યુપીમાં ટ્રક અને એસયુવી વચ્ચે અથડામણમાં પાંચનાં મોત

બસ્તીઃ ઉત્તર પ્રદેશના બસ્તીમાં આજે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૨૭ પર થયેલા એક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માત આજે સવારે ૭ વાગ્યાની આસપાસ સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગોટવામાં ટાટા એજન્સી નજીક થયો હતો. બસ્તીથી અયોધ્યા તરફ જઇ રહેલી ટ્રક લેન બદલીને વિરુદ્ધ દિશામાંથી આવતી એસયુવી સાથે ધડાકાભેર અથડાઇ હતી.
આપણ વાંચો: થાણેમાં હાઇવે પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત: બાળકી સહિત છ ઘવાયા
કલવારીના સર્કલ ઓફિસર અને નગર પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
પોલીસે જણાવ્યું કે હાઇ-વેના એક લેન પર ટ્રાફિક ખોરવાઇ ગયો હતો, જે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. પીડિતોની ઓળખ હજુ સુધી થઇ શકી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.