તરોતાઝા

‘નો યોર પોલિસી’ ડોક્યુમેન્ટ શું છે ? એ છે આરોગ્ય વીમા પોલિસીને સમજવા માટે અગત્યનો દસ્તાવેજ

નિશા સંઘવી

નાણાકીય આયોજનનો અંતરંગ હિસ્સો છે વીમો. પછી એ આરોગ્ય વીમો હોય કે જીવન વીમો. આ બન્ને પ્રકારની વીમા પોલિસી પરિવારને આર્થિક સુરક્ષા આપે છે ને સાથે માનસિક શાંતિ પણ.

વીમાધારકને મળતા કવરેજ તથા એમના અધિકાર અને જવાબદારી પૂરેપૂરી સમજી લેવી જરૂરી છે અને એ બધી જ માહિતી આપવા માટે વીમા કંપનીઓ ‘કસ્ટમર ઇન્ફર્મેશન શીટ’ અથવા ‘નો યોર પોલિસી’ નામનો દસ્તાવેજ આપે છે.
‘ઇરડાઇ (હેલ્થ ઇન્સ્યોરન્સ) રેગ્યુલેશન્સ’ અનુસાર એની માર્ગદર્શિકામાં નિર્ધારિત ‘કસ્ટમર ઇન્ફર્મેશન શીટ’ દરેક વીમાધારકને આપવી ફરજિયાત છે, જેમાં આરોગ્ય વીમાની પોલિસીને લગતી માહિતી સરળ શબ્દોમાં આપવામાં આવી હોય છે. આ દસ્તાવેજમાં આપવામાં આવતી માહિતી વિશે વધુ જાણીએ, જેમકે…

આ પણ વાંચો: કંપનીએ આપેલો આરોગ્ય વીમો કેમ અપૂરતો કહેવાય?

કવરેજ કેટલી રકમનું હશે

વીમાના કવરેજની રકમ સૌથી વધુ મહત્ત્વનું પાસું છે. કવરેજ રકમની મર્યાદામાં બીજી કેટલીક પેટા મર્યાદાઓ (સબ-લિમિટ) પણ હોય છે. એ ઉપરાંત, અમુક પોલિસીમાં કો-પેમેન્ટ, ડિડક્ટિબલ તથા અન્ય બીજી કેટલીક મર્યાદાઓ હોય છે. આ બધી મર્યાદા ‘નો યોર પોલિસી’માં લખાયેલી હોય છે. કો-પેમેન્ટનો અર્થ એ થયો કે પોલિસીધારક જ્યારે પણ કોઈ ક્લેમ કરશે ત્યારે ક્લેમ કરાયેલી રકમની અમુક નિશ્ર્ચિત ટકાવારી અથવા તો અમુક નિશ્ર્ચિત રકમ પોતાના ખિસ્સામાંથી ભરવાની રહેશે. ડિડક્ટિબલ એટલે એવી રકમ જે કુલ ક્લેમમાંથી બાદ કરીને ક્લેમ ચૂકવવામાં આવશે. આ બધી મર્યાદાને સમજી લેવું અગત્યનું છે, કારણ કે કો-પેમેન્ટ અથવા ડિડક્ટિબલ વધારે હોય તો વીમાધારકે પોતાના ખિસ્સામાંથી વધારે પૈસા ભરવા પડે છે.

ક્લેમ આવે તો ખર્ચમાં આપવાનો હિસ્સો

વીમાધારકે કયા સંજોગોમાં ખર્ચમાં હિસ્સો ભોગવવો પડશે એને લગતી કેટલીક નિશ્ર્ચિત શરતો પોલિસીમાં લખેલી હોય છે. સબ-લિમિટ કરતાં વધારે ખર્ચ થયો હોય, રૂમ અને આઇસીયુના ચાર્જીસ પોલિસીમાં નિશ્ર્ચિત કરાયેલી મર્યાદાઓ અને ડિડક્ટિબલ કરતાં વધારે હોય એ સ્થિતિમાં ક્લેમમાં એટલો હિસ્સો ભોગવવો પડે છે. આ વિશે વીમાધારકને પહેલેથી જ જાણ હોય તો એ પોલિસી લેવા વિશેનો નિર્ણય સમજી-વિચારીને લઈ શકે છે અને ક્લેમ થાય ત્યારે ઓચિંતો આઘાત લાગતો નથી.

ક્લેમ કરવાની રીત

વીમા પોલિસી ગમે તેટલી સારી દેખાતી હોય, આખરે તો એમાં ક્લેમ આવે ત્યારે એ કેવી રીતે સેટલ કરવામાં આવે છે એનું મહત્ત્વ છે. ‘નો યોર પોલિસી’ના દસ્તાવેજમાં ક્લેમની પ્રક્રિયાના અલગ અલગ તબક્કા પૂરા કરવા માટેની સમયમર્યાદા નિશ્ર્ચિત કરવામાં આવી હોય છે. એના માટે ‘ટર્ન અરાઉન્ડ ટાઇમ’એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. કેશલેસ ક્લેમની સ્થિતિમાં પહેલેથી કરાવાતું ઑથોરાઇઝેશન અને આખરી બિલનું ઑથોરાઇઝેશન એ બન્ને કામ માટેની સમયમર્યાદા પણ દસ્તાવેજમાં લખેલી હોય છે. આ ઉપરાંત, વીમાધારકને નેટવર્કમાં સમાવિષ્ટ હોસ્પિટલોની યાદી, હેલ્પલાઇનના નંબર તથા બ્લેકલિસ્ટેડ હોસ્પિટલોની યાદી પણ પૂરી પાડવામાં આવે છે. આ માહિતી મળી જવાથી ક્લેમની પ્રક્રિયા સમયસર અને કડાકૂટ વગર પૂરી થઈ શકે છે.

પોલિસીનું સર્વિસિંગ

પોલિસીનું સર્વિસિંગ સારી રીતે થાય તો વીમાધારકને વીમો લીધાનો અનુભવ પણ સારો મળે છે. આથી ‘નો યોર પોલિસી’ દસ્તાવેજમાં વીમા કંપનીના કોલ સેન્ટરનો નંબર તથા કંપનીના અધિકારીઓનો સંપર્ક કરવા માટેની વિગતો આપવામાં આવે છે. વીમાધારકને ફરિયાદ કરવા, કોઈ પ્રશ્નનો જવાબ મેળવવા કે બીજી કોઈ સેવા અર્થે જરૂર પડે તો વીમાધારક આ માહિતીનો સુગમતાથી ઉપયોગ કરી શકે છે.

ફરિયાદ

વીમાધારકની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે કંપનીએ કરેલી વ્યવસ્થાની જાણકારી પણ દરેક વીમા પોલિસીમાં હોય છે. તકરાર નિવારણ અધિકારી, કંપનીની તકરાર નિવારણ માટેની વેબસાઇટ અથવા તો એનો વિભાગ તથા ઓમ્બડ્સમેન એ બધી માહિતી આ દસ્તાવેજમાં આપવામાં આવે છે. આ વ્યવસ્થા દ્વારા વીમાધારક સમસ્યા/ફરિયાદનો હલ ઉચિત અને પારદર્શક રીતે લાવી શકે છે.

‘નો યોર પોલિસી’ દસ્તાવેજમાં બીજી પણ અગત્યની જાણકારી હોય છે. પોલિસી ખરીદ્યા બાદ એને પાછી આપી શકાય એ માટે ફ્રી લૂક કેન્સલેશનની સુવિધા હોય છે. આ સુવિધા પોલિસી ખરીદ્યા પછી કેટલા દિવસ સુધી હોય છે એની માહિતી ઉપરાંત પોલિસીના નવીનીકરણની પ્રક્રિયા આ દસ્તાવેજમાં વિગતવાર જણાવવામાં આવે છે. તમારી પોલિસી બીજી કંપનીમાં પોર્ટ કરવી હોય તો શું કરવું,

વીમાની રકમમાં ફેરફાર અને મોરેટોરિયમ પિરિયડ, વગેરેને લગતી વિગતો પણ આ દસ્તાવેજમાં હોય છે. આ બધા ઉપરોકત મુદ્દાઓના આધારે સમજી શકાય છે કે ‘નો યોર પોલિસી’ દસ્તાવેજ કેટલો અગત્યનો છે અને એમાંથી વીમાધારકને ઘણી ઉપયોગી-આવશ્યક માહિતી મળી રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button