પર્સમાં લિપસ્ટિકની સાથે મરચાંની ભૂકી અને ચાકુ પણ રાખો…
બાળ ઠાકરેએ મહિલાઓને આવી સલાહ આપી હોવાનું ગુલાબરાવ પાટીલે જળગાંવમાં કહેતાં નવો વિવાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનને ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે જળગાંવમાં આવા એક કાર્યક્રમમાં શિવસેનાના નેતા અને રાજ્યના પ્રધાન ગુલાબરાવ પાટીલના એક નિવેદનની ચર્ચા થઈ રહી છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે શિવસેનાસુપ્રીમો બાળ ઠાકરેએ મહિલાઓને એવી સલાહ આપી હતી કે પર્સમાં લિપસ્ટિકની સાથે મરચાંની ભૂકી અને છરી પણ રાખો. રાજ્યમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે દિવંગત બાળ ઠાકરેની આ સલાહ પર અમલ કરવાનો સમય આવી ગયો છે, એમ પણ તેમણે કહ્યું હતું.
Also read : 100 દિવસનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે: ફડણવીસ…
ગુલાબરાવ પાટીલે કહ્યું હતું કે આજે રાજ્ય સરકારે મહિલાઓ માટે અનેક યોજનાઓ જેમ કે બચત જૂથ, એસટીની હાફ ટિકિટ, બાળકીઓને નિ:શુલ્ક શિક્ષણ, લાડકી બહેન યોજના વગેરેનો સમાવેશ થાય છે. આ બધું કરવાની સાથે જ હવે મહિલાઓએ આગળ આવવાની આવશ્યકતા છે. તે જ ઢાલ અને તે જ તલવાર અને તે જ જવાબદારી તમારે હાથમાં લેવાની છે. બકરી નહીં મારે વાઘણ જોવી છે. આવું ચિત્ર મહિલાઓમાં તૈયાર થવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
Also read : Viral Video: વિધાનસભામાં મુખ્ય પ્રધાને વિરોધીઓની બોલતી બંધ કરી, જુઓ શું કહ્યું?
મહિલા સક્ષમીકરણની ગમે તેટલી વાતો કરો, તેમ છતાં રાજ્યમાં કેટલાક અત્યંત ખરાબ બનાવ બનતા હોય છે. આથી જ મહિલાઓએ પોતાના પર્સમાં મરચાની ભૂકી અને રામપૂરી ચાકુ પણ રાખવાની જરૂર છે. આવું ખુદ શિવસેનાસુપ્રીમો દિવંગત બાળ ઠાકરે બોલ્યા હતા. તે સમયે પત્રકારો અને અન્ય લોકોએ તેમની ભારે ટીકા કરી હતી, પરંતુ આજે એવો જ સમય આવી ગયો છે. રાજ્યની યુવાન દીકરીઓને મારી એ જ વિનંતી છે કે સ્વરક્ષણ માટે તુ અબળા નથી, લડનારી મહિલા છે એવી રીતે રહેવાની આવશ્યકતા છે.