આપણું ગુજરાત

ખેડામાં જાહેરમાં યુવકોને ફટકારનાર પોલીસકર્મીઓને ૧૪ દિવસની સજાનો હાઈ કોર્ટનો આદેશ

અમદાવાદ: ખેડા જિલ્લાના ઉંઢેલામાં ગયા વર્ષે નવરાત્રી દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસ દ્વારા કેટલાક યુવકોની અટકાયત કરવામાં આવી હતી અને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. જે અંગેનો કેસ હાઈ કોર્ટમાં ચાલ્યો હતો. આ કેસમાં ગુરુવારે હાઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો. બનાવમાં ચાર પોલીસકર્મીઓ કસૂરવાર ઠર્યા હતા અને હાઈ કોર્ટ દ્વારા ૧૪ દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી.

જાહેરમાં આરોપીને માર મારવાની ઘટના અંગે ચાર પોલીસકર્મીઓ સામે કેસ થયો હતો અને સમગ્ર મામલો હાઈ કોર્ટ પહોંચ્યો હતો. તા.૪થી ઓક્ટોબરના રોજ આ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈ કોર્ટે કડક વલણ દાખવ્યું હતું. આ ચારેય પોલીસકર્મીઓ સામે આરોપ ઘડાયા હતા અને બચાવમાં એફિડેવિટ દાખલ કરવાનું જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ પોલીસકર્મીઓ દ્વારા સમાધાનની વાત કરવામાં આવી હતી અને વળતર આપવા અંગે પણ જણાવ્યું હતું. જોકે ફરિયાદી યુવકોએ સમાધાનની ઓફરને ફગાવી દીધી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લાના ઉંઢેલામાં વર્ષ ૨૦૨૨માં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવરાત્રી મહોત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં ગ્રામજનો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. બાદમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને પથ્થરમારો કરનારા યુવકોની અટકાયત કરી હતી. બાદમાં પોલીસકર્મીઓએ યુવકોને ગામના જાહેર મેદાનમાં થાંભલા પાસે ઊભા રાખ્યા હતા અને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button