ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ રોહિત ODIમાંથી નિવૃત્તિ લેશે? જાણો રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું

દુબઈ: ICC T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ T20Iમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન એવી અટકળો લાગી રહી હતી કે ટુર્નામેન્ટ બાદ રોહિત ODI ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ જાહેર (Rohit Sharma retirement rumors) કરી શકે છે. પરંતુ ગઈ કાલે દુબઈમાં ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ નિવૃત્તિની અટકળોનો અંત લાવી દીધો હતો. રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિવૃત્તિ અને ભવિષ્યના પ્લાન્સ અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા હતાં.
ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ રોહિત શર્માને પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિ અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. આ દરમિયાન સ્પષ્ટતા કરતા રોહિતે કહ્યું, “ભવિષ્ય માટે કોઈ પ્લાન નથી. જે કંઈ થઈ રહ્યું છે તે ચાલુ રહેશે. હું ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી. હવેથી, પ્લીઝ અફવાઓ પર ધ્યાન ન આપો.”
આ પણ વાંચો…મેચ જીત્યા બાદ વિરાટ દોડ્યો અનુષ્કા તરફ અને વીડિયો થયો વાયરલ…
‘ટીમ જીતે ત્યારે જ ખુશી થાય છે’
રોહિતે ન્યૂઝીલેન્ડ સામે ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું, જેમાં તેણે 83 બોલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ્સ વિશે રોહિતે કહ્યું “મેં આજે પણ એ જ કર્યું, જે મેં આગળની મેચોમાં કર્યું હતું. હું પાવરપ્લેમાં રન બનાવવા માંગતો હતો અને એકવાર ફિલ્ડ ફેલાઈ જાય ત્યારે રન બનવવા મુશ્કેલ બની જાય છે.
રોહિતે કહ્યું કે, “હું બોલરો અને હિટ કરવા માટેના સ્પોટ પસંદ કરું છું. તમને સતત મોટા સ્કોર જોવા નહીં મળે, પણ મને ખબર છે કે હું શું કરી રહ્યો છું. મેં 10 ઓવર પછી મારી ગેમ બદલી નાખી. પણ જ્યારે ટીમ જીતે છે ત્યારે જ તમને ખુશી થાય છે. 2019ના વર્લ્ડ કપમાં મારું પ્રદર્શન સારું હતું, પરંતુ અમે ટાઇટલ જીતી શક્યા નહીં.”