
આજકાલ દરેક વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય છે અને મોટાભાગના ટ્રાન્ઝેક્શન આપણે બેંક એકાઉન્ટથી કરીએ છીએ. ઘણી વખત કોઈ બીજી બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં એફડી કે રોકાણ પર સારું વળતર આપતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણે બીજી બેંક એકાઉન્ટ ખોલાવી દઈએ એમ અનેક લોકો પાસે એકથી વધુ બેંક એકાઉન્ટ થઈ જાય છે. હાલમાં જ એવા દાવા કરતાં અહેવાલો વાઈરલ થઈ રહ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આરબીઆઈના ગર્વનરે એક કરતાં વધુ એકાઉન્ટધારકોને 10,000 રૂપિયાનો દંડ ફટકારવાની જાહેરાત કરી છે. ચાલો તમેન આ દાવા પાછળની સચ્ચાઈ જણાવીએ-
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા દર થોડા સમયે બેંકિંગના નિયમો અને પોલીસીમાં ફેરફાર કરવામાં આવે છે, જેથી ગ્રાહકોને છેતરપિંડીથી બચાવી શકાય અને વધારે સારી સુવિધા પૂરી પાડી શકાય. પરંતુ એક કરતાં વધુ ખાતા રાખનારાઓ પર દંડાત્મક કાર્યવાહી કરવાના દાવા કરતાં અહેવાલોને કારણે નાગરિકોમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આરબીઆઈના ગર્વનરના નામે કરવામાં આવેલા આ દાવાની સચ્ચાઈ જાણવા માટે આપણે સૌથી પહેલાં તો આરબીઆઈની ગાઈડલાઈન્સ વિશે જાણી લેવું પડશે. વાત જાણે એમ છે કે આરબીઆઈ દ્વારા અત્યાર સુધી આવો કોઈ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી કે જેમાં એક કે બે કે એથી વધુ એકાઉન્ટ ધરાવનારાઓ સામે કાર્યવાહી કરીને તેમને દંડ ફટકારવામાં આવશે. એકથી વધુ એકાઉન્ટ રાખવા એ ખોટું નથી કે ન તો તે ગેરકાયદેસર છે. મોટાભાગના લોકો એક સેલેરી એકાઉન્ટ અને એક સેવિંગ્સ એકાઉન્ટ રાખે છે જે સંપૂર્ણપણે યોગ્ય છે.
આ પણ વાંચો…હોળી અને લોંગ વિકેન્ડ માટે હોટેલ્સ ફૂલ, આ શહેરમાં હોટેલ રેટ રૂ.45,000 ને પાર પહોંચ્યા
પણ હા, જો કોઈ ખાતાધારકના બેંક એકાઉન્ટમાં કોઈ શંકાસ્પદ હિલચાલ કે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જોવા મળે છે તો બેંક અને આરબીઆઈ બંને એની તપાસ ચોક્કસ કરી શકે છે. આ ઉપરાંચ જ્યારે પીઆઈબી ફેક્ટ ચેકમાં પણ આ અહેવાલોની સત્યતા તપાસવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર અનેક વખત કોઈ પણ ઓફિશિયલ કન્ફર્મેશન વિનાના ન્યુઝ ફોર્વર્ડ થતાં રહે છે અને આ ન્યુઝ પણ એમાંથી જ છે.
પીઆઈબી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરબીઆઈ દ્વારા આવી કોઈ નવી ગાઈડલાઈન બહાર નથી પાડવામાં આવી જેમાં એક કરતાં વધુ એકાઉન્ટ ધરાવનારાઓ સામે કાર્યવાહી કે દંડ ફટકારવાની વાત કરવામાં આવી હોય. જો તમારા પણ એક કરતાં વધુ એકાઉન્ટ હોય તો તમારે ડરવાની જરૂર નથી. આરબીઆઈ દ્વારા આવો કોઈ નિયમ નથી બનાવવામાં આવ્યો જેમાં એક કરતાં વધુ ખાતા ધરાવનારાઓને 10,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવાની વાત કરવામાં આવી હોય.