નેશનલ

ઓડિશાના નવા રાજ્યપાલ રઘુબર દાસ

ભુવનેશ્ર્વર: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રઘુબર દાસની ઓડિશાના રાજ્યપાલ તરીકે નિમણૂક થવા બદલ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યના નવા રાજયપાલને અભિનંદન પાઠવ્યા હતા.

પટનાયકે એક્સ પર પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસ અને લોકોના કલ્યાણ માટે તેમની સાથે કામ કરવા માટે આતુર છીએ. તેઓને સફળ કાર્યકાળની શુભેચ્છાઓ. તેમજ ઓડિશાના રાજ્યપાલ પ્રો. ગણેશી લાલે નવા રાજ્યપાલને અભિનંદન પાઠવ્યા હતા. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દાસ પ્રો. ગણેશી લાલનું સ્થાન લેશે. તેમનો કાર્યકાળ આ વર્ષે મે માસમાં સમાપ્ત થયો હતો. દાસને તેની નવી નિમણૂક પર અભિનંદન
આપતા કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક્સ પર કહ્યું હતું કે, તેમનો અનુભવ અને વહીવટી ક્ષમતાઓ ઓડિશાના લોકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે ફાયદાકારક રહેશે. હું તેમને આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને ઓરિસ્સાની સેવામાં સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું.

૨૦૧૪થી ૨૦૧૯ સુધી ઝારખંડના પ્રથમ બિન-આદિવાસી મુખ્ય પ્રધાન રહેનાર દાસનો જન્મ ત્રણ મે, ૧૯૫૫ના રોજ ભાલુબાસા ખાતે થયો હતો. તેમના પિતા જમશેદપુરમાં મજૂર તરીકે કામ કરતા હતા. દાસની રાજકીય કારકિર્દી ૧૯૭૬-૭૭ના વિદ્યાર્થી આંદોલનથી શરૂ થઇ હતી. તેઓ કટોકટી દરમિયાન જેલમાં ગયા હતા અને ૧૯૭૭માં જનતા પાર્ટીના સભ્ય બન્યા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા. ૨૦૦૪માં નવા ગઠિત રાજ્ય ઝારખંડના ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા. તેઓ બાબુલાલ મરાંડી સરકારમાં પ્રથમ વખત અને ત્યારપછીની અર્જુન મુંડાના વડપણ હેઠળની બે સરકારોમાં ફરીથી રાજ્યના પ્રધાન બન્યા હતા. તેઓ ૨૦૦૯માં શિબુ સોરેનની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button