મોર્નિંગ મ્યૂસિંગ : ભાષામાં સ્ત્રી-વિરોધીતા: ત્રિયા- નાર- બૈરું- ઔરત- બાઈ ને લુગાઈ…

-રાજ ગોસ્વામી
ગુજરાતી સમાજમાં મહિલાનું સ્થાન શું હતું, એ આપણી કહેવતોમાં ઉજાગર થાય છે : ગઈકાલે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવાઈ ગયો. તે નિમિત્તે થોડા આમ તેમ વિચારો, જેમકે સ્ત્રી પુરુષ પ્રધાન સામાજિક વ્યવસ્થાની શિકાર છે. એટલું જ નહીં, તે ભાષાની પણ શિકાર બની છે. ભાષાએ પણ સ્ત્રીને ઘણો અન્યાય કર્યો છે. ખુદ ‘સ્ત્રી’ શબ્દમાં પણ એક પ્રકારની નકારાત્મકતા આવી ગઈ છે.
Also read : ફોકસ : નર્સની નોકરી છોડીને ખેતી ક્ષેત્રે ઝંપલાવી કરે છે લાખોની કમાણી…
સંસ્કૃતમાં મહિલા માટે ‘સ્ત્રી’ અને ‘ત્રિયા’ બંને શબ્દ છે. આપણી લોકબોલીમાં ત્રિયા વપરાય છે. આમાં સંસ્કૃત શ્ર્લોક ‘ત્રિયા ચરિત્રમ..’ની ભૂમિકા મોટી છે, કારણ કે સ્ત્રીથી બનેલી ત્રિયામાં નારી ક્રિયાકલાપનો નકારાત્મક પ્રશ્ન ઉજાગર થાય છે. ત્રિયા ચરિતર, ત્રિયા હઠ જેવા શબ્દોમાં આ સ્પષ્ટ ઊપસી આવે છે.
દીકરી અને ગાય દોરે ત્યાં જાય.
દીકરી સાપનો ભારો, દીકરી અને ઉકરડાને વધતાં વાર કેટલી. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ.. લાડી અને પાડીના નિવડયે વખાણ, મળે ચાર ચોટલા તો ભાંગે ઓટલા, ધોકે નાર પાંસરી ધોકે ડોબું દોહવા દે અને ધોકે જાર પાંસરી, વગેરે.
આપણી ગુજરાતી ગાળો પણ સ્ત્રીલક્ષી છે. સ્ત્રી શબ્દના મૂળમાં સંસ્કૃત સત્યૈ ધાતુ છે. આ સમૂહવાચી શબ્દ છે, જેમાં ઘણુંબધું, સંચય, ઘનીભૂત, સ્થૂળ વગેરે ભાવ છે. એમાં કોમળ, મૃદુ, સ્નિગ્ધ વગેરે ભાવ પણ છે. સ્ત્રી માનવજીવન ધારણ કરે છે. એનો સંચય કરે છે. નર અને નારીમાંથી માત્ર નારીમાં જ એ કોષ છે જ્યાં જીવનનું સૃજન થાય છે. ‘કોખ’ શબ્દ આ કોશ પરથી આવે છે. ગર્ભમાં સૃષ્ટિ સૃજનનું સ્વરૂપ સ્નિગ્ધ, મૃદુ અને કોમળ હોય છે.
‘સત્યૈ’ પરથી બનેલા સ્ત્રી શબ્દમાં પણ બધા જ ભાવ છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ ઋગ્વેદકાલીન આર્યો અને ફિનિશિયનો (હાલના લેબેનોન, સીરિયા અને ઉત્તરીય ઈઝરાયલના સમુદ્ર કાંઠે આવેલી પૌરાણિક સંસ્કૃતિ) વચ્ચે ભાષા-સામાજિક સંબંધ જોડે છે ને કહે છે કે ફિનિશિયનોની પ્રમુખ દેવી ઈશ્તરનો સંબંધ સંસ્કૃત સ્ત્રી સાથે છે.
જોકે, આનું કોઈ પ્રમાણ નથી, પરંતુ ઈશ્તરનું ભારતીય દેવીઓ સાથે સામ્ય જરૂર છે. દેવી દુર્ગાની જેમ એનું વાહન પણ સિંહ છે. ઈશ્તર શૌર્ય, યુદ્ધ અને કામની દેવી છે. દેવી લક્ષ્મીની જેમ એની સાથે પણ ઉલક અથવા ઉલ્લુ નજરે ચઢે છે.
સ્ત્રી માટેનો સર્વાધિક પ્રચલિત શબ્દ
‘મહિલા’ સંસ્કૃત મહ ધાતુ પરથી આવે છે. મહિલા શબ્દ સકારાત્મક છે, કારણ કે મહ ધાતુમાં મહિમાનો ભાવ છે. મહિલા શબ્દ એ પુરાણકાલીન સમાજનો શબ્દ છે, જ્યારે આપણે માતૃસત્તાત્મક વ્યવસ્થા અમલમાં હતી. આ એક એવી વ્યવસ્થા હતી, જેમાં મહિલાઓ બહુપતિત્વનું આચરણ કરતી હતી, લગ્નવ્યવસ્થા ન હતી, યૌન ક્રિયા સંબંધોની મર્યાદામાં ન હતી અને સમાજમાં પુરુષ કરતાં સ્ત્રીને શ્રેષ્ઠ માનવામાં આવતી હતી. મહાનતા, મહાન, મહા, મયત્તર જેવા પ્રધાનતા સ્થાપિત કરતા શબ્દો મહ ધાતુ પરથી આવ્યા છે અને મહિલા પણ અહીંથી જ આવે છે. મહિલા શબ્દમાં સન્માન અને મહત્તાનો ભાવ છે.
હિન્દી ભાષાના ‘આપ્ટે કોશ’માં મહિલાનો અર્થ વિલાસિની, મદમત્ત સ્ત્રી અપાયો છે. એ ત્યારની માતૃસત્તાક વ્યવસ્થાનું પ્રતીક છે, જ્યાં સ્ત્રી એના યૌન સંબંધ ખુદ નક્કી કરતી હતી. એ કાળમાં સમાજ નાનાં નાનાં જૂથોમાં વહેંચાયેલો હતો. અને એની સરદાર મહિલા રહેતી હતી. ત્યારે સંબંધોની વ્યવસ્થા ન હતી અને પોતાના કબીલાને વિસ્તૃત કરવા સ્ત્રી એકથી વધુ પુરુષો સાથે રહેતી હતી. સમયાંતરે વધુ સામાજિક શક્તિ પ્રાપ્ત કરી ચૂકેલા પુરુષોને કદાચ આ માતૃસત્તાક વ્યવસ્થા ખૂંચતી હશે એટલે આપણા મનીષીઓએ મહિલા શબ્દને વિલાસીનતા સાથે જોડયો હશે.
મહિલા શબ્દ પુરુષના ડરનું પ્રતીક છે. કેટલાક બબૂચકો મહિલા શબ્દનો અર્થ મહેલમાં રહેતી હોય એવો કરે છે. મહેલ ઉર્દૂ શબ્દ છે. પરંતુ ઉદૂર્ર્માં મહિલા શબ્દ ક્યાંય નથી. લોકબોલીનો બીજો એક શબ્દ છે લુગાઈ, જે હિન્દી, રાજસ્થાની, અવધી અને ભોજપુરીમાં પ્રચલિત છે. સામાન્ય રીતે પત્નીને લુગાઈ કહે છે, પરંતુ મૂળ અર્થમાં એ સ્ત્રી, ઔરત, નારી માટે જ વપરાતો હતો.
‘લોકો‘નું સ્ત્રીવાચક એટલે લુગાઈ. લોક (હિન્દીમાં લોગ) પુલ્લિંગ છે. હિન્દી લોગ સંસ્કૃત લોક પરથી આવ્યો છે, જેનો મતલબ છે નજર નાખવી, જોવું અથવા પ્રત્યક્ષ જ્ઞાન મેળવવું. (અંગ્રેજી લૂક આ લોક પરથી આવે છે) એટલે લોકનો મતલબ દુનિયા, સંસાર.
Also read : કેન્વાસ ઃ અબળા નારી ને નમાલા પુરુષ વચ્ચે શો ભેદ?
લોક એટલે મનુષ્ય સંસાર. પુલ્લિંગ હોવા છતાં લોક શબ્દમાં સ્ત્રી-પુરુષનો ભેદ નથી, પરંતુ લોકભાષાઓ સૂક્ષ્મ
અભિવ્યક્તિ માટે નવા નવા શબ્દો રચતી રહે છે એટલે લોગનું સ્ત્રીવાચક લુગાઈ આવ્યું. હવે જો સ્ત્રી-પુરુષ બંનેનો ઉલ્લેખ કરવો હોય તો હિન્દીમાં લોગ-લુગાઈ શબ્દ પણ છે.
નરનું સ્ત્રીવાચક નારી છે, એવી પ્રચલિત માન્યતા ખોટી છે. સંસ્કૃત ધાતુ નૃનો અર્થ માનવ અને મનુષ્ય થાય છે. નૃમાં સ્ત્રી – પુરુષનો ભેદ નથી. નૃમાં જ સિંહ, પાલ અથવા પતિ જેવા શબ્દોની સંધિથી નૃસિંહ, નૃપાલ અને નૃપતિ જેવા શબ્દો બને છે. આ ત્રણેયનો અર્થ પ્રભુ, રાજા અથવા અધિપતિ થાય છે. નૃપશુનો અર્થ નરપશુ થાય છે. એમાંથી બનેલા નર પશુમાં પુરુષના પશુત્વનો આભાસ થાય છે તે ગલત છે. સ્ત્રીને પણ નરપશુની ઉપમા આપી શકાય છે. આ તર્ક પ્રમાણે નૃમેઘ એટલે મનુષ્યો માટે કરવામાં આવતો યજ્ઞ.
સ્ત્રી માટે ઔરત શબ્દ વપરાય છે, જેને નારીવાદી લોકો અપમાનજનક માને છે. ગુજરાતીમાં આપણે ત્યાં ‘બૈરું’ શબ્દ પણ અપમાનજનક છે. એવું મનાય છે કે પુરુષ સાથે જીસ્માની સંબંધો બાંધી ચૂકેલી સ્ત્રી માટે ઔરત શબ્દ વપરાય છે.
ઔરત મૂળ ફારસી અરબી શબ્દ છે. અરબીમાં એનો બીજો શબ્દ ઔરાહ છે, જેનો મતલબ થાય છે ગુપ્તાંગને ઢાંકવું..ઈસ્લામી નજરથી ઔરાહ માત્ર સ્ત્રી માટે નથી, કારણ કે ગુપ્તાંગ ઢાંકવાની ક્રિયામાં પુરુષનો પણ સમાવેશ થાય છે.
ઔરત શબ્દ પુરુષોની ઈજાદ છે. ‘બાઈ’ શબ્દ સન્માનજનક છે. મરાઠીમાં પત્નીને ‘બાઈકો’ કહે છે, જે અંગ્રેજી વાઈફ સાથે મળતો આવે છે. ઉત્તર ભારતમાં બાઈને હીન મનાય છે, પરંતુ માળવીમાં મોટી બહેનને બાઈ કહે છે.
મરાઠીમાં ભાભીને ‘વહિની’ કહે છે, જે ભગિની પરથી આવે છે. મરાઠીમાં મહિલા શિક્ષકને પણ બાઈ કહે છે.
આપણે ગુજરાતીઓએ આ બાઈમાંથી બૈરું બનાવી દીધું. સાફસફાઈનું કામ કરે એને આપણે બાઈ કહીએ છીએ, પરંતુ નોકરાણી ફારસી શબ્દ છે. નોકર અથવા નોકરી ફારસી શબ્દ છે. એમાં આ પ્રત્યયથી નોકરાણી બને છે.
એક શબ્દ મહેતરાણી પણ છે, અર્થ થાય છે ‘જે હલકું’ કામ કરતી હોય તે.’ રાણી શબ્દ રાજી પરથી આવે છે. રાજા પણ ત્યાંથી જ આવે છે. રાજાની પત્ની એટલે રાણી, રાજરાણી. ઠકુરાઈન પણ રાણી પરથી આવે છે.
Also read : ભાઈ – બહેનના પુનર્મિલનમાં ‘મુંબઈ સમાચાર’ નિમિત્ત બન્યું
સ્ત્રીઓનાં નામ પણ અપમાનજનક હોય છે. ‘અનસૂયા’ એટલે સમાગમ માટે યોગ્ય એવો અર્થ ચંદ્રકાન્ત બક્ષીએ આપ્યો છે. ‘અરુંધતી’ એટલે જે માર્ગ રૂંધે નહીં તેવી. મતલબ કે કામક્રીડામાં સહકાર આપે તેવી. ‘સાલી’ શબ્દ અપમાનજનક છે. સુધીર મિશ્રાની ‘યે સાલી જિંદગી’માં સેન્સરે વાંધો ઉઠાવ્યો હતો, દિલીપકુમારની ફિલ્મ ‘સાગીનો માહતો‘ (1970) ના એક ગીત ‘સાલા મેં તો સાહબ બન ગયા’ સામે કોઈને વાંધો ન હતો.!