આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ક્યારથી ગરમીમાં થશે ઘટાડો? વાંચો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા મંગળવારે 9 જિલ્લામાં લૂ નું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં હજુ બે થી ત્રણ દિવસ આવી ગરમીનો અનુભવ થશે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 15મી માર્ચથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે કહ્યું, રાજ્યમાં હજુ બે થી ત્રણ દિવસ અંગ દઝાડતી ગરમી પડશે. 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે. કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રીથી 36 ડિગ્રી જેટલું રહેશે. મધ્ય-ઉત્તર ગુજરાતના ભાગમાં 34થી 36 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્ત્મ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે. એક પછી એક પશ્ચિમ વિક્ષેપ આવી રહ્યા છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં તારીખ 13થી 14માં આવી રહેલા પશ્ચિમી વિક્ષેપોના કારણે હોળીના દિવસોમાં ક્યાંક વાદળવાયું અને ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે.જ્યારે ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન ગુજરાતમાં હવામાનમાં પલટો પણ થઈ શકે છે. આ ઉપરાંત તારીખ 20 સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેતાં ક્યાંક છાંટા પણ પડી શકે છે. આમ છતાં કમોસમી વરસાદની શક્યતા ઓછી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ક્યારથી ઊંચકાશે ગરમીનો પારો, જાણો અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

હોળી પર પવનની ગતિ કેવી રહેશે

આ વખતે હોળીમાં પવનની ગતિ વધારે રહેશે. જેમાં કચ્છમાં 20થી 40ની સ્પીડે, ઉત્તર ગુજરાતમાં 40ની સ્પીડે અને મધ્ય ગુજરાતના ભાગમાં 15ની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે. જેથી મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થઈ શકે છે. આગામી સમયમાં આવતા એક પછી એક હવામાનના પલટાને લીધે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થઈ શકે છે.

મંગળવારે અમદાવાદ અને સુરત સહિત રાજ્યના નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આ શહેરમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આ વખતે ગત વર્ષની સરખામણીએ 16 દિવસ વહેલા ગરમીની શરૂઆત થઈ છે. ગત વર્ષે 26 માર્ચે અમદાવાદમાં ગરમીનો પારે 39.9 ડિગ્રીએ પહોંચ્યો હતો. આ વર્ષે 10 માર્ચે જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button