
Women’s Day 2025: જ્યાં સુધી મહિલાઓ દરેક ક્ષેત્રમાં સ્વતંત્ર અને સશક્ત ન બને ત્યાં સુધી સમાજનો વિકાસ થઈ શકતો નથી. મહિલાઓના અધિકારો, સમાનતા અને તેમના યોગદાનનું સન્માન કરવા માટે વિશ્વભરના દેશો દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં મહિલાઓની ભૂમિકાને સ્વીકારવાનો અને તેમને આગળ વધવા માટે પ્રેરિત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી દર વર્ષે 8 માર્ચે થાય છે. મહિલા દિવસ માત્ર એક દિવસની ઉજવણી નથી પરંતુ મહિલા સશક્તિકરણ અને સમાનતા તરફનું એક પગલું છે.
Also read : મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ
મહિલા દિવસનો ઈતિહાસ
મહિલા દિવસની ઉજવણી 20મી સદીમાં શરૂ થઈ હતી. 1908 માં, યુ. એસ. માં કામ કરતી મહિલાઓએ ન્યૂ યોર્કમાં નીચા વેતન, લાંબા સમય સુધી કામના કલાકો અને મતદાનના અધિકારની માંગ કરી હતી. એક વર્ષ બાદ, 1909માં, સોશિયલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ 28 ફેબ્રુઆરીના રોજ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી. બાદમાં, ક્લેરા ઝેટકિન નામના સમાજવાદી નેતાએ 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌપ્રથમ 1911માં જર્મની, ઑસ્ટ્રિયા, ડેનમાર્ક અને સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ 1975માં સત્તાવાર રીતે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.
મહિલા દિવસ કેમ મનાવવામાં આવે છે?

દર વર્ષે મહિલા દિવસના અવસરે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારી મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલા અધિકારો અને જાગૃતિ માટે રેલીઓ અને પરિસંવાદો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને કારકિર્દી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ
સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે એક થીમ નક્કી કરે છે. વર્ષ 2024ની થીમ Inspire Inclusion હતી. જેનો ઉદ્દેશ દરેક ક્ષેત્રમાં મહિલાઓને સમાન તકો અને ભાગીદારી પ્રદાન કરવાનો છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની થીમ Accelerate Action છે. આ થીમ તમામ મહિલાઓ અને છોકરીઓ માટે અધિકારો, સમાનતા અને સશક્તિકરણ પર આધારિત છે.