આ કોઈ પક્ષી જોયું કે શું! પાંખ ફફડાવતી સ્ટાઇલમાં ફિલિપ્સે ઝડપ્યો ગિલનો અદ્ભુત કૅચ

દુબઈઃ ન્યૂ ઝીલૅન્ડની ફીલ્ડિંગ દાયકાઓથી સૌથી ચુસ્ત રહી છે અને એનો વધુ એક પુરાવો આજે દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ગ્લેન ફિલિપ્સે આપ્યો હતો જેમાં તેણે શુભમન ગિલ (31 રન, 50 બૉલ, એક સિક્સર)નો (જૉન્ટી રહોડ્સની યાદ અપાવે એવો) અદ્ભુત કૅચ ઝડપ્યો હતો.
19મી ઓવર મિચલ સૅન્ટનરે કરી હતી જેના ચોથા બૉલમાં તેણે ગિલને જાળમાં ફસાવ્યો હતો. શૉર્ટ એક્સ્ટ્રા કવરમાં ઊભેલા ફિલિપ્સે ફ્લિકની સ્ટાઇલમાં એ અફલાતૂન કૅચ ન પકડ્યો હોત તો ગિલને બાઉન્ડરી જ મળી હોત.
આપણ વાંચો: અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ
જોકે મેદાન પર જાણે કોઈ પક્ષી આવી ગયું હોય અને ફફડતું હોય એ રીતે 28 વર્ષીય ફિલિપ્સે જમણી તરફ ડાઇવ મારીને ગિલનો કૅચ ઝીલ્યો હતો. કૅચ પકડ્યા પછી તે બેઠા રહીને આગવી સ્ટાઇલમાં હસ્યો હતો. ત્યાર પછી કોહલી એક જ રને આઉટ થતાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
ફિલિપ્સે ગિલનો ઝડપેલો આ કદાચ `કૅચ ઑફ ધ ટૂર્નામેન્ટ’ બની શકે. જોકે ફિલિપ્સે જ બીજી માર્ચે કોહલીનો આવો જ અદ્ભુત ડાઇવિંગ કૅચ ઝીલ્યો હતો.