મહારાષ્ટ્ર બજેટ 2025-26 બજેટનું કદ સાત લાખ કરોડ: મહેસૂલી ખાધ બમણી થઈ: દેવું નવ લાખ કરોડથી વધી જવાની શક્યતા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વધતા મહેસૂલી ખર્ચ અને દેવાના બોજ હેઠળ દબાયેલું, મૂડી ખર્ચમાં નજીવા વધારા સાથેનું મહારાષ્ટ્રનું બજેટ-2025 નાણાં પ્રધાન અજિત પવારે સોમવારે રજૂ કર્યું હતું જેનું કદ રૂ. સાત લાખ કરોડનું હતું, બજેટમાં કોઈ નવી મહત્ત્વપૂર્ણ યોજના જાહેર કરવામાં આવી નહોતી, પરંતુ 2024માં વિધાનસભા ચૂંટણી દરમિયાન શાસક ગઠબંધન દ્વારા તેના મેનિફેસ્ટોમાં આપવામાં આવેલાં ઘણાં વચનો પૂરાં કરવામાં પણ મૌન સેવવામાં આવ્યું હતું, જેમ કે લાડકી બહેન યોજના માટે માસિક ખર્ચમાં વધારો અને કૃષિ લોન માફી વગેરે.
Also read : મહારાષ્ટ્ર બજેટ 2025: કરવેરા આવકનો લક્ષ્યાંક ₹3.87 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો, માફી યોજનાની જાહેરાત…
અગાઉની મહાયુતિ સરકારે જાહેર કરેલા ચૂંટણીના વર્ષની રાહતો અને વર્ષના મધ્યમાં તેના અમલથી મહારાષ્ટ્રનાં નાણાકીય સ્વાસ્થ્ય પર અસર પડી હતી, જેનાં પરિણામે 2024-25ના બજેટ અંદાજ કરતાં મહેસૂલ ખર્ચમાં રૂ. 87,341.15 કરોડનો વધારો થયો હતો. દરમિયાન, 2025-26 માટેના મૂડી ખર્ચમાં વર્ષ 2024-25 ના બજેટ અંદાજ કરતાં રૂ. 92,779 કરોડનો વધારો જોવા મળ્યો છે.
‘મહારાષ્ટ્રનું બજેટ કદ રૂ. સાત લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે ઉત્તર પ્રદેશ પછી દેશનું સૌથી મોટું બજેટ છે. પરિણામે, રાજ્યની લોન મેળવવાની ક્ષમતામાં પણ વધારો થયો છે. બજેટ રાજકોષીય ખાધને 2.7 ટકા રાખવામાં સફળ રહ્યું છે જે 2.9 ટકા થઈ ગયું હતું. રાજ્ય પાંચ મુદ્દાના એજન્ડાને આગળ રાખીને પ્રગતિ કરશે,’ એમ મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું.
મહારાષ્ટ્રનું કુલ દેવું પણ નાણાકીય વર્ષ 2024-25 માટે વધીને રૂ. 8,39,275 કરોડ (સુધારેલ અંદાજ) થયું, જે પાછલા નાણાકીય વર્ષના રૂ. 7,18,507 કરોડ હતું. 2025-26 માટેના બજેટ અંદાજમાં કુલ દેવું રૂ. 9,32,242 કરોડ થયું છે, જે રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદન (જીએસડીપી)ના 18.87 ટકા છે, જે છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ છે.
અજિત પવારે રૂ. 7,00,020.20 કરોડનું રેકોર્ડ 11મું બજેટ રજૂ કર્યું, જેમાં રાજ્યમાં ચાલી રહેલી માળખાકીય સુવિધાઓ તેમજ અન્ય પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને કોઈપણ નવી જાહેરાત કરવાનું ટાળ્યું હતું. પાલઘર જિલ્લામાં આગામી વાઢવણ બંદર નજીક ત્રીજા એરપોર્ટની સ્થાપના, કૃષિ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની અને ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ માટે રૂ. 36,000 કરોડનો પ્રસ્તાવ મુખ્ય છે.
વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, મહાયુતિએ લાડકી બહેન યોજના હેઠળ માસિક ખર્ચ રૂ. 1,500 થી વધારીને રૂ. 2100 કરવાની જાહેરાત કરી હતી. તેણે કૃષિ લોન માફીનું પણ વચન આપ્યું હતું. બે અઠવાડિયા પહેલા, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પીએમ કિસાન સન્માન નિધિમાં રાજ્યના હિસ્સામાં રૂ. 3,000 નો વધારો કરવાની જાહેરાત કરી હતી. રાજ્યની બેલેન્સ શીટને જાળવી રાખવાના પ્રયાસમાં, અજિત પવારે બજેટમાં આની જાહેરાત કરવાનું ટાળ્યું હતું.
રાજ્યના મહેસૂલ વિકલ્પો શોધવાના પ્રયાસમાં, રાજ્યએ રૂ. 30 લાખથી વધુ કિંમતના ઇલેક્ટ્રિક વાહનો પર છ ટકાના દરે મોટર વાહન કર વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો. રાજ્યમાં બાંધકામ માટે વપરાતાં વાહનો જેમ કે ક્રેન, કોમ્પ્રેસર, પ્રોજેક્ટર અને ખોદકામ કરનારાં વાહનો તેમજ 7,500 કિલોગ્રામ સુધીના માલનું વહન કરતાં હળવાં માલવાહક વાહનો (એલએમવી)ની કિંમત પર ફરજિયાતપણે સાત ટકાના દરે મોટર વાહન કર વસૂલવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારને અપેક્ષા છે કે આ કરવેરાથી તેને લગભગ રૂ. 1,000 કરોડની વધારાની આવક થશે.
Also read : બોલો, મુંબઈમાં વરલી અને ક્રાફર્ડ માર્કેટની જગ્યામાં બિલ્ડરોને રસ નથી, જાણો કારણ?
2025-26માં રાજ્યનો મહેસૂલ ખર્ચ 2024-25 રૂ. 5,19,513.53 કરોડથી વધીને રૂ. 6,06,854.68 કરોડ થયો છે. રાજ્યની કુલ મહેસૂલી ખાધ વધીને રૂ. 45,890.86 કરોડ થઈ ગઈ છે, જે 2025-26ના રૂ. 20,050.69 કરોડથી બમણી છે. રાજ્ય 2024-25 (અંદાજે અંદાજપત્ર)ના રૂ. 1,10,355.22ની સરખામણીમાં રૂ. 1,36,234.62 કરોડની રાજકોષી ખાધનો સામનો કરી રહ્યું છે.
જોકે, રાજ્યના મૂડી ખર્ચમાં નજીવો વધારો જોવા મળ્યો છે. 2025-26 (અંદાજે અંદાજપત્ર)માં મૂડી ખર્ચ રૂ. 93,165.52 કરોડ છે, જ્યારે 2024-25 (અંદાજે અંદાજપત્ર)માં તે રૂ. 92,779.63 કરોડ હતો. વર્ષ 2024-25ના સુધારેલા અંદાજ મુજબ, મૂડી ખર્ચ રૂ. 1,09,031.48 કરોડ રહેવાનો અંદાજ છે.