જેલમાંથી હૉસ્પિટલે લઈ જતી વખતે આરોપીનું મૃત્યુ

થાણે: જેલમાં ટૉઈલેટમાંથી નીકળ્યા પછી અચાનક જમીન પર ફસડાઈ પડેલા આરોપીનું હૉસ્પિટલે લઈ જતી વખતે મૃત્યુ થયું હોવાની ઘટના કલ્યાણમાં બની હતી.
ખડકપાડા પોલીસના જણાવ્યા મુજબ ભાયંદરમાં રહેતો 51 વર્ષનો આરોપી કિડનીને લગતી બીમારીથી પીડાતો હતો. જોકે આરોપી કયા કેસનો આરોપી હતો તેની વિગતો આપવાનું અધિકારીએ ટાળ્યું હતું.
આ પણ વાંચો: પશ્વિમ બંગાળમાં ટ્રેનમાં મહિલાની છેડતીઃ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા મહિલા પંચની માંગ
અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીને કલ્યાણની આધારવાડી જેલમાં રાખવામાં આવ્યો હતો. સાતમી માર્ચે બપોરે 12.45 વાગ્યે ટૉઈલેટમાંથી બહાર આવ્યા પછી તે એકાએક જમીન પર ફસડાઈ પડ્યો હતો. તાત્કાલિક તેને જેલ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેને પ્રાથમિક સારવાર અપાઈ હતી.
જોકે વધુ સારવાર માટે આરોપીને ઉલ્હાસનગરની સેન્ટ્રલ હૉસ્પિટલમાં લઈ જવાયો ત્યારે તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો હતો. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધ્યો હતો. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ પોસ્ટમોર્ટમના અહેવાલની રાહ જોઈ રહી છે. (પીટીઆઈ)