Gujarat માં મહેસૂલી સુધારાના પ્રયાસો, 18 હજાર ગામોમાં જમીન રી-સર્વેની કામગીરી પૂર્ણ

ગાંધીનગર: ગુજરાત(Gujarat)વિધાનસભામાં ચર્ચા દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા અને છોટા ઉદેપુર જિલ્લામાં જમીન રી સરવેની કામગીરી અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં સરકારે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં જમીન રી સરવે અંગે અરવલ્લીમાં જિલ્લામાં 2529 અને સાબરકાંઠા જિલ્લામાં 6358 અરજીઓ આવી હતી. તે પૈકી અરવલ્લી જિલ્લામાં 12191 અરજીઓનો તથા સાબરકાંઠા જિલ્લામાં 22226 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ ‘જીવંત’ કરવા માટે કોંગ્રેસે અધ્યક્ષને લખ્યો પત્ર
માઈક્રો પ્લાનીંગથી અરજીઓના નિકાલની કામગીરી પ્રગતિમાં
જે અરજીઓ પેન્ડીંગ છે તે ગામોના કલસ્ટર બનાવી માઈક્રો પ્લાનીંગથી અરજીઓના નિકાલની કામગીરી પ્રગતિમાં છે.
મુખ્યપ્રધાન વતી સવાલનો જવાબ આપતાં ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, સમગ્ર રાજયમાં મહેસુલ વહીવટ સંગીન બનાવવો અને જમીન દફતર અધ્યતન કરવું. એસ.આર.એ. એન્ડ યુ.એલ.આર. યોજના અંતર્ગત વર્ષ 2009-10 થી પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગર જિલ્લામાં ખેતીની જમીનોની આધુનિક સાધનો દ્વારા માપણી કરી અધ્યતન રેકર્ડ તૈયાર કરવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો.
રાજ્યના ૩૩ જિલ્લામાં 272 તાલુકામાં રી સરવેની કામગીરી
ઉદ્યોગપ્રધાને કહ્યું હતું કે, રાજ્યના ૩૩ જિલ્લામાં 272 તાલુકા, 18723 ગામ માટે રી સરવેની કામગીરી નક્કી કરવામાં આવ્યું હતુ જે પૈકી 18046 ગામો રી સરવે કામગીરી હેઠળ આવરી લેવાયા હતા. જે પૈકી 18035 ગામોમાં માપણી કામગીરી પુર્ણ થઈ છે. છોટા ઉદેપુર જિલ્લામાં વર્ષ-2017 થી વર્ષ-2022 અંતિત 4449 અરજીઓ આવેલ જેમાંથી 3233 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યા છે.
345 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો
ત્યારબાદ વર્ષ- 2023- 24 માં નવી 1305 અરજીઓ આવેલ તથા તે બે વર્ષના સમયગાળામાં 345 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. વર્ષ- 2027 થી વર્ષ-2024 અંતિત કુલ 4754 અરજીઓ આવેલ તેમાંથી 3578 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જમીન રી-સરવેની કામગીરી પારદર્શી રીતે અને ભૂલો વગરની થાય તે માટે રાજ્ય સરકારે રાજ્યમાં જમીનોની રી સરવે કામગીરી સને 2009-10 થી શરુ કરી તબક્કા વાર તમામ 33 જિલ્લામાં આ કામગીરી આવરી લેવામાં આવી છે.