એક ટ્રોફીએ ત્રણને જીવતદાન આપ્યા!
રોહિતે 2027ના વર્લ્ડ કપ વિશે પૂછાતાં કહ્યું, `એટલું લાંબુ હું નથી વિચારતો, હમણાં હું ક્યાંય નથી જવાનો, અહીં જ છું'

દુબઈઃ રવિવારે અહીં ભારતે ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડને જેવું હરાવ્યું કે થોડી જ વારમાં વિજયના ઉન્માદમાં કૅપ્ટન રોહિત શર્મા અને પીઢ ખેલાડી વિરાટ કોહલીએ સ્ટમ્પથી દાંડિયા રમવાનું શરૂ કરી દીધું હતું અને એ અભૂતપૂર્વ માહોલ બનાવ્યા પછી રોહિત અસલ મિજાજમાં આવ્યો હતો, કારણકે એમાં તેણે સ્પષ્ટ કરી દીધું હતું કે હું ક્યાંય નથી જવાનો, અહીં જ છું.
' બીજા એક અહેવાલ મુજબ ચૅમ્પિયન્સ ટ્રોફીના આ વિક્રમજનક વિજય સાથે એકસાથે ત્રણ જણની કરીઅરને નવું જીવતદાન મળ્યું છે. ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ જીતી લીધા પછી વિરાટ કોહલી તેમ જ રવીન્દ્ર જાડેજા ઉપરાંત કેપ્ટન રોહિત શર્માએ ટી-20 ઇન્ટરનેશનલમાંથી રિટાયરમેન્ટ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા એટલે આ વખતે પણ ખાસ કરીને તેની (રોહિતની) વન-ડેની નિવૃત્તિ વિશે જોરદાર અટકળો ફેલાઈ હતી. જોકે ચૅમ્પિયન્સ ટ્રોફીના ટાઇટલે રોહિત ઉપરાંત વિરાટ કોહલીની ભવ્ય વન-ડે કારકિર્દીને જીવતદાન આપ્યું છે.
તેમણે નિવૃત્ત થવું પડે એવું હવે થોડો સમય તો નહીં જ બને. ઊલટાનું, તેમની પ્રતિષ્ઠા વધી ગઈ છે. હેડ-કોચ ગૌતમ ગંભીર સામે પણ (ન્યૂ ઝીલૅન્ડ તથા ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝોમાં ભારતની થયેલી કારમી હાર બદલ) આંગળી ચીંધવામાં આવતી હતી, પણ હવે ગંભીરને પણ કોચિંગના હોદ્દા પર જીવતદાન મળ્યું છે એમ કહી શકાય.
આપણ વાંચો: અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ
રોહિત શર્માએ રવિવારે રાત્રે ચેમ્પિયન્સ ટ્રોફીનો તાજ જીત્યા પછી પત્રકારોને ચોખ્ખું કહી દીધું હતું કે હમણાં વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની તેની કોઈ જ યોજના નથી. રોહિતને 2027ના વર્લ્ડ કપ વિશેના પ્લાન વિશે પૂછાતાં તેણે કહ્યું હતું કે
હજી બે વર્ષ બાકી છે.
હું એટલું લાંબુ વિચારતો જ નથી. 2027નો વર્લ્ડ કપ હું રમીશ કે નહીં રમું એ વિશે હમણાં કંઈ જ કહી શકું એમ નથી. હું વર્તમાન વિશે જ વિચારતો હોઉં છું અને એનો જ આનંદ માણતો હોઉં છું.’
ભારતે રવિવારે દુબઈમાં ન્યૂ ઝીલેન્ડને ફાઇનલમાં એક ઓવર અને ચાર વિકેટ બાકી રાખીને હરાવી દીધું હતું. એ સાથે ભારતે વિક્રમજનક ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી. ફાઇનલમાં 83 બૉલમાં ત્રણ સિક્સર અને સાત ફોરની મદદથી 79 રન બનાવનાર રોહિતને મૅન ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ અપાયો હતો.
આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની હાર બાદ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા ભંગારના વ્યાવસાયિકની ધરપકડ…
આખી સ્પર્ધામાં હાઈએસ્ટ 263 રન બનાવવા ઉપરાંત ત્રણ વિકેટ લેનાર ન્યૂ ઝીલૅન્ડના રચિન રવીન્દ્રને મૅન ઓફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ન્યૂ ઝીલૅન્ડનો જ મૅટ હેન્રી 10 વિકેટ સાથે મોખરે હતો. વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી તેમ જ મિચલ સેન્ટનર 9-9 વિકેટ સાથે બીજા નંબર પર રહ્યા હતા.
રોહિત શર્માએ રવિવારે રાત્રે સેલિબે્રશન વખતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું સ્પષ્ટતા કરી દઉં છું કે હાલમાં વન-ડે ફોર્મેટમાંથી રિટાયર થવાનો મારો કોઈ પ્લાન નથી. હું એવું પણ ઈચ્છું છું કે હવે પછી કોઈએ મારી વન-ડેની નિવૃત્તિ વિશે કોઈ જ અફવા ફેલાવવી નહીં.
' ભારત ઉપરાઉપરી બે આઇસીસી ટ્રોફીમાં અપરાજિત રહીને ટાઈટલ જીત્યું છે. એ વિશે રોહિતે પત્રકારોને જણાવ્યું હતું કે
ટીમ ઇન્ડિયાની આ બહુ મોટી સિદ્ધિ છે અને આપણે અત્યારે એ ભરપૂર ઉજવીએ.
આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, પહેલા જ દાવમાં બે સદી અને બે સેન્ચુરી-પાર્ટનરશિપ
ટીમ ઇન્ડિયા છેલ્લી ત્રણ આઇસીસી ટૂર્નામેન્ટમાં ફક્ત એક જ મૅચ હારી છે. અપરાજિત રહીને બે આઈસીસી ટ્રોફી જીતવાની સિદ્ધિ ભાગે જ કોઈ ટીમ હાંસલ કરી શકતી હોય છે. એના પરથી સાબિત થાય છે કે ટીમ ઇન્ડિયા કેટલી બધી મજબૂત છે.
ખેલાડીઓ વચ્ચે બહુ સારો તાલમેલ અને સમજદારી છે. અમે અહીં (દુબઈમાં) આવ્યા, અહીંના હવામાન તથા પિચ સહિતની સ્થિતિને અનુરૂપ થયા, પૂરી તૈયારી સાથે રમવા મેદાન પર ઊતર્યા અને દરેક મૅચ જીત્યા.’
આવું કહીને રોહિતે જર્નલિસ્ટોને જણાવ્યું હતું કે `હમણાં તો મેં ભવિષ્ય વિશે કંઈ જ વિચાર્યું નથી. જે બનવાનું હશે એ એના સમયે બનતું રહેશે. હાલમાં કોઈ ચોક્કસ પ્લાન નથી બનાવ્યો.’