ફોકસ : નર્સની નોકરી છોડીને ખેતી ક્ષેત્રે ઝંપલાવી કરે છે લાખોની કમાણી…

-નિધિ ભટ્ટ
કાવ્યા ઢોબાળે એક એવી સમર્પિત નર્સ કે જેણે કોરોના કાળમાં દદીઓની નિસ્વાર્થભાવે સેવા કરી અને છ મહિના સુધી હોસ્પિટલમાં રહીને જ લોકોની પીડા પર મલમ લગાવવાનું કામ કર્યું, આ સેવાના કાર્યમાં તેનું મન પરોવાઈ ગયુ હતું. જોકે લાઇફમાં એક એવો વળાંક આવ્યો કે તેણે નર્સની સફળ કરીયર છોડીને ખેતી ક્ષેત્રે ઝંપલાવ્યું અને આજે વર્ષે લાખોની આવક રળે છે. સાથે જ અન્ય ખેડૂતોને પણ કેમિકલ-ફ્રી ખેતીનું માર્ગદર્શન આપે છે.
Also read : ફોકસ : કબૂતરબાજોની હવે ખેર નથી… દાયકાઓ સુધી સડશે જેલમાં!
પોતાની નર્સની ફરજ દરમ્યાન તેણે જોયું કે કેટલાંય દર્દીઓ એવા હતાં જેમને શ્ર્વાસ લેવામાં તકલીફ થતી અને હૃદયના ધબકારા વધી જતાં હતાં. એને કારણે તેઓ મોતના મુખમાં ધકેલાઈ જતાં હતાં. ડૉક્ટર્સ અને નર્સ તેમને બચાવવાના પૂરતાં પ્રયાસો પણ કરતાં હતાં.
છ મહિના સતત હોસ્પિટલમાં રહ્યાં બાદ કાવ્યાને ઘરે જવાની પરવાનગી તો મળી, પરંતુ તે પણ કોવિડ-19નો ભોગ બની. તેની તબિયત એટલી હદ સુધી ખરાબ થઈ ગઈ કે તે મરણ પથારીએ પહોંચી ગઈ હતી. જોકે, સદનસીબે તેનો આબાદ બચાવ થઈ શક્યો. એ એક અનુભવે તેના જીવનમાં વળાંક લાવવાનું કામ કર્યું.
એ વિશે કાવ્યાએ કહ્યું, ‘આજે આપણે જોઈએ છીએ કે અનેક લોકો વિવિધ બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, હાયપરટેન્શન અને કૅન્સરથી પીડાય છે. એથી તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. એથી બીમારી લાગુ પડે એ પહેલાં જ તેની તકેદારી રાખવી અગત્યનું છે. હું વિષયના મૂળમાં જવા માગતી હતી. જેથી કરીને સમસ્યાને જડમૂળમાંથી ઉકેલી શકાય. એથી મેં ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વાળવાનો પ્રયાસ કર્યોં. જેથી કરીને આપણે કેમિકલ-ફ્રી ઉત્પાદનો ઊગાડી શકીએ અને ભવિષ્યમાં કોઈ બીમારી ઘેરી ન લે એ માટે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ધ્યાન આપવા માગતા હતાં.’
એથી તેને એહસાસ થયો કે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એ કેમિકલથી ભરપૂર હોય છે. એને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ પર અસર પડે છે. આ જ કારણ છે કે તેણે વસ્તુના મૂળમાં જવાનું નક્કી કર્યું. કાવ્યાને વધુ પગારવાળી સરકારી નોકરી છોડીને ઓર્ગેનિક ફાર્મિંગ કરવાનો વિચાર આવ્યો. તેણે કૃમિવાળા ખાતરનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું, જે માટીની ફળદ્રુપતાને વધારે છે.
કાવ્યા જણાવે છે કે, ‘હું જ્યારે ગામમાં પહોંચી તો અનેક ખેડૂતોને મળી હતી. તેમની સાથે થયેલી ચર્ચા દરમ્યાન જાણવા મળ્યું કે ખેતરમાં ભાગ્યે જ અળસિયાં હતાં. તેમને જ્યારે પૂછ્યું કે તેઓ જૈવિક ખાતરનો ઉપયોગ કેમ નથી કરતાં? તો તેમણે જણાવ્યું કે અમે ગાયનું છાણ ખેતરમાં નાખતા હતાં, પરંતુ એનાથી કોઈ પરિણામ મળતું નહોતું. આ જ કારણ છે કે તેમણે પર્યાય તરીકે કેમિકલનો ઉપયોગ કરે છે. એને કારણે માટીમાં રહેલા અળસિયાંઓ નાશ પામે છે.
તેમની આ વાત પરથી કાવ્યાને વર્મિકમ્પોસ્ટ બેડ્સ બનાવવાનો વિચાર આવ્યો. એનો ફાયદો શું થશે એ ખેડૂતોને તે સમજાવવા માગતી હતી. શરૂઆતમાં તેણે 10 બેડ્સ બનાવ્યા હતાં. એમાં તેણે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કર્યું. છ મહિના બાદ તેણે આવા વીસ બેડ્સ બનાવ્યા. ગાયના છાણનો ઉપયોગ કરીને વર્મિકમ્પોસ્ટ બનાવવામાં લગભગ બે મહિનાનો સમય લાગે છે.
Also read : આકાશ મારી પાંખમાં : વિદેશી ટૅક્સીડ્રાઇવર
આજે કાવ્યા દર મહિને વીસ ટન વર્મિકમ્પોસ્ટ બનાવે છે. આખા મહારાષ્ટ્રના ખેડૂતો એનો લાભ લે છે. આજે વર્ષે ત્રીસ લાખ રૂપિયાનું વેચાણ થાય છે. કાવ્યા મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના લગભગ ત્રણ હજાર ખેડૂતોને એ વિશેની ટ્રેઇનિંગ આપી ચુકી છે.