ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી: વૈરાગ્યભાવ ને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક

-ડૉ. બળવંત જાની
તત્ત્વદર્શનમૂલક સાહિત્ય :
નિષ્કુળાનંદ પ્રારંભથી જ અધ્યાત્મવિદ્યાનુરાગી હતા. ગૃહસ્થાશ્રમધર્મ પાળતા પાળતા પણ ભાદ્રા ગામે જઈને નિત્ય સત્સંગ, શ્રૃતપરંપરાગત રીતે શાસ્ત્રજ્ઞાનની આરાધનામાં ક્રિયાશીલ રહેતા. રામાનંદસ્વામી પાસે જઈને પણ સત્સંગજ્ઞાન લાભ મેળવતા. દીક્ષા બાદની સાધુઅવસ્થા તો નરી સાંપ્રદાયિક, ઉપાસનાને પ્રેરક-પોષક એવું સાહિત્ય સર્જન-ચિંતન અને મનનમાં જ સમર્પિત રહી.
તેમનો શ્રીહરિ સાથેનો સાક્ષાત્ સત્સંગ, અન્ય સંતોનું સાન્નિધ્ય અને અધ્યયન, મનન-ચિંતન સંપ્રદાયના તાત્ત્વિક રૂપ જ્ઞાનને સમૃદ્ધ કરનારું બની રહૃાું. એમનું સાહિત્ય આ કારણે સાંપ્રદાયિક સમજ, અને સાંપ્રદાયિક ક્રિયાકાંડના શ્રેયસ્કર પાસાને પ્રગટાવનારું ગણાયું. નર્યું ભક્તિપૂર્ણ સાહિત્યમાં જ ન રચ્યુ. એ ભક્તિપરંપરા પાછળની તાત્ત્વિક પીઠિકાને સમજાવતું અને સ્પષ્ટ કરતું સાહિત્ય, ફિલૉસૉફિકલ-તત્ત્વદર્શનના પાસાને આલેખતું સાહિત્ય પણ વિપુલમાત્રામાં રચ્યું. સંપ્રદાયના સ્રષ્ટાની સાથે રહીને એના ષ્ટા બનીને હરિભક્ત સમુદાય સમક્ષ એ સમજણ અને અર્થઘટન અધિકૃત રીતે મૂકતા રહૃાા. શ્રીહરિ આ સર્જન પરંપરાને સતત સાંભળતા અને સમજતા હતા. એટલે એમની સાથેના વિમર્શનું પરિણામ આ સાહિત્યને ગણવાનું રહે. એમની અધિકૃતતા પણ એટલી જ હતી. તેઓ માત્ર દીક્ષિત સાધુ ન હતા. એની ઉપાસના, સાધના, વ્યવહારજગતમાં જાળવીને એક આદર્શ સાધુજીવન કેવી રીતે પસાર કરવાનું હોય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ નિષ્કુળાનંદ સ્વામી છે.
આ પણ વાંચો: ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી : વૈરાગ્યભાવ અને ભક્તિતત્ત્વના તર્કપૂત ઉદ્ગાતા…
એટલે સંપ્રદાય ઉપાસના કેન્દ્રી એમના સાહિત્યને ત્રણ ભાગમાં, ભક્તિકેન્દ્રી, તત્ત્વદર્શનકેન્દ્રી અને ઉપદેશકેન્દ્રી વિભાજિત કરીને એની તપાસ-અભ્યાસ કરવાથી મને એ ત્રિવિધ પાસાઓ સ્પષ્ટ થયા. એમનું શાસ્ત્રજ્ઞાન, એ પ્રકારના સાહિત્યનું લેખનજ્ઞાન આવા પ્રકારના સાહિત્યસર્જનમાં એમને ખપમાં લાગ્યું જણાયું છે. અહીં એ પ્રકારની એમની રચનાઓનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત કરેલ છે.
- ‘મનગંજન’ (ઈ.સ. 1815, વિ.સં. 1871)
રૂપકાત્મક રીતે કથન એ ભારતીય કથનપરંપરાનું અભિવ્યક્તિરૂપ છે. ‘કઠોપનિષદ’ આનું બળવાન ઉદાહરણ છે. ‘વચનામૃત’ ગઢડા મધ્યનું 12 અને ગઢડા પ્રથમનું 70માં શ્રીહરિએ પણ પ્રબોધતા કથ્યું છે. ‘કાયા નગરમાં જીવ રાજા છે તો પણ રાંક થઈને બેસે છે.’ ‘ને જે પ્રકારે ઇન્દ્રિયોને અંત:કરણ તે સર્વે પોતાના હુકમમાં વર્ત્ો એવો ઉપાય કરવો’. ‘તેમ જીવ પણ જો રાજનીતિ જાણ્યા વિના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહીં.’ ‘જેની કોરે સંતમંડળ છે તેનો જ જય થશે એમ નિશ્ર્ચય રાખવો.’
વેદાન્તમતથી અનુપ્રાણિત સ્વામીનારાયણ સંપ્રદાયના તત્ત્વદર્શનમૂલક સાહિત્યમાંથી ભારતીય તત્ત્વદર્શનનો અને સનાતની વિચારધારાને પરિચય મળી રહે છે. નિષ્કુળાનંદ શ્રીજીનું વચનામૃત કથન અને પ્રાચીન હિન્દુ શાસ્ત્રોની કથનરીતિથી પૂરા અભિજ્ઞિત હોવાથી 187 દોહાની સળંગબંધની ‘મનગંજન’ રચનાનું સર્જન કરી શક્યા. દોહરાઓ બહુધા ગુજરાતી અને થોડા હિન્દી ભાષામાં છે. પ્રારંભે ઇષ્ટદેવની વંદના પછી રૂપક વિધાનને પ્રયોજીને કૃતિનું આલેખન કરેલ છે.
આ પણ વાંચો: ભજનનો પ્રસાદ: બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા-૧૩
માનવશરીર-દેહને નગરનું રૂપક, તેમાં વસતા જીવને રાજાનું અને અનુકૂળ રીતના નીજમન અને પ્રતિકૂળ પ્રકારના પરતકમન એમ બે પ્રધાનો. આ બે પ્રધાનો વચ્ચેનો સંઘર્ષ રાજા પર આધિપત્ય રહે એ માટે પરસ્પર મુકાબલો ચાલે છે.
નીજમન-પ્રધાન ક્ષમા, દયા, પ્રેમ શીલ અને સંતોષની સામે, પરતકમન પંચવિષયો કાળ, ક્રોધ, મોહ, માયા અને લોભથી વિષયરૂપી અશ્ર્વ પર ચડીને કામ-ક્રોધાદિ બાણોથી નીજમનને પરાજિત કરવા મથે છે. પણ નીજમન ભગવત્ સંકલ્પ અને સંતસત્સંગના બળવાળા અશ્ર્વ ઉપર આરૂઢ થઈને શીલ-સંતોષ આદિ યોદ્ધા બાણોના પ્રહારને નિષ્ફળ બતાવે છે. ગુરુ-ઈશકૃપાથી પરતકમન ઉપર નીજમન વિજય પ્રાપ્ત કરે છે. પરતકમન શરણે આવે છે. ક્ષમાવાન નીજમન પરતકમન પ્રધાનની વારંવારની વિનંતીથી ક્ષમા આપીને જીવતદાન બક્ષીને નિત્ય કેદ બંધનમાં રાખે છે. હવે માત્ર નીજમન જ જીવ-રાજાનું માર્ગદર્શન કરે છે. આમ સદ્વૃત્તિનું શાસન સ્થપાય છે.
કઠોપનિષદ માફક શ્રુતિસાહિત્યમાં પણ આત્મા-જીવને રથી કહૃાો છે અને શરીર-દેહને રથ કહેલ છે. બુદ્ધિને સારથિ કહેલ છે અને ઇન્દ્રિયોને અશ્ર્વ તથા વિષયોને જવાના માર્ગ તરીકે વર્ણવેલ છે. ‘વચનામૃત’નાં વચનો પણ હિન્દુશાસ્ત્ર મતથી જ અનુપ્રાણિત છે. એ બધાથી ખરા અભિજ્ઞિત અને કથનકળાવિદ મુક્તાનંદ સ્વામીએ અર્થપૂર્ણ રીતે ‘મનગંજન’નું સર્જન કર્યું છે શાંતરસની કૃતિમાં મનદ્વયના યુદ્ધનું વર્ણન વીરરસની નિષ્પતિ કરાવતી પદાવલિને કારણે રસપ્રદ બને છે.
આ પણ વાંચો: ભજનનો પ્રસાદ : બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા
‘ટણણણ ટંકારવ હવા, ચણણણ ચલે ચૂક બાણ
તણણણ ત્રાંસા તણસે, ધણણણ બજે ધુટાંણ’ (112)
112 થી 118 દોહામાંનું નાદવિશ્ર્વ, શબ્દાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ – યમક સાંકળીને અનુસંગે યુદ્ધનું શબ્દચિત્રાત્મક આલેખન કવિપ્રતિભાનું દ્યોતક છે. નીજમનનો અને પરતકમનનો સદ્વૃત્તિનો મુકાબલો માનવદેહે કરવાનો રહે. કામ-ક્રોધ મોટા તપસ્વીઓને પણ વિચલિત કરે પરંતુ સદ્ગુરુ શ્રીહરિની કૃપા વડે જ એના ઉપર વિજય મેળવી શકાય. નિષ્કુળાનંદ એનું આલેખન કરીને કૃતિમાં રચનાસાલ અને દુહા સંખ્યાનો નિર્દેશ કરીને સમાપન કરે છે. આવાં બધાં કારણોથી મને ‘મનગંજન’ ભારતીય જ્ઞાન પરંપરાના તેજસ્વી અનુસંધાનરૂપ રચના જણાઈ છે.
- ‘હૃદયપ્રકાશ’ (ઈ.સ. 1840, વિ.સં. 1896)
પ્રાચીન સનાતન હિન્દુધર્મનાં શાસ્ત્રો પ્રશ્નોત્તર પદ્ધતિએ રચાયા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ સંવાદકાવ્યો અને ‘ગુરુ-શિષ્ય’ સંવાદ જેવી કૃતિઓ અખા, શામળ, દયારામ આદિએ રચેલ છે. નિષ્કુળાનંદ સ્વામીએ હરિભક્તોને માટે ગહન વેદાન્તી વિષયને ‘હૃદયપ્રકાશ’ ગ્રંથમાં પંદર પ્રકાશમાં વિભાજિત કરીને ગુરુ-શિષ્યના સંવાદમાં પ્રશ્ર્નોત્તર રૂપે પ્રસ્તુત કરેલ છે. સનાતન ધર્મના સૂત્રાત્મક-શાસ્ત્રવચન ‘મન એવં મનુષ્યાણાં કારણં બન્ધમોક્ષયો’, બન્ધાય વિષયાસંગી મુક્તયૈ નિર્વિષયં મન:’ ને જ કેન્દ્રમાં રાખીને વચનામૃતનાં વચનોમાંથી અને શ્રીહરિ દીક્ષિત અંત્યનંદ સંજ્ઞા-ધારી સંતોના સાહિત્યમાંથી સતત એ ભાવબોધ દ્રવે છે. નિષ્કુળાનંદે અહીં ‘હૃદયપ્રકાશ’માં એ તાત્ત્વિક સંદર્ભને ગૂંથી લીધો જણાય છે.
મન જ મૂળભૂત રીતે મુક્તિ અને બંધનનું કારણ છે. મોક્ષમાર્ગ માટે મનની શુદ્ધિ આવશ્યક ગણાય છે. જ્યાં સુધી મનમંદિર મલિન છે, ત્યાં સુધી એમાં શ્રીહરિનો-પરમેશ્ર્વરનો નિવાસ શક્ય નથી. જે રીતે પ્રકાશનાં કિરણો ઘનઘોર ઘટાટોપ વાદળો નીચે ઢંકાયેલા રહે છે, ત્યાં સુધી અંધકાર વ્યાપ્ત રહે છે. એ રીતે માયા-મોહ-મદથી આવૃત્ત આત્માના તેજને પ્રકાશને પ્રગટાવવા માટે અંત:કરણના વિકારોને દૂર કરવા આવશ્યક છે. આત્માના અજવાળાને કેવી રીતે પ્રગટ કરી શકાય? એનો શિષ્યને ગુરુ દ્વારા પ્રત્યુત્તર મળે છે. સળંગ પંદર પ્રસંગોમાં બદ્ધ કૃતિ આવી સાંપ્રદાયિક તાત્ત્વિકપીઠિકાને પ્રસ્તુત કરે છે.
આ પણ વાંચો: ભજનનો પ્રસાદ : બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા
ગુરુને શિષ્ય વિનિતભાવે પૃચ્છા કરે છે કે ‘હે ગુરુદેવ મને હરિદર્શન કેમ નથી થતાં? ઘણાં ઉપાયો કર્યા પણ સફળ નથી થવાતું.’ ગુરુ પ્રત્યુત્તર આપતા કહે છે કે ‘જ્યાં સુધી મન, બુદ્ધિ, ચિત્ત અને મદ-અહંકાર રૂપના ચાર કુસંગીનું મનમાં-ચિત્તમાં પ્રવર્તન છે ત્યાં સુધી હરિના દર્શન સંભવિત નથી.’ પછી શિષ્ય અંત:કરણના આવા શત્રુઓને ઓળખવાનાં લક્ષણોની પૃચ્છા કરે છે. ગુરુદેવ એના પ્રત્યુત્તર રૂપે કહે છે કે ‘વિષયાદિને માયામાં લપેટાવીને ઇન્દ્રિયોને લાડ લડાવીએ તો કામ, ક્રોધાદિ શત્રુઓ બળવાન બનીને માથું કાઢે છે એને અંકુશમાં રાખવું હરિભક્તનું અનિવાર્ય કાર્ય છે.’
ભક્તમાં મદ, મોહ અને માયાના પ્રવેશને વર્જ્ય ગણવો. વૈરાગ્યભાવને ચિત્તમાં પ્રગટાવવાથી માયા-મમત્વભાવનો લય થાય છે. અહીં વૈરાગ્ય માટે ગોપીચંદ, શુકદેવ, અંબરીષ અને જડભરતના ચરિત્રના દૃષ્ટાંતોને ગૂંથી લીધા છે. ગોપીઓ જેવાં સ્નેહનું દૃષ્ટાંત અહીં આલેખ્યું છે. સવિશેષ તો સાત્ત્વિક અને શુદ્ધ આહાર આરોગવો અને હરિકથાશ્રવણને બદલે કશી બીજી કુસંગી વાતો સંભળાઈ ગઈ હોય તો ઉપવાસ કરવો એવું માર્ગદર્શન આપતા આલેખે છે :
કાને હરિકથા વિના બીજી ઇચ્છે સુણવા વાત,
તે દિ અન્નને ત્યાગવું, એક દિવસ-એક રાત.’
શાંતરસમાં અધ્યાત્મતત્ત્વદર્શનને ક્રમશ: તર્કપૂત, રસપૂત રીતે ભાવબોધ કરાવવાના નિષ્કુળાનંદીય કૌશલ્યનો અહીં પરિચય પ્રાપ્ત થતો હોઈ મને આ કૃતિ ઘણી મહત્ત્વની જણાઈ છે. (ક્રમશ:)