મનન: પણ અધર્મ એટલી માત્રામાં વધી જાય છે કે ઈશ્વરે દસ વાર અવતાર ધારણ કરવો પડે!

આ સૃષ્ટિની રચના પણ વિચિત્ર છે. સૃષ્ટિને સુધારવા માટે, તેમાં ફરીથી ધર્મની સ્થાપના થાય તે માટે, સૃષ્ટિને ફરીથી યોગ્ય સ્થિતિમાં સ્થાપિત કરવા માટે સ્વયં ભગવાને દસ દસ વાર અવતાર લેવો પડે. પ્રશ્ન તો તે છે જ. વિષ્ણુના દસ અવતાર તો ખરા જ, પણ ઈશ્વર તો એમ કહે છે કે તે દરેક યુગ માટે ‘સંભવામિ’ રહે છે. સૃષ્ટિની રચનામાં જ કંઈક ખામી હોવી જોઈએ, અથવા તો ઈશ્વરનો કોઈ સંકેત હોવો જોઈએ.
ઈશ્વર પૂર્ણ છે તેથી તેની રચનામાં પૂર્ણતા હોવાની પૂરેપૂરી સંભાવના છે. ઈશ્વર સત્ય સ્વરૂપ છે અને તેથી સૃષ્ટિમાં સત્ય એક યા અન્ય સ્વરૂપે પ્રવર્તમાન હોય તે સ્વાભાવિક છે. ઈશ્વર ધર્મ માટે આગ્રહી છે અને તેથી તેની રચનામાં ધર્મ આધારિત વ્યવસ્થા કાર્યરત હોય તે સહજ છે. ઈશ્વરના સ્વભાવને આધ્યાત્મ કહેવાય છે અને તેથી તેની સૃષ્ટિમાં આધ્યાત્મિકતા વણાયેલી જ હોય તેમ કહી શકાય. ઈશ્વર ન્યાયપ્રિય છે અને તેથી સૃષ્ટિના નિયમોમાં ન્યાયનું પ્રાધાન્ય હોય જ. ગીતામાં ભક્તનાં જે લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે તેવી વ્યક્તિની ઈશ્વર રક્ષા કરે જ. તેના યોગક્ષેમની ચિંતા સ્વયં ઈશ્વર કરે. એ છતાં
પણ અધર્મ એટલી માત્રામાં વધી જાય છે કે ઈશ્વરે દસ વાર અવતાર ધારણ કરવો પડે!
આ પણ વાંચો: મનન : સેવા કરી પ્રશ્ન પૂછવા જોઈએ…
સૃષ્ટિની રચનામાં કોઈ પ્રશ્ન નથી. ઈશ્વરના આશયમાં કોઈ પ્રશ્ન નથી. ઈશ્વરના સંકલ્પમાં કોઈ ત્રુટી નથી. વારંવાર અવતાર ધારણ કરવાની જે પરિસ્થિતિ સર્જાય છે તેની પાછળ ઈશ્વરનો એક સ્પષ્ટ સંદેશો દેખાય છે. આ સંદેશો છે : ‘જાગૃતિ સદાય જળવાવી જોઈએ.’ જાગૃતતા સદાય જળવાઈ રહેવી જોઈએ. ક્યાંક નકારાત્મકતા પ્રવેશી ન જાય તે માટે સભાનતાપૂર્વક પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. સમાજને સતત જાગ્રત સ્થિતિમાં રાખવા માટે નકારાત્મક બાબતો વારંવાર પ્રગટ થતી રહેશે, તેને નિયંત્રિત કરવા વારંવાર અવતાર ધારણ કરવો પડે.
એકવાર યોગ થકી સાત્ત્વિક સિદ્ધિ પ્રાપ્ત કરી લેવાથી કાર્ય પૂર્ણ નથી થતું, સિદ્ધિ જાળવી રાખવાનો સતત પ્રયત્ન કરવો પડે છે. ભક્તિના માર્ગમાં સંપૂર્ણ સમર્પણનો ભાવ ઉદ્ભવ્યા બાદ પણ સદાય જાગ્રત રહેવું પડે છે, કદાચ ક્યાંય ભાવમાં બદલાવ ન આવી જાય. જ્ઞાનની પ્રાપ્તિ બાદ પણ તેને સચેત રાખવું પડે છે કદાચ ક્યાંક એના પર અજ્ઞાન કે બેદરકારીનું આવરણ ચડી જાય. નિષ્કામ કર્મ કરતાં કરતાં પણ સભાનતા કાયમ રાખવી પડે, કદાચ ક્યાંક કર્તાપણાનો ભાવ જાગ્રત ન થઈ જાય.
આ પણ વાંચો: આયુષ્યનું નિર્ધારણ
સિદ્ધિ પ્રાપ્ત થયા પછી પણ વિશ્વામિત્ર મેનકાના મોહપાશમાં બંધાય. શિવજીની અપાર કૃપા પ્રાપ્ત થયા બાદ પણ રાવણનો અહંકાર કાયમ રહે. શિવજીની જટામાં અવતરણ થયા બાદ ગંગાને પણ અહંકાર જાગી જાય. દૈવી અંશ દ્વારા જન્મેલ મહાશક્તિશાળી વાનર રાજ વાલી પણ કેટલીક કુ-માન્યતાઓથી ભ્રમિત થાય. વરદાન પ્રાપ્ત થયા બાદ ભસ્માસુર અનિયંત્રિત બની જાય. ઇતિહાસમાં ઉદાહરણો અનેક છે. અગત્યની વાત એ છે કે જે તે સ્થિતિને પ્રાપ્ત થયા બાદ પણ અમુક પ્રકારના પ્રયત્નો ચાલુ રહેવા જોઈએ જેથી કોઈપણ સ્વરૂપની નકારાત્મકતા વ્યક્તિને ‘જકડી’ ન લે. દસ દસ અવતાર થકી ઈશ્વર આ જ વાત ઉદાહરણ સાથે કહેવા માંગે છે.
સમજવાની વાત એ છે કે દરેક વખતે નકારાત્મકતા નવાં નવાં સ્વરૂપે, નવાં નવાં સામર્થ્ય સાથે, નવાં નવાં ઉપકરણો લઈને પ્રવૃત્ત થાય છે. દરેક વખતે નવા પ્રકારના પડકાર હોય. શ્રીરામના પડકાર અને શ્રીકૃષ્ણના પડકારમાં અપાર ભિન્નતા હતી. તેથી જ બંનેની કાર્યશૈલી, બંનેની વિચારધારા, બંનેના સિદ્ધાંતો, બંનેના સહયોગી, બંનેની કરુણાનો પ્રકાર તથા બંનેની અપેક્ષાઓ ભિન્ન ભિન્ન હતી. આવું પ્રત્યેક અવતારમાં જોવા મળે છે. સંદેશો સ્પષ્ટ છે – પરિસ્થિતિ બદલાતી રહેશે, પડકારનો પ્રકાર તેમ જ તીવ્રતા પણ બદલાશે, પ્રાપ્ય સાધનો એવાં જ નહીં હોય, સમાજની અપેક્ષાઓ પણ બદલાયેલી રહેશે અને એકંદરે મૂલ્ય સમાન હોવા છતાં તેના સ્વરૂપમાં બદલાવ આવેલો હશે. વ્યક્તિએ આ પડકાર માટે તે પ્રકારની ‘રણનીતિ’ અપનાવવી પડે.
આ પણ વાંચો: મનન : સેવા કરી પ્રશ્ન પૂછવા જોઈએ…
સંસારમાં ધર્મની પુન: સ્થાપના માટે માત્ર એક રીત નથી. ધર્મને હાનિ પહોંચાડનાર બાબતો સદાય એક પ્રકારની નથી હોતી. સૃષ્ટિમાં ન્યાયની પુન: સ્થાપના માટે કોઈ એક માર્ગ નથી. ન્યાય ને હાનિ પહોંચાડવાનો હેતુ નાટકીય રીતે બદલાયા કરે છે. ઈશ્વર પણ એક જ પ્રકારના અવતારથી, એક જ પ્રકારની શૈલીથી, એક જ પ્રકારના સિદ્ધાંતથી, આ ખંડનાત્મક તેમ જ નકારાત્મક વિવિધતાનો સામનો કરવા તૈયાર નથી. આ પ્રમાણેની ઈશ્વરની ક્ષમતા હોય તે સ્વાભાવિક છે, પણ ઈશ્વર તેમ કરવા તૈયાર નથી. ઈશ્વર કહેવા માંગે છે કે દરેક પરિસ્થિતિનો આગવી રીતે સામનો કરવો જોઈએ.
ઈશ્વર એમ પણ જાણવા માંગે છે કે અંતે હેતુ ધર્મની સ્થાપનાનો હોવો જોઈએ, નહીં કે સાધનના પ્રકારનો. અંતે હેતુ સત અને સતપુરુષના રક્ષણનો હોવો જોઈએ, નહીં કે સાધનની શુદ્ધતાનો. અંતે હેતુ આધ્યાત્મિકતાની સ્થાપનાનો હોવો જોઈએ, નહીં કે મર્યાદિત વિચારધારા આગળ વધારવાનો. અંતે હેતુ ‘ઈશ્વરત્વ’ સ્થાપવાનો હોવો જોઈએ, અને તે માટે કોઈ પણ સ્વરૂપ, કોઈ પણ માત્રા, કે કોઈ પણ પ્રક્રિયા સ્વીકાર્ય છે.
અમુક રીતે સફળ થયા – સ્થાપિત થયા બાદ પણ નુકસાનીની સંભાવના હોય છે, તેની માટે સજાગ રહેવું પડશે. પરિસ્થિતિ બદલાયા કરશે, તેની માટે તે રીતે તૈયાર રહેવું પડશે. જુદા જુદા પ્રકારના પડકારો સામે આવશે, તેને ખાળવા ‘સ્વરૂપ’ બદલવાં પણ પડે. પોતાના દસ અવતારથી ઈશ્વરે આવી કેટલીક બાબતો સરસ રીતે કહી દીધી છે. આ લેખમાં એ બધાનો ઉલ્લેખ શક્ય નથી. દસ અવતાર પાછળનો મુખ્ય સંદેશ એ છે કે અંતે તો વિજય ધર્મનો જ થશે. જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે અને જ્યાં વિજય છે ત્યાં ધર્મ રહેવો જોઈએ.