
ભુજઃ માર્ચ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમી વરસવાનું શરૂ થઇ ગયું છે અને આજે ભુજમાં મહત્તમ તાપમાનનો આંક ૪૨ ડિગ્રીને પાર પહોંચી જતાં આ કિલ્લેબંધ શહેર જાણે અગનભઠ્ઠામાં પરિવર્તિત થઇ ગયું છે.
સવારના દસ વાગ્યા બાદ સૂર્યનારાયણે પોતાનો પ્રકોપ વર્તાવવો શરૂ કર્યો હતો અને બપોર સુધીમાં તાપમાન ૪૨-૪૩ ડિગ્રી સુધી પહોંચી જતાં જનજીવન જાણે મૂર્છિત બની ગયું હતું. અધૂરામાં પૂરું ભેજનું પ્રમાણ નહિવત થઇ જતાં હોલિકા દહન વખતે નીકળતી ગરમ ઝાળ જેવા ઉના વાયરાઓએ ભુજ શહેરને રીતસરનું બાનમાં લીધું હતું અને મુખ્ય માર્ગો બપોરના સમયે પરીક્ષા અને રિવિઝનની મજબૂરીમાં નિશાળે જતાં ભૂલકાઓની અવરજવર સિવાય સૂના ભાસતા હતા. ભુજ ઉપરાંત જિલ્લાના અંતરિયાળ વિસ્તારો અને રણકાંધીના ગામોમાં પણ ૪૦-૪૧ ડિગ્રીની આસપાસ રહેલી ગરમીની આણની વિશેષ અસર થઈ હતી. મહત્વનું છે કે, ભુજમાં માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં સામાન્ય કરતાં છથી સાત ડિગ્રી તાપમાન વધુ છે.મહાબંદર કંડલામાં મહત્તમ ૩૫ ડિગ્રી, ગાંધીધામ વિસ્તારમાં પણ ૩૭ ડિગ્રી જયારે નલિયામાં ૪૦ ડિગ્રી સે.જેટલું ઊંચું જયારે ૧૮ ડિગ્રી સે. નીચું તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો…ચેમ્પિયન અક્ષર પટેલ ઘરે પરત ફર્યો, અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત
લઘુત્તમ તાપમાન પણ જિલ્લામાં સરેરાશ ૨૮ ડિગ્રીને પાર કરી જતાં ગરમી રાત્રે પણ પીછો છોડતી નથી.હવામાન વિભાગે રાજ્યમાં હીટવેવનું મોજું ફરી વળશે તેવી એલર્ટ જારી કરી છે.
બીજી બાજુ સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં પણ તાપમાનનો પારો 37-38 ડિગ્રીએ પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એકસાથે તાપમાનનો પારો ઊંચો જતા લોકો પરેશાન થઈ ગયા છે અને માર્ચ મહિનામાં આ હાલ છે તો મે મહિનામાં પારો ક્યાં પહોંચશે તે સવાલ લોકો એકબીજાને પૂછી રહ્યા છે.