એકસ્ટ્રા અફેર

ભારતે ઈઝરાયલ-આરબો બંનેને સાચવવા જોઈએ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના જંગમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં ઈઝરાયલને સંપૂર્ણ ટેકો આપ્યો તેની ભારે ચર્ચા છે. સામાન્ય રીતે ભારત પેલેસ્ટાઈનને ટેકો આપતું હતું ને મુસ્લિમ રાષ્ટ્રોના સૂરમાં સૂર પુરાવતું પણ મોદીએ એ વલણ બદલ્યું છે. આરબ રાષ્ટ્રોમાં તેની ચર્ચા છે અને ભારતે પોતાનું સત્તાવાર વલણ બદલી નાંખ્યું કે શું એવો સવાલ ઊઠ્યો છે. આરબ રાષ્ટ્રોએ સત્તાવાર રીતે કશું કહ્યું નથી પણ આરબ મીડિયામાં ભારતના વલણની નોંધ લેવાઈ છે. ભારત પોતાનું વલણ બદલીને ઈઝરાયલ તરફ ઢળી રહ્યું હોવાનો ગણગણાટ પણ છે એ જોતાં ભવિષ્યમાં આરબ રાષ્ટ્રો તરફથી આ મુદ્દો ઉઠાવાય એવી પૂરી શક્યતા છે.

ભારત પણ આ સંકેત પામી ગયું હોય એમ પોતાના વલણને વધારે સાવચેતીભર્યું કરીને કહી જ દીધું છે કે, ભારત પેલેસ્ટાઈન અને ઈઝરાયલ એમ બે રાષ્ટ્રોની થીયરીમાં માને છે અને તેને ટેકો આપે છે. યહૂદીઓ માટે અલગ ઈઝરાયલ અને મુસ્લિમો માટે અલગ પેલેસ્ટાઈન હોવું જોઈએ એવા ભારતના વલણમાં કોઈ ફેરફાર નથી થયો એવી સ્પષ્ટતા ભારતે કરી છે.
આ સ્પષ્ટતા પછી આરબ રાષ્ટ્રો કેવી પ્રતિક્રિયા આપે છે એ જોવાનું છે પણ મોદી સરકારે ઈઝરાયલની તરફેણ કરીને લીધેલું વલણ ખોટું નથી પણ સાથે સાથે આરબ રાષ્ટ્રો સાથે પણ ભારતના ગાઢ સંબંધો જરૂરી છે.

ભારત અને ઈઝરાયલ બંને એકસરખી આતંકવાદના કારણે પેદા થયેલી સમસ્યાથી પીડાય છે. મુસ્લિમ કટ્ટરવાદને કારણે પેદા થયેલા આતંકવાદને કારણે ભારત અને ઈઝરાયલ બંને પરેશાન છે. ઈઝરાયલ ચારે તરફ મુસ્લિમ રાષ્ટ્રોથી ઘેરાયેલો દેશ છે પણ આ રાષ્ટ્રો સીધી રીતે ઈઝરાયલને હરાવી શકે તેમ નથી તેથી વરસોથી આતંકવાદને પોષીને ઈઝરાયલને કનડે છે. ભારતની પણ સ્થિતિ એ જ છે કેમ કે પાકિસ્તાન, બંગલાદેશ અને ચીન પણ આતંકવાદ ફેલાવીને ભારતને કનડે છે. ચીનને મુસ્લિમ કટ્ટરવાદ સાથે સંબંધ નથી પણ એ પાકિસ્તાનને થાબડભાણાં કરીને આતંકવાદને પોષ છે. હમણાં મણિપુરમાં સર્જાયેલી સમસ્યા પાછળ પણ ચીન જ છે. પાકિસ્તાન અને બંગલાદેશ તો સીધી રીતે ભારતમાં આતંકવાદને પોષે છે તેથી ભારતની સમસ્યા ઈઝરાયલ
જેવી જ છે.

ભારત અને ઈઝરાયલ વચ્ચે બીજી પણ ઘણી સામ્યતાઓ છે છતાં ભારત અને ઈઝરાયલ વચ્ચે ગાઢ સંબંધો નથી રહ્યા નથી. તેનાં પોતાનાં કારણો છે ને એ કારણો ભારતનાં હિતો સાથે સંકળાયેલાં છે. ઈઝરાયલ અને ભારત લગભગ એક સાથે અસ્તિત્વમાં આવ્યાં. ભારત ૧૯૪૭માં આઝાદ થયો ને ઈઝરાયલ ૧૯૪૮માં અસ્તિત્વમાં આવ્યું. ઈઝરાયલને માન્યતા આપનારા દેશોમાં ભારત પહેલો દેશ હતો છતાં જવાહરલાલ નહેરુએ ઈઝરાયલથી અંતર રહેવાનું પસંદ કર્યું તેનું કારણ આરબ રાષ્ટ્રો સાથે સંકળાયેલાં ભારતનાં હિત હતાં.

આરબ રાષ્ટ્રો ઈઝરાયલને નફરત કરતાં અને ઈઝરાયલનો પડછાયો લેનારને પણ ધૂત્કારતાં. ભારતને એ વખતે આરબ રાષ્ટ્રોની જરૂર રહેતી કેમ કે આરબ રાષ્ટ્રોમાં ક્રુડ ઓઈલ મળી આવતાં પેટ્રો ડૉલરની રેલમછેલ શરૂ થઈ ગયેલી. આરબ રાષ્ટ્રોમાં ઓઈસની રીફાઈનરીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ થયું તેથી લાખોની સંખ્યામાં ભારતીયો દેશોમાં રોજગારી માટે જતા. આજેય વિદેશમાં સૌથી વધારે ભારતીયો સાઉદી અરેબિયા ને યુનાઈટેડ આરબ અમિરાત સહિતના આરબ દેશોમાં જ રહે છે. આપણે ઈઝરાયલના પડખે રહીએ તો આરબ દેશો ભારતીયોને લાત મારીને તગેડી મૂકે એવી હાલત હતી.

આ સિવાય આપણે પેટ્રોલ-ડીઝલ માટે પણ આરબ રાષ્ટ્રોના ઓશિયાળા હતા. ઈઝરાયલની તરફદારી કરવા જતાં આરબ દેશો વંકાઈને આપણને ક્રુડ ઓઈલ આપવાનું બંધ કરે તો આપણી હાલત ખરાબ થઈ જાય તેમ હતી તેથી નહેરુનો ઈઝરાયલની સામે અને આરબો સાથે રહેવા સિવાય છૂટકો નહોતો.

આજે આપણે ટ્રોલ-ડીઝલ માટે મુસ્લિમ રાષ્ટ્રોના ઓશિયાળા છીએ જ. આપણા લાખો કામદારો આરબ દેશોમાં રહે છે. આ લોકો આરબ દેશોમાં ધીમ કમાય છે અને પોતાની કમાણી ભારતમાં મોકલે છે. તેમાંથી દર વરસે આપણને કરોડોનું વિદેશી હૂંડિયામણ મળે છે. આપણા અર્થતંત્રને ધબકતું રાખવામાં આ કમાણી મોટો ભાગ ભજવે છે તેથી આર્થિક રીતે આપણે સધ્ધર થયા છીએ. આ કમાણી જતી કરવાનું જોખમ આપણે લઈ શકીએ તેમ નથી પણ પહેલાં કરતાં સ્થિતિ બહેતર છે કેમ કે ભારત પોતે પણ એક મોટા બજારના રૂપમાં પરિવર્તિત થયું છે તેથી આરબ રાષ્ટ્રોને પણ ભારતની જરૂર છે.

મોદીએ ઈઝરાયલ અને આરબો બંને વચ્ચે સંતુલન રાખ્યું છે. નરેન્દ્ર મોદીએ ઈઝરાયલ સાથેના સંબંધોને નવી દિશા આપવાની શરૂઆત કરી પણ સાથે સાથે આરબો સાથે પણ ગાઢ સંબંધો રાખ્યા છે. આ કારણે મોદી ઈઝરાયલ ગયા તે પહેલાં આરબ રાષ્ટ્રો અને મોટા મુસ્લિમ દેશોને રાજી કરવા આરબ દેશોની મુલાકાત લીધી હતી. મોદીએ વડા પ્રધાન બન્યા પછી જાહેરાત કરેલી કે પોતે એક વરસમાં ઈઝરાયલના પ્રવાસે જશે. જૂન ૨૦૧૫માં મોદી ઈઝરાયલ જશે તેવું જાહેર કરી દેવાયેલું પણ પછી મોદીએ શાણપણ વાપરીને પહેલાં ઈઝરાયલ જવાનું માંડી વાળ્યું. તેના બદલે પહેલાં સાઉદી અરેબિયા, યુએઈ, ઈરાન, કતાર વગેરે મુસ્લિમ દેશોમા જઈને તેમની સાથેના સંબંધો ગાઢ કર્યા. આ સંબંધો ઉત્તરોત્તર ગાઢ થયા છે ન અત્યારે યુએઈ તથા સાઉદી અરેબિયા સાથે ભારતના ગાઢ સંબંધો છે.

ભાજપ જનસંઘ હતો ત્યારથી ઈઝરાયલ સાથેના સંબંધો મજબૂત કરવાનું કહ્યા કરતો પણ કૉંગ્રેસની સરકારો વખતે એ શક્ય નહોતું બનતું. અટલ બિહારી વાજપેયીએ સત્તામાં આવીને ઈઝરાયલ સાથેના સંબંધો ગાઢ કર્યા. વાજપેયીએ ઈઝરાયલના વડા પ્રધાન એરીયલ શેરોનને નોંતરુ આપીને ૨૦૦૩માં ભારત તેડાવેલા. કોઈ ઈઝરાયલી વડા પ્રધાને ભારતમાં પધરામણી કરી હોય એવું પહેલી વાર બનેલું. તેના કારણે ઘણાંને પેટમાં દુ:ખેલું પણ ભારત-ઈઝરાયલ સંબંધો ગાઢ બનવાની એ શરૂઆત હતી. મોદીએ એ પરંપરાને આગળ ધપાવી છે.

અત્યારે ઈઝરાયલે હમાસ પર હુમલો કર્યો તેમાં સાઉદી સહિતના દેશો ભડકેલા છે પણ વાસ્તવમાં છેલ્લાં કેટલાંક વરસોમાં ઈઝરાયલ સાથે આ દેશોના સંબંધો પણ સુધર્યા છે. મુસ્લિમ હોવાના કારણે તેમણે હમાસને ટેકો આપવો પડ્યો છે પણ આ દેશો પણ હવે પોતાના આર્થિક હિતોને વધારે મહત્ત્વ આપે છે ત્યારે ભારત આર્થિક હિતને મહત્ત્વ આપે તેમાં કશું ખોટું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button