ઇન્ટરનેશનલ

હમાસ-અમેરિકાની ગુપ્ત બેઠક પર ઇઝરાયલનાં પેટમાં રેડાયું તેલ; અમેરિકાએ રોકડું પરખાવ્યું “અમે એજન્ટ નથી”…

વોશિંગ્ટન: ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો તણાવની સ્થિતિમાં રમઝાનને લઈને થોડી પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. યુદ્ધવિરામનો પહેલો તબક્કો પૂર્ણ થયાને એક અઠવાડિયાથી વધુનો સમય વિતી ચૂક્યો છે પરંતુ બીજા તબક્કાની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. રમઝાનના પવિત્ર મહિનામાં, ઇઝરાયલે પહેલા ગાઝાના લોકો માટે રાહત સામગ્રી લઈ જતા ટ્રકોને અટકાવી અને હવે વીજ પુરવઠો પણ કાપી નાખ્યો છે. તેની ચોમેર ટીકા થઈ રહી છે. આ સ્થિતિમાં અમેરિકા અને હમાસ નજીક આવી રહ્યા છે, આ મુદ્દે ઇઝરાયલનાં પેટમાં તેલ રેડાયું છે.

Also read : અમેરિકામાં હિંદુ મંદિર પર હુમલા મુદ્દે હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણીએ આપ્યું આ મોટું નિવેદન

અમેરિકા-હમાસ વચ્ચે ગુપ્ત બેઠક
ગાઝા યુદ્ધવિરામ અંગે અમેરિકા અને હમાસના પ્રતિનિધિઓ વચ્ચે ગુપ્ત બેઠક થઈ હતી. આ ગુપ્ત બેઠકને લઈને ઇઝરાયલનાં પેટમાં તેલ રેડાયું છે. ઇઝરાયલે આ મુદ્દે કહ્યું હતું કે કે તેને પણ બેઠકમાં સામેલ કરવું જોઈતું હતું. ઇઝરાયલની ટીકાથી મુંઝવણમાં પડેલા અમેરિકાએ પણ ઇઝરાયલને રોકડું પરખાવી દીધું હતું અને કહ્યું હતું કે તે તેનો એજન્ટ નથી.

ઇઝરાયલનું એજન્ટ નથી
મીડિયા અહેવાલ અનુસાર, અમેરિકાના બંધક બાબતોનાં રાજદૂત એડમ બોહલરે હમાસ સાથેની ગુપ્ત બેઠક પર ઇઝરાયલની નારાજગીને નકારી કાઢી હતી અને હમાસના પ્રતિનિધિઓ સાથેની તેમની બેઠકનો બચાવ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે અમેરિકા “ઇઝરાયલનું એજન્ટ નથી.” બોહલરે ખુલાસો કર્યો કે આ સીધી વાટાઘાટો અમેરિકન બંધકોની મુક્તિને સુરક્ષિત કરવા માટે કરવામાં આવી હતી, જોકે તેમનો અંતિમ ધ્યેય તમામ બંધકોની મુક્તિનો હતો.

અમેરિકાની દાયકાઓ જૂની નીતિનો ભંગ
અમેરિકાની આ બેઠકથી આ ઇઝરાયલથી આકરી પ્રતિક્રિયાઓ સામે આવી હતી. અને આ રોષ ખાસ કરીને બોહલરનાં એ નિવેદન બાદ વધ્યો હતો કે જેમાં તેમણે કહ્યું કે હમાસે પાંચથી દસ વર્ષની યુદ્ધવિરામ યોજનાનો અને પોતાને નિઃશસ્ત્ર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે તેમને ફરીથી હમાસના અધિકારીઓને મળવાની તક મળશે તે અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. ત્યારે તેમણે કહ્યું, “તમને ક્યારેય ખબર નથી. ક્યારેક આ વિસ્તારમાં હોવ છો અને તેમને મળવા જાઓ છો.” આ વાતચીતથી આતંકવાદી સંગઠનો સાથે વાટાઘાટો ન કરવાની અમેરિકાની દાયકાઓ જૂની નીતિનો ભંગ થયો. જોકે, બોહલરે એ અંગે સ્પષ્ટતા કરી હતી કે ટ્રમ્પ વહીવટીતંત્ર આ વાટાઘાટોથી પહેલાથી જ વાકેફ હતું.

Also read : ડોનાલ્ડ ટ્રમ્પના દબાણના લીધે નહિ પરંતુ, ભારત આ કારણે અમેરિકન આયાત પર ઘટાડી રહ્યું છે ટેરિફ

આગામી વાતચીત કતારમાં
અમેરિકા અને હમાસની આ બેઠક પર ઇઝરાયલી અધિકારી રોન ડર્મરે આ અંગે સખત વાંધો ઉઠાવ્યો હતો. દરમિયાન, બોહલરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “જો ડર્મર દર વખતે ગુસ્સે થાત તો દરરોજ એક મોટો વિવાદ સર્જાયો હોત.” હવે બધાની નજર કતારમાં યોજાનારી વાટાઘાટો પર છે, જ્યાં ઇઝરાયલ તેના બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામ પર અમેરિકાના વલણ અંગે ચર્ચા કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button