Champions Trophy 2025

‘વનડે ફોર્મેટ તેના અંત તરફ આગળ વધી રહ્યું છે’ ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ આવું કેમ કહ્યું?

મુંબઈ: પાકિસ્તાનની યજમાનીમાં યોજાઈ રહેલી ICC Champions Trophy 2025ની ફાઈનલ મેચ આવતી કાલે રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે રમાશે. મીની વર્લ્ડ કપ તરીકે ઓળખાતી આ વનડે ટુર્નામેન્ટનો ચાહકો ખૂબ આનંદ માણી રહ્યા છે. એવામાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોઈન અલી(Moeen Ali)એ ODI ફોર્મેટના નિયામો અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે ખરાબ નિયમોને કારણે ODI ફોર્મેટ હવે ધીમે ધીમે તેના અંત તરફ આગળ વધી રહ્યું છે. આ કારણોસર, વધુને વધુ ખેલાડીઓ ફ્રેન્ચાઇઝ બેઝ્ડ T20 લીગમાં ભાગ લેવાનું પસંદ કરી રહ્યા છે.

એક સ્પોર્ટ્સ ન્યુઝ આઉટલેટ સાથે વાત કરતા મોઈન અલીએ કહ્યું, “વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી સિવાય, આ ફોર્મેટ (ODI ફોર્મેટ) લગભગ સંપૂર્ણપણે ગાયબ જ થઈ ગયું છે. ક્રિકેટ રમવા માટે આ સૌથી ખરાબ ફોર્મેટ છે, જેની પાછળ મને ઘણા કારણો જવાબદાર લાગે છે.”

મોઈન અલીએ કહ્યું, “થોડા વર્ષો પહેલાની વાત કરીએ તો, પાવરપ્લે સિવાય સર્કલની બહાર પાંચ ફિલ્ડર રહેતા હતા પરંતુ હવે આ સંખ્યા ઘટીને 4 થઈ ગઈ છે. આનાથી બેટ્સમેનોને ફાયદો થયો છે કારણ કે તેમના માટે વચ્ચેની ઓવરોમાં બેટિંગ કરવી સરળ બની ગઈ છે. એટલું જ નહીં, બે નવા બોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એવું પહેલા ન હતું. આનાથી બેટ્સમેનોને રન બનાવવામાં મદદ મળે છે.”

મોઈન અલીએ કહ્યું, ‘મારા મતે, પાવરપ્લે પછી (30 યાર્ડ સર્કલની અંદર) વધારાના ફિલ્ડરનો નિયમ યોગ્ય નથી , બોલર માટે વિકેટ લેવા અને બેટ્સમેન પર પ્રેસર બનાવવા માટે આ યોગ્ય નિયમ નથી. આ જ કારણ છે કે ખેલાડીઓ હવે વનડેમાં 60-70 ની એવરેજથી રન બનાવી રહ્યા છે.’

નિયમોમાં ફેરફાર:
નોંધનીય છે કે વર્ષ 2012માં ૩૦-યાર્ડ-સર્કલની બહાર ફિલ્ડરોની કુલ સંખ્યા પાંચથી ઘટાડીને ચાર કરવામાં આવી હતી. હાલમાં ODI ક્રિકેટમાં બંને છેડેથી બે બોલનો ઉપયોગ કરવામાં આવે છે, આ નિયમ 2010 ના દાયકાની શરૂઆતમાં લાગુ થયો હતો, મોઈન અલીના માટે આ નિયમને કારણે ગેમમાંથી રિવર્સ સ્વિંગ ખતમ થઇ ગઈ છે, જેનાથી બેટર્સને ફાયદો થયો છે.

T20 લીગનું આકર્ષણ વધુ:
મોઈને કહ્યું કે આગામી સમયમાં, ક્રિકેટરો T20 લીગ રમવા માટે ODI માંથી નિવૃત્તિ લેશે કારણ કે આવી લીગ ખૂબ જ આકર્ષક છે. ખેલાડીઓ તેમાં રમવાનો ઇનકાર કરી શકતા નથી.

મોઈન અલીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમશે.

આ પણ વાંચો…ગાવસકરે રોહિતને સલાહ આપી કે `તું પચીસ ઓવર સુધી બૅટિંગ કરીશ તો…’

ઇંગ્લેન્ડનું ખરાબ પ્રદર્શન:
નોંધનીય છે કે, ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક સમયથી ODI ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી શકી નથી. ભારતમાં યોજાયેલા ICC વનડે વર્લ્ડ કપ 2023માં ઇંગ્લેન્ડની ટીમ ટાઈટલ ડિફેન્ડ ન કરી શકી અને નવ મેચમાંથી ફક્ત ત્રણ જીતમાં જીત મેળવી શકી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ ઇંગ્લેન્ડની ટીમ ત્રણ મેચમાંથી એક પણ જીત મેળવી શકી નહીં અને ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઈ.

મોઈન અલીની કારકિર્દી:
મોઈન અલીની ગણતરી ઈંગ્લેન્ડના સૌથી સફળ ઓલરાઉન્ડરોમાં થાય છે, તેણે 138 ODI મેચ રમી છે, જેમાં તેમણે 2,355 રન બનાવ્યા છે અને બોલિંગમાં 111 વિકેટ લીધી છે. આ ઉપરાંત, મોઈને 68 ટેસ્ટ મેચોમાં 3000 થી વધુ રન બનાવ્યા અને 200 થી વધુ વિકેટ લીધી. તેણે 92 T20I મેચમાં 1,229 રન ઉપરાંત 51 વિકેટ પણ લીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button