કૉંગ્રેસ નક્સલવાદને પ્રોત્સાહન આપે છે: અમિત શાહ
જગદલપુર/કોંડાગાંવ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે કૉંગ્રેસ પર નક્સલવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષના શાસનમાં નક્સલ હિંસાની ઘટનાઓમાં બાવન ટકાનો ઘટાડો થયો છે. શાહે કહ્યું કે રાજ્યમાં ભાજપને સત્તા પર ચૂંટો, અમે સમગ્ર રાજ્યને સંકટમાંથી મુક્ત કરીશું. છત્તીસગઢના જગદલપુર અને કોંડાગાંવમાં રેલીઓને સંબોધતા એમણે જણાવ્યું હતું કે તમારી સામે બે વિકલ્પ છે, એક કૉંગ્રેસ છે જે નક્સલવાદને પ્રોત્સાહન આપે છે જ્યારે બીજી તરફ, ભાજપ છે જે નક્સલવાદને ખતમ કરે છે. તેમણે લોકોને રાજ્યમાં ભાજપને સત્તામાં લાવવા વિનંતી કરી હતી અને વચન આપ્યું હતું કે તેમની પાર્ટી આખા રાજ્યને
નક્સલવાદના ત્રાસથી મુક્ત કરશે.
બસ્તર ક્ષેત્રને એક સમયે નક્સલવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત માનવામાં આવતું હતું અને હજુ પણ કેટલીક જગ્યાએ આ ખતરો યથાવત્ છે. છત્તીસગઢની ૯૦ વિધાનસભા બેઠકો માટે સાત અને ૧૭ નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થવાનું છે અને ત્રણ ડિસેમ્બરે મત ગણતરી થશે.