આરઆરટીએસ સ્ટેશનો પર હવે એઆઈ આધારિત સ્કેનિંગ સિસ્ટમ
નવી દિલ્હી: દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના પ્રાયોરિટી સેક્શન અંતર્ગત આવેલા સ્ટેશનો પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ આધારિત બેગેજ સ્કેનિંગ સિસ્ટમ બેસાડવામાં આવશે જે સુરક્ષા કર્મચારીઓને અલર્ટ કરશે અને પ્રતિબંધિત વસ્તુઓને ઓળખવામાં મદદ કરશે, એમ એનસીઆરટીસીના અધિકારીઓએ કહ્યું હતું.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રિજ્યોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)ની ટ્રેનનું ઉદ્ઘાટન કરશે અને એ ટ્રેનનું નામ ‘નમો ભારત’ હશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શાહિબાબાદ રેપિડેક્સ સ્ટેશન ખાતે શુક્રવારે ૧૭ કિ.મી. લાંબા પ્રાયોરિટી સેક્શનનું ઉદ્ઘાટન કરશે અને શનિવારથી પ્રવાસી સેવાનો આરંભ થશે.
ઉત્તર પ્રદેશ સરકારે આ કોરિડોરમાં આવેલા તમામ સ્ટેશનોની સુરક્ષાની જવાબદારી ઉત્તર પ્રદેશ સ્પેશિયલ સિક્યોરિટી ફૉર્સ (યુપીએસએસએફ)ને સોંપી છે અને આ તમામ સ્ટેશનો પર સુરક્ષા કર્મચારીઓને ગોઠવી દેવામાં આવ્યા છે, એમ વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું હતું. આ ઉપરાંત સ્ટેશનો પર ગુનાને અટકાવવા તેમ જ ગુનાની તપાસ કરવા ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ક્વિક રિએક્શન ટીમ, બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડૉગ સ્ક્વોડ ટીમ પણ ગોઠવી દેવામાં આવી હોવાનું નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એનસીઆરટીસી)એ જણાવ્યું હતું. નિર્માણાધિન આરઆરટીએસ કોરિડોર રેપિડેક્સ નામે એનસીઆરટીસી દ્વારા શરૂ કરવામાં આવેલી સેમી હાઈસ્પિડ રિજ્યોનલ રેલ સર્વિસ માટે છે અને તે કેન્દ્ર સરકાર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન સરકારનું સંયુક્ત સાહસ છે. (એજન્સી)