, પરિણામે આડઅસર ઓછી થાય છે.

જોકે, રસી સિવાય, ઇમ્યુનોથેરાપીની બીજી ઘણી પદ્ધતિઓ છે જેમ કે કાર ટી સેલ થેરપી, ઇમ્યુન ચેકપોઇન્ટ ઇન્હિબિટર્સ વગેરે. અન્ય રસીઓથી વિપરીત, એમઆરએનએ કેન્સરની રસી તંદુરસ્ત વ્યક્તિઓ માટે નથી કે, આ રસી લીધા પછી રોગ થશે નહીં. આનો ઉપયોગ એવા દર્દીઓ પર થાય છે જેમને પહેલાથી જ કેન્સર હોય, જેથી ટ્યૂમરને નિશાન બનાવી તેની સારવાર કરી શકાય. આ સારવાર પદ્ધતિ એ રીતે તૈયાર કરવામાં આવી છે કે દર્દીના ટ્યૂમરમાં હાજર ચોક્કસ એન્ટિજેનને નિશાન બનાવી શકાય, જેથી રસી વધુ અસરકારક બને છે. કેન્સર એમઆરએનએ રસીને વિવિધ એન્ટિજેનને લક્ષ્ય બનાવવા માટે પણ ડિઝાઇન કરી શકાય છે.

Also read : શારીરિક રોગોનાં મૂળ મનમાં હોય છે

કેન્સરની રસીનું સંશોધન માત્ર રશિયામાં જ નથી થયું. ગયા વર્ષે, ઈંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસે કેન્સર વેક્સીન લોન્ચ પેડની સ્થાપના કરી હતી, જે કેન્સરની પુષ્ટિ થયેલ લોકો માટે એમઆરએનએ વ્યક્તિગત કેન્સર રસીની ક્લિનિકલ ટ્રાયલને વેગ આપવા અને કેન્સરની સારવાર માટે કેન્સરની રસીના વિકાસને વેગ આપવા માટે એક ટ્રાયલ પ્રોગ્રામ છે. યુ.એસ.માં ગ્લોબલ બાયોફાર્માસ્યુટિકલ કંપની ક્યુરેપેક, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી કે તેની સીવીજીબીએમ કેન્સર રસીએ ગ્લિઓબલસ્ટોમા (મગજના કેન્સર) દર્દીઓમાં પ્રથમ તબક્કાના અભ્યાસમાં આશાસ્પદ રોગપ્રતિકારક પ્રતિભાવો દર્શાવ્યા છે. હાલમાં, કેન્સરની રસી અંગે વિશ્વના વિવિધ ભાગોમાં 120 થી વધુ ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. આ બધાનો અર્થ શું છે? ડોકટરો કહે છે કે કેન્સરની રોકથામ માટે ‘રસી’ શબ્દનો ઉપયોગ ગેરમાર્ગે દોરનારો છે કારણ કે ચેપી રોગોથી વિપરીત, કેન્સર સામાન્ય રીતે એક જ જીવાણુ દ્વારા ફેલાતું નથી.

જ્યાં સુધી કેન્સર નિવારણનો સવાલ છે, સર્વાઇકલ કેન્સરને હ્યુમન પેપિલોમાવાઈરસ (એચપીવી) રસી વડે રોકી શકાય છે. કારણ કે આ સંબંધમાં 90 ટકાથી વધુ કેસ આ વાઈરસના કારણે થાય છે. વધુમાં, હેપેટાઈટીસ બીની રસી, જે હેપેટાઈટીસ બી વાયરલ ચેપને રોકવા માટે આપવામાં આવે છે, તે લીવર કેન્સરને રોકવામાં પણ રક્ષણાત્મક ભૂમિકા ભજવી શકે છે. ડોકટરો આ વાત પર ભાર મૂકે છે કે દર્દીઓએ સમજવું જોઈએ કે ઇમ્યુનોથેરાપી સારવાર કેન્સરને થતાં અટકાવતી નથી. આ રોગ થયા પછીની સારવાર છે. જો કે, રશિયામાં ઉપયોગમાં લેવાતી કેન્સરની રસીની સારવાર વિશે હાલમાં ખૂબ ઓછી માહિતી ઉપલબ્ધ છે.

કોઈપણ નવી દવા ક્લિનિકલ ટ્રાયલના ઘણા તબક્કાઓમાંથી પસાર થાય છે. આ પ્રક્રિયામાં વર્ષો લાગે છે, જે પછી જ તે આખરે બજારમાં પહોંચે છે. જ્યાં સુધી આ તમામ ડેટા સાર્વજનિક રીતે ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી એ કહેવું મુશ્કેલ છે કે રશિયાની સારવાર પદ્ધતિ કયા સ્તરે છે અને તે કેટલી સલામત અને અસરકારક છે.

Also read : શિયાળામાં ભરપૂર મળતાં નારંગનો સ્વાદ મનભરીને માણવા જેવો છે

તેમાં કોઈ શંકા નથી કે કેટલાક કેન્સરમાં ઇમ્યુનોથેરાપીનાં સારાં પરિણામો જોવા મળ્યા છે. પરંતુ એવું જરૂરી નથી કે તે તમામ પ્રકારના કેન્સર માટે અથવા દરેક કેન્સરના દર્દી માટે ઉપયોગી છે. સંશોધન ચાલુ છે અને તે કેટલું અસરકારક છે તે સમય જ કહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button