ગુજરાત વિધાનસભામાં ભાજપ પ્રધાન અને આપના ધારાસભ્ય વચ્ચે દારૂ મુદ્દે થઈ શાબ્દિક ટપાટપી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં ભાજપના પ્રધાન અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વચ્ચે દારૂ મુદ્દે શાબ્દિક ટપાટપી થઈ હતી. રાજ્યમાં દારૂના વકરતાં દુષણ મુદ્દે આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ ઉઠાવ્યો હતો કે, બોટાદમાં દારૂના અડ્ડા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દરોડા પાડે છે તો જવાબદાર પોલીસ અધિકારીઓ સામે શું પગલાં લીધા? જેના જવાબમાં પ્રધાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું, મૌલાના સૈયદ શૌકત અલી સામે એટ્રોસિટી એક્ટ જેવા ગુના નોંધાયા છે તેવા આરોપીને છોડાવવા ધારાસભ્ય ઉમેશ મકવાણા બોટાદ જીલ્લા પોલીસ વડાને ફોન કરે છે. ભલામણ કરે છે તેમજ ધમકી પણ આપે છે.
આ પણ વાંચો…રોડ પર કચરો ફેંકતા કે થૂંકતા અમદાવાદીઓ સુધરી જજો, આસપાસના લોકો જ ફોટો પાડીને મોકલી દેશે…
ઉમેશ મકવાણાએ જણાવ્યું કે, મૌલાના શોક્ત અલી આમ આદમી પાર્ટીના લઘુમતી મોરચામાં છે અને તેમની સામે અગાઉ કોઈ કેસ નહોતા. પણ હું લોકસભા ચૂંટણી લડ્યો ત્યારે તેમની સામે 5 કેસ કરી દેવામાં આવ્યા હતા. ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ આપના કાર્યકર મૌલાના પર પાકિસ્તાન સાથે સંપર્ક હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે ઉમેશ મકવાણાએ કહ્યું, સરકાર પાસે સીબીઆઈ જેવી એજન્સીઓ છે. તમે તપાસ કરાવો, જો મારા પાકિસ્તાન સાથે સંબંધ હોવાનું સાબિત થાય તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ.
જોકે ટુંડિયાએ આ વાતનો ખુલાસો કર્યો કે, મેં આપના ધારાસભ્યનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. તેઓ વાતને ખોટા વળાંક આપી રહ્યા છે. જોકે આ સમયે પ્રધાને આરોપીનો ફોટો બતાવવાની કોશિશ કરતાં અધ્યક્ષે તેમને અધવચ્ચે જ રોક્યા હતા.