તેલંગણા ટનલ દુર્ઘટનાઃ ટીબીએમ ઓપરેટરના મૃતદેહને પંજાબ મોકલાયો, હજુ બચાવ કામગીરી ચાલુ

નાગરકુર્નૂલઃ તેલંગણામાં આંશિક રીતે તૂટી પડેલી એસએલબીસી ટનલમાંથી મળેલા ગુરપ્રીત સિંહના મૃતદેહને પંજાબમાં તેમના વતન મોકલવામાં આવ્યો છે. જ્યારે બાકીના સાત લોકોની શોધખોળ માટે આજે બચાવ કામગીરી ચાલુ રહી હતી.
રોબિન્સ કંપની માટે ટનલ બોરિંગ મશીન(ટીબીએમ) ઓપરેટર તરીકે કામ કરતાં ગુરપ્રીત સિંહ ૨૨ ફેબ્રુઆરીના રોજ ટનલ આંશિક રીતે તૂટી પડ્યા બાદ અંદર ફસાયેલા આઠ લોકો પૈકીના એક હતા.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મૃતદેહને નાગરકુર્નૂલ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અને અન્ય પ્રક્રિયાઓ બાદ ખાસ એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન એ. રેવંત રેડ્ડીએ તેમના પરિવારને ૨૫ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
આપણ વાંચો: અગિયારમો દિવસઃ તેલંગણા ટનલ દુર્ઘટનામાં બચાવ અભિયાન યથાવત: આઠ લોકો ફસાયેલા
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ૪૮ કલાકથી વધુ સમય સુધી ખૂબ જ કાળજીપૂર્વક ખોદકામ અને અન્ય પ્રયાસો બાદ મૃતદેહને બહાર કાઢી શકાયો હતો. મૃતદેહ લગભગ ૧૦ ફૂટની ઊંડાઇએ કાંપ નીચે દટાયેલો હતો. સિંહની ઓળખ તેમના ડાબા કાનની બુટ્ટી અને જમણા હાથ પરના ટેટૂના આધારે કરવામાં આવી હતી. જ્યારે બાકીના લોકોની શોધખોળ ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ(એસએલબીસી) પ્રોજેક્ટ ટનલનો એક ભાગ ૨૨ ફેબ્રુઆરીના રોજ તૂટી પડતાં એન્જિનિયરો અને મજૂરો સહિત આઠ લોકો ફસાયા હતા. એનડીઆરએફ, ભારતીય સેના, નૌકાદળ અને અન્ય એજન્સીઓના નિષ્ણાંતો તેમને સુરક્ષિત રીતે બચાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છે.