‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના…’ રાશિદ લતીફે ઇંગ્લૅન્ડ માટે કેમ આવું કહ્યું?

કરાચી: પાકિસ્તાનનો ભૂતપૂર્વ વિકેટકીપર કેપ્ટન રાશિદ લતીફ ભારત વિરોધી ટિપ્પણી કરવા માટે તેમ જ પોતાને જે સાચું લાગે એ ફટ દઈને બોલી નાખવા માટે જાણીતો છે, પણ આ વખતે તેણે ઇંગ્લેન્ડના એકસાથે ત્રણ ભૂતપૂર્વ ખેલાડીઓને ભીંસમાં લઈ લીધા છે.
આ પણ વાંચો: આ વખતે કેમ ટીમ ઇન્ડિયાની જીત બાદ વિકટરી-પરેડ નથી રાખવામાં આવી?
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ટીમ તમામ મૅચ દુબઈમાં રમી હતી. મુખ્ય યજમાન પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ સહિત તમામ દેશના ક્રિકેટ બોર્ડે આઇસીસી સાથે સહમતી સાધી હતી કે ભારત પોતાની ટીમને પાકિસ્તાન નથી મોકલવાનું એટલે ટીમ ઇન્ડિયા બધી મૅચ યુએઇના દુબઈમાં જ રમશે. જોકે આ વિશે ઘણા ખેલાડીઓએ એવી કમેન્ટ કરી છે કે બાકીના બધા દેશોની ટીમોએ પાકિસ્તાન અને યુએઈ વચ્ચે પ્રવાસ કરતા રહેવું પડ્યું, પરંતુ ભારતીય ટીમને એક જ ગ્રાઉન્ડ (દુબઈ)માં રમવાનો બહુ મોટો ફાયદો થયો એટલે એ અપરાજિત રહ્યું અને છેવટે ચેમ્પિયનપદ મેળવ્યું.
જોકે ભારતની વિરુદ્ધમાં ટિપ્પણી કરનાર ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓ નાસિર હુસેન, માઈકલ આથર્ટન અને ડેવિડ લોઇડને ભારતના કોઈ ખેલાડીએ નહીં, પરંતુ પાકિસ્તાનના રાશિદ લતીફે સાણસામાં લીધા છે.
આ પણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફી લઈને દુબઈથી પાછા આવી ગયા ચૅમ્પિયનો, મુંબઈ ઍરપોર્ટની બહાર લોકોની ભારે ભીડ…
લતીફે ‘કૉટ બિહાઈન્ડ’ નામના ટીવી શોમાં કહ્યું હતું કે ‘ભારતીય ટીમને કોઈ રીતે ખોટો ફાયદો થાય એ વિશે અમે ટિપ્પણી કરીએ એ ઠીક છે, પણ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓ કેમ અત્યારે બહાનાબાજી કરવા લાગ્યા છે? બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના. અમારા બંનેની વાતમાં તમે લોકો શું કામ વચ્ચે પડો છો?’
લતીફે એવું પણ કહ્યું હતું કે ‘હાઇબ્રિડ મૉડેલ હેઠળ ભારતની ટીમે બધી મૅચો દુબઈમાં જ રમવી એ સાથે બધા દેશના ક્રિકેટ બોર્ડ સંમત થયા હતા. હવે ફરિયાદ કરવાનો શું મતલબ?’

લતીફે થોડો ભારત વિરોધી સૂર અપનાવવાની સાથે ઇંગ્લૅન્ડને ફરી ઝાટકતાં કહ્યું હતું કે ‘ શેડ્યૂલમાં જ ખામી હતી એ વિશે પહેલા બોલવું જોઈતું હતું. ભારત-ન્યૂ ઝીલૅન્ડની છેલ્લી લીગ મૅચ રવિવાર, બીજી માર્ચે રાખવામાં આવી હતી. જો દુબઈમાં એ જ મૅચ આગલા દિવસે એટલે કે શનિવાર, પહેલી માર્ચે ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે કરાચીમાં રમાયેલી મૅચના જ દિવસે રાખવામાં આવી હોત તો સેમિ ફાઇનલની લાઇન-અપ આસાનીથી નક્કી થઈ શકી હોત. શેડ્યૂલ નક્કી કરવામાં આઇસીસી તેમ જ તમામ ક્રિકેટ બોર્ડે બ્લન્ડર કર્યું હતું. તમારા ભૂતપૂર્વ ખેલાડીઓ એ ભૂલ શોધી ન શક્યા અને તમારી ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે ત્યારે હવે તમે બધા રડી રહ્યા છો. તમારા ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિઓએ આઇસીસીની મીટિંગમાં માત્ર મોજ માણવા ન જવું જોઈએ. તમારે જે કામ બરાબર કરવાનું હોય એ કરી દેખાડો.’