કઈ રીતે ઉજવીએ મહિલા દિવસ?: કચ્છ જેવી ઘટનાઓ છાશવારે બને છે

ભુજઃ આજે એટલે કે 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસ છે અને તમારા બધાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ મેસેજથી છલકાઈ ગયા હશે, પરંતુ અમુક ઘટનાઓ એવી છે જે આપણને નિરાશ કરી દે છે અને મહિલાઓ પ્રત્યેની માનસિકતા હજુ બદલાતી નથી તે સાબિત કરી દે છે.
એક છોકરો જો છોકરીને લગ્ન કરવાની ના પાડે તો કાંતો છોકરી બે દિવસ રડી લે, ઝગડો કરી લે કે પછી ક્યારેક કોઈ આત્યંતિક પગલું ભરી લે, પણ જો છોકરી છોકરાને ના પાડે તો મોટેભાગે છોકરો છોકરીને જ નુકસાન પહોંચાડે અને ઘણા કેસમાં તેને મારી નાખે.
એક યુવતીએ મને ના પાડી તે વાત હજુપણ આજનો પુરુષપ્રધાન સમાજ સ્વીકારતો નથી અને શિક્ષિત અને આધુનિક કહેવાતા યુવાનો પણ યુવતી માટે આવો જ ભાવ રાખે છે. આવી ઘટના ગુજરાત સહિત દેશભરમાં બનતી રહે છે અને યુવતીઓ રહેંસાતી રહે છે.
આપણ વાંચો: વિશ્વ મહિલા દિવસઃ 39 ટકા જેન્ડર બજેટ સાથે ગુજરાત દેશમાં પ્રથમ
કચ્છમાં લગભગ એકાદ બે મહિનામાં ફરી આવી ઘટના બની છે. ગત ૩૦મી ડિસેમ્બરના રોજ કચ્છના માંડવીમાં આવી જ રીતે એક યુવતીને વહેલી સવારે તલવારથી તેના કથિત મિત્રએ રહેંસી નાખી હતી અને કારણ બહાર આવ્યું હતું કે યુવતીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી.
ત્યારે ફરી અંજાર તાલુકાના મેઘપર (બોરીચી) ખાતેના પારસ નગરમાં ૨૩ વર્ષની પાયલ ઉત્તમચંદાણી નામની યુવતીને તેનાં ઝનૂની પ્રેમીએ તેનાં ઘરમાં જ તીક્ષણ હથિયાર વડે ક્રૂરતાથી રહેંસી નાખી હોવાનો બનાવ બહાર આવતાં કચ્છ સહીત બૃહદ કચ્છમાં ચકચાર મચી ગઈ છે.
શું છે ઘટનાની વિગતો?
ગત શુક્રવારના ઢળતી બપોરે બનેલી હત્યાનો બનાવ મોડી રાત્રે પ્રકાશમાં આવ્યો હતો. ઘટના અંગે મૃતક પાયલના ભાઈ કરણ પ્રકાશ ઉત્તમચંદાણીએ હત્યારા પ્રેમી સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની તપાસ ચલાવી રહેલા અંજાર પોલીસ મથકના પી.આઈ એ.આર ગોહિલે માહિતી આપતાં જણાવ્યું હતું કે પાયલ આદિપુરમાં હોસ્પિટલમાં રીસેપ્સનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. પાયલ તેનાં ભાઈ કરણ, માતા નિશાબેન, નાનીમા ભોપીબેન સાથે મેઘપર બોરીચીમાં રહેતી હતી.
કરણ ગાંધીધામની દુકાનમાં, પાયલ હોસ્પિટલમાં અને માતા તથા નાનીમા વૃધ્ધોના કેરટેકર તરીકે નોકરી કરે છે. આ પરિવારના સભ્યો સવારના નવ-દસ વાગ્યે પોત પોતાની નોકરી પર જવા નીકળી જાય છે અને રાત્રે નવ વાગ્યા બાદ ઘેર પરત ફરે છે. મૃતક પાયલ સવારે દસ વાગ્યે નોકરી જતી અને બપોરે બે વાગ્યે ઘેર પરત ફરતી.
ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે નોકરી જતી અને રાત્રે નવ વાગ્યે ઘેર પરત ફરતી. શુક્રવારે બપોરે પાયલ ઘરે પરત આવી તે બાદ તેના હત્યારાએ ઝનૂનપૂર્વક પાયલના ગુપ્ત ભાગ, ગળા, છાતી, પેટ, ડાબા હાથ સહિતના અંગોમાં છથી સાત વખત તીક્ષણ હથિયાર વડે વાર કરતાં યુવતી ઘરના દીવાન ખંડમાં જ લોહીના ખાબોચિયામાં લોથ બનીને ઢળી પડી હતી.
આપણ વાંચો: PM Modi નું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરવાની મહિલાઓને તક, કરવું પડશે આ કામ
રાત્રે આઠ વાગ્યા બાદ માતા ઘરે પરત ફરી ત્યારે પાયલની ક્રૂરતાપૂર્વક હત્યા થયાનું પ્રકાશમાં આવ્યું હતું. મોડી રાત્રે મૃતકના ભાઈએ અજાણ્યા હત્યારા સામે ફરિયાદ નોંધાવી હતી.
હત્યારો પકડાયો
હત્યાનો બનાવ બહાર આવતાં જ હરકતમાં આવી ગયેલી અંજાર પોલીસે હ્યુમન એન્ડ ટેકનિકલ સર્વેલન્સના આધારે હત્યારા યુવકને દબોચી લીધો છે. આ હત્યારો બીજું કોઈ નહીં પરંતુ પાયલનો પ્રેમી છે.
તે પાયલ સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, પરંતુ પાયલ પરિવારને મૂકીને લગ્નના તાંતણે બાંધવા ઈચ્છતી ના હોઈ બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી તેવામાં ઉશ્કેરાઈને પ્રેમીએ તેને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું એ.આર.ગોહિલે ઉમેર્યું હતું.
આ પહેલી ઘટના નથી, આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. પ્રમસંબંધ હોય, લીવ ઈન રિલેશનશિપ હોય કે લગ્નજીવન હોય, મોટાભાગના કેસમાં અત્યાચારનો ભોગ મહિલાઓ બને છે, તે દુઃખદ છે.