આ વખતે કેમ ટીમ ઇન્ડિયાની જીત બાદ વિકટરી-પરેડ નથી રાખવામાં આવી?

મુંબઈ: ટીમ ઇન્ડિયાએ વિક્રમજનક ત્રીજી વાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી એને પગલે રવિવારે રાત્રે મુંબઈ સહિત દેશભરમાં શાનદાર ઉજવણી થઈ હતી, પરંતુ ઘણાને પ્રશ્ન થયો હશે કે 2024ના ટી-20 વર્લ્ડ કપ બાદ યોજાઈ હતી એવી ઓપન બસ વિક્ટરી-પરેડ આ વખતે કેમ નથી યોજવામાં આવી?

ગયા વર્ષે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ ટી-20નો વર્લ્ડ કપ જીતીને વેસ્ટ ઇન્ડિઝથી મુંબઈ પાછી આવી હતી ત્યારે મરીન ડ્રાઈવ પર તેમ જ બીજા અનેક વિસ્તારોમાં શાનદાર ઓપન બસ વિજયી-પરેડ યોજવામાં આવી હતી. હજારો લોકોની મેદની વચ્ચે ત્યારે ખેલાડીઓ મોડા આવતાં અસંખ્ય લોકોને પરેશાની થઈ હતી. જોકે ક્રિકેટચાહકો પોતાના ફેવરિટ ખેલાડીઓને જોવાની ઈચ્છા પૂરી પણ કરી શક્યા હતા.
જોકે આ વખતે બાવીસમી માર્ચે શરૂ થનારી આઈપીએલ ખૂબ નજીક આવી ગઈ હોવાથી ખેલાડીઓને એની તૈયારી માટે બહુ ઓછો સમય મળી રહ્યો છે. ખેલાડીઓ આઇપીએલના આરંભ પહેલાં નાનો બ્રેક ઈચ્છે છે. બીજું ગયા વર્ષે આઇપીએલ પછી વર્લ્ડ કપ યોજાયો હતો અને એ જીત્યા બાદ બ્રિજટાઉનથી ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડીઓ ચાર્ટર પ્લેનમાં એકસાથે પાછા આવ્યા હતા. આ વખતે ખેલાડીઓ અલગ અલગ જૂથમાં દુબઈથી પાછા આવી રહ્યા છે.
આ પણ વાંચો…કોણ છે આરજે મહવશ? યુઝવેન્દ્ર ચહલ સાથે કેમ જોડાઈ રહ્યું છે નામ…
ભારતીય ખેલાડીઓ આંગળીને વેઢે ગણાય એટલા દિવસો પોતાના પરિવાર તથા મિત્રો સાથે વિતાવ્યા બાદ આઇપીએલની તૈયારીમાં વ્યસ્ત થઈ જશે.
મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ જેવી ટીમે તો ખેલાડીઓ માટેના ટ્રેઈનિંગ કેમ્પની શરૂઆત પણ કરી દીધી છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે ન્યૂ ઝીલૅન્ડને એક ઓવર અને ચાર વિકેટ બાકી રાખીને હરાવી દીધું હતું. ભારતે 2002 અને 2013 બાદ ફરી એકવાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે જે નવો વર્લ્ડ રેકોર્ડ છે.