અમેરિકા અને દક્ષિણ કોરિયાની સંયુક્ત લશ્કરી કવાયતથી ભડક્યું ઉત્તર કોરિયા, સમુદ્રમાં બેલિસ્ટિક મિસાઇલો છોડી…

નવી દિલ્હી : દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત શરૂ થયાના થોડા કલાકો પછી ઉત્તર કોરિયાએ(North Korea)સોમવારે સમુદ્રમાં અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. ઉત્તર કોરિયા આ કવાયતને આક્રમણના રિહર્સલ તરીકે જુએ છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે મિસાઈલો ઉત્તર કોરિયાના હ્વાંગે પ્રાંતથી છોડવામાં આવી હતી પરંતુ તેમણે એ વાતનો ખુલાસો કર્યો નથી કે મિસાઈલો કેટલી દૂર સુધી ગઈ. દક્ષિણ કોરિયા અને યુએસ લશ્કરી દળોએ તેમનો વાર્ષિક ‘ફ્રીડમ શીલ્ડ’ કમાન્ડ પોસ્ટ અભ્યાસ શરૂ કર્યો છે જે 11 દિવસ સુધી ચાલશે.
Also read : South Korea ના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ જેલમાંથી મુક્ત, જાણો સમગ્ર મામલો…
ઉત્તર કોરિયાએ આ લશ્કરી કવાયતની સખત નિંદા કરી
ઉત્તર કોરિયાએ આ લશ્કરી કવાયતની સખત નિંદા કરી છે અને સરકારી નિવેદનમાં તેને ખતરનાક ગણાવ્યું છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે સોમવારે તેના સત્તાવાર મીડિયા દ્વારા એક નિવેદન બહાર પાડ્યું જેમાં ‘ફ્રીડમ શીલ્ડ’ કવાયતને આક્રમક અને સંઘર્ષાત્મક દાવપેચ ગણાવી હતી. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ કિમ જોંગ ઉનનો ફરીથી સંપર્ક કરીને ઉત્તર કોરિયા સાથે રાજદ્વારી વાટાઘાટો ફરી શરૂ કરવા માટે તૈયાર છે. ઉત્તર કોરિયાના પરમાણુ નિઃશસ્ત્રીકરણ અને તેની સામેના અમેરિકી પ્રતિબંધો હટાવવાના મુદ્દા પર મતભેદને કારણે અગાઉની વાટાઘાટો નિષ્ફળ ગઈ હતી.
દક્ષિણ કોરિયા એ દેશમાં જ ભૂલથી બોમ્બ ફેંક્યા
આ દરમિયાન ગુરુવારે દક્ષિણ કોરિયાના બે KF-16 ફાઇટર જેટ્સે દક્ષિણ કોરિયાના પોચોન શહેરમાં (ઉત્તર કોરિયાની સરહદ નજીક ભૂલથી 8 MK-82 બોમ્બ ફેંકી દીધા હતા.જેમાં લગભગ 30 લોકો ઘાયલ થયા હતા. પાયલોટે ખોટા કોઓર્ડિનેટ્સના કારણે આ ભૂલ થઇ હતી.
Also read : અમેરિકા બાદ પાકિસ્તાન કરશે દેશનિકાલની કાર્યવાહી; 31 માર્ચનું અલ્ટીમેટમ…
વાયુસેનાના વડાએ માફી માંગી
દક્ષિણ કોરિયાના વાયુસેના ચીફ ઓફ સ્ટાફ જનરલ લી યાંગસૂએ આ ઘટના માટે માફી માંગી અને કહ્યું, “આ ઘટના ક્યારેય ન બનવી જોઈતી હતી અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થવું જોઈએ. આ ઘટના બાદ અમેરિકા અને દક્ષિણ કોરિયાએ તેમના તમામ લાઇવ-ફાયર કવાયતો કામચલાઉ ધોરણે બંધ કરી દીધી છે.