એકસ્ટ્રા અફેરઃ શમીની ટીકા બકવાસ, ધર્મ કરતાં દેશ મોટો…

ભરત ભારદ્વાજ
ભારતમાં કેટલાક મુસ્લિમ મુલ્લા-મૌલવીઓને એક વાત સમજાતી નથી કે, દેશ બદલાઈ ગયો છે, દુનિયા બદલાઈ ગઈ છે. એ લોકો પોતે હજુ સાતમી સદીમાં જીવે છે ને પોતાની જેમ બીજાં લોકો પણ સાતમી સદીમાં જીવે એવી અપેક્ષા રાખે છે. ઉત્તર પ્રદેશના બરેલીના મૌલાના શહાબુદ્દીન રિઝવીએ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી તરફ નારાજગી વ્યક્ત કરીને પીરસેલું જ્ઞાન તેનો તાજો નમૂનો છે.
Also read : થરૂરે મોદીને વખાણ્યા તેમાં કાંઇ ખોટું નથી
ભારત હમણાં દુબઈમાં મિનિ વર્લ્ડ કપ મનાતા ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહ્યું છે ને મંગળવારે ઓસ્ટે્રલિયા સામે અત્યંત મહત્ત્વની સેમી ફાઈનલ હતી. આ મેચ દરમિયાન મોહમ્મદ શમી મેદાન પર એનર્જી ડ્રિંક પીતો હતો એ લોકોએ લાઈવ ટેલીકાસ્ટમાં જોયું ને કોઈને કશું ખોટું ના લાગ્યું પણ ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના શહાબુદ્દીન રિઝવીને વાંધો પડી ગયો.
મૌલાના રિઝવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો જાહેર મૂકીને જાહેર કર્યું કે, શમી રમઝાન દરમિયાન રોજો નહીં રાખીને પાપ કરી રહ્યા છે. શરિયાના નિયમોનું પાલન કરવાની જવાબદારી દરેક વ્યક્તિની છે. ઇસ્લામમાં રોજો ફરજિયાત છે અને કોઈ વ્યક્તિ જાણીજોઈને રોઝા ન રાખે તો તેને ઇસ્લામિક કાયદા મુજબ પાપી ગણવામાં આવે છે. ક્રિકેટ રમવું ખરાબ નથી, પરંતુ ધાર્મિક જવાબદારીઓ પણ પૂરી કરવી જોઈએ. હું શમીને શરિયાના નિયમોનું પાલન કરવાની અને પોતાના ધર્મ પ્રત્યે જવાબદાર બનવાની સલાહ આપું છું.
મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ વધારાનું જ્ઞાન આપ્યું છે કે, દરેક મુસલમાનની ફરજિયાત ફરજોમાંની એક ફરજ રોજો’ એટલે કે રમજાન મહિના દરમિયાન ઉપવાસ રાખવા છે. કોઈ સ્વસ્થ પુષ કે સ્ત્રીરોજો’ ન રાખે, તો તે અલ્લાહનો મોટો ગુનેગાર બનશે. ભારતના પ્રખ્યાત ક્રિકેટ વ્યક્તિત્વ મોહમ્મદ શમીએ મેચ દરમિયાન પાણી કે અન્ય કોઈ પીણું પીધું હતું. લોકો તેને જોઈ રહ્યા હતા. શમી ક્રિકેટ રમી રહ્યો હતો તેનો અર્થ એ કે તે સ્વસ્થ છે. આવી સ્થિતિમાં તેણે રોજો’ રાખ્યો ન હતો અને પાણી પણ પીધું હતું. આનાથી લોકોને ખોટો સંદેશ મળે છે.રોજો’ ન રાખીને શમીએ ગુનો કર્યો છે. શરિયતની નજરમાં તે ગુનેગાર છે. તેણે ખુદાને જવાબ આપવો પડશે.
શમીએ ખુદાને જવાબ આપવો પડશે કે નહીં એ તો ખબર નથી પણ લોકો અત્યારે તો મૌલાનાને જ જવાબ આપી રહ્યા છે. બીજા એક મૌલાના ફિરંગીમહેલે શમીની તરફેણ કરીને સાબિત કર્યું કે, બધા મૌલવીઓની માનસિકતા સંકુચિત નથી પણ સૌથી ચોટદાર જવાબ મોહમ્મદ શમીના ભાઈ મોહમ્મદ ઝૈદે આપ્યો છે. ઝૈદે કહ્યું કે, મને આવા નિવેદનો પર હસવું આવે છે. આ લોકો માત્ર ટીઆરપી માટે નિવેદનો આપે છે. મૌલાના સાહેબે પુસ્તકો વાંચવા જોઈએ કેમ કે ઈસ્લામમાં પણ રોજો નહીં રાખવાની છૂટ છે. કોઈ કોઈના હાથ નીચે હોય, આપણી ટીમ ક્યાંક બહાર જઈ રહી હોય તો તેને રોજામાં છૂટ આપવામાં આવી છે. આ સંજોગોમાં ઇમામ સાહેબના આ શબ્દોનો કોઈ અર્થ નથી.
મોહમ્મદ ઝૈદે તો 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ઘટનાને પણ યાદ કરીને કહ્યું છે કે, આખી પાકિસ્તાન ટીમ સાથે બેસીને કોફી પી રહી હતી ત્યારે કોઈ મૌલવીએ તેમને જ્ઞાન નહોતું આપ્યું કે પાકિસ્તાની ટીમને ટ્રોલ નહોતી કરી પણ મોહમ્મદ શમીને વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યો છે. ઝૈદે એક સરસ વાત એ કરી કે, મોહમ્મદ શમીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે કારણ કે, તે સાં રમી રહ્યો છે અને તેને ટ્રોલ કરનારા બહુમતી લોકો પાકિસ્તાની છે કે પછી પાકિસ્તાનીઓના પીઠ્ઠુ છે.
ઝૈદે સારી ભાષામાં જવાબ આપી જ દીધો છે તેથી વધારે કંઈ કહેવાની જરૂર નથી પણ એટલું ચોક્કસ કહેવું જોઈએ કે, આ ટ્રોલ કે મૌલાના જેવા લોકોની વાતોને મહત્ત્વ ના આપવું જોઈએ. હાથી પાછળ કૂતરાં ભસે એમ આ લોકો ભસ્યા કરે. શમી આ દેશની સેવા કરી રહ્યો છે ને આ દેશનાં લોકોનો હીરો છે. મુઠ્ઠીભર કટ્ટરવાદી કે તેની સફળતાની ઈર્ષા કરનારાના કહેવાથી શમી કોઈનો ગુનેગાર નથી બની જતો.
મૌલાના શહાબુદ્દીન સહિતનાં લોકોનો ધર્મ સગવડિયો છે અને ધર્મનો ઉપયોગ એ લોકો પોતાની પબ્લિસિટી અને પ્રચાર માટે કરે છે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચ્યું એટલે આખા દેશમાં ક્રિકેટનો માહોલ છે. મોહમ્મદ શમી સહિતના ક્રિકેટરો છવાયેલા છે એટલે તેમના નામે કંઈ પણ બોલીશું તો મીડિયામાં તની નોંધ લેવાશે ને આપણે ચર્ચામાં આવી જઈશું તેની તેમને ખબર છે એટલે આ બકવાસ કરે છે. તેના કારણે તેમને ઈસ્લામની ચિંતા છે એવું માનવાની જરૂર નથી.
Also read : દિલ્હીમાં ભાજપ માટે વૈકુંઠ નાનું ને ભગતડાં ઝાઝાં
મૌલાના શહાબુદ્દીન જેવા લોકો ખરેખર ઈસ્લામમાં માનતા હોત તો ઈસ્લામના નામે ચાલતાં બીજાં સંખ્યાબંધ તૂત સામે બોલતા હોત, પણ એ વખતે તેમની બોલતી બંધ થઈ જાય છે. ઈસ્લામના નામે જિહાદની વાતો કરીને નિર્દોષોની હત્યાઓ કરતા આતંકવાદીઓ સામે એ લોકો કદી બોલે છે ખરા? ઈસ્લામ તો નિર્દોષોની હત્યા કરવાને પાપ ગણાવે છે પણ એ પાપ સામે કોઈ મુલ્લા-મૌલવીને બોલતો સાંભળ્યો ખરો ? કદી કોઈ મુલ્લા-મૌલવીએ આતંકવાદીઓને એવું કહ્યું કે, આતંકવાદ ઈસ્લામ વિરોધી કૃત્ય છે?
ઈસ્લામમાં શરાબ પીવાની મનાઈ છે છતાં સંખ્યાબંધ મુસ્લિમ બુટલેગરો દારૂનો ગેરકાયદેસર ધંધો કરીને કમાય છે. કોઈ મુલ્લા-મૌલવીએ કદી આ ગેરકાયદેસર ધંધો કરનારા કે બીજી ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરનારાં સામે કદી અવાજ ઉઠાવ્યો?
આ પ્રકારની બીજી ઘણી વાતો છે પણ કદી કોઈ મુલ્લા-મૌલવી તેની સામે બોલતો નથી. ઈસ્લામમાં જે હરામ છે એવું કરનારાં સામે તેમની બોલતી બંધ થઈ જાય છે પણ શમીએ ડ્રિંક્સ લીધું તેમાં તેમને ધર્મનું અપમાન લાગી ગયું.
આ મુલ્લા-મૌલવીઓએ સમજવાની જરૂર છે કે, શ્રદ્ધા અંગત બાબત છે અને આ દેશમાં દરેક વ્યક્તિને પોતાની શ્રધ્ધાને અનુસરવાનો અધિકાર છે. શમી હોય કે સાનિયા, આ દેશના મુસ્લિમોને પોતાની શ્રદ્ધાનું જતન કરતાં તમારા કરતાં વધારે સારી આવડે છે, કોઈને તમારા જ્ઞાનની જરૂર નથી. ને તેના કરતાં પણ વધારે તો એ સમજવાની જરૂર છે કે, રાષ્ટ્રસેવા જ સર્વોપરિ છે ને રાષ્ટ્ર કરતાં મોટું કશું નથી, ધર્મ પણ નહીં. રાષ્ટ્રની સેવા કરતા હો ત્યારે ધર્મ કે બીજું કશું વચ્ચે ના આવે.
શમી એ જ કરી રહ્યો છે ને એ કામ કઈ રીતે કરવું એ તેને સારી રીતે આવડે છે.