આમચી મુંબઈટોપ ન્યૂઝ

કોસ્ટલ રોડ-ફેઝ ટૂ માટે ઝાડ કાપવા સામે કાંદિવલીના રહેવાસીઓનો વિરોધ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (ઉત્તર) ફેઝ-ટૂ માટે ૩૩૭ વૃક્ષોને કાપી નાખવાની મુંબઈ મહાનગરપાલિકાની યોજના સામે કાંદિવલીના નાગરિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પાલિકા પ્રશાસને ૨૨૮ વૃક્ષોનું પુન:રોપણ કરવાની ખાતરી આપી છે, છતાં મૂળથી ઉખેડી નાંખ્યા બાદ આ વૃક્ષો જીવી શકશે નહીં એવો ડર રહેવાસીઓને સતાવી રહ્યો છે. તેેથી હવે સ્થાનિક પ્રધિનિધીઓએ આ પૂરા વિવાદમાં ઝુકાવ્યું છે અને હવે શક્ય હોય તેટલા વૃક્ષોને બચાવવા માટે રસ્તો શોધવા માટે પાલિકા પ્રશાસન સાથે તાત્કાલિક ધોરણે એક મીટિંગનું આયોજન કર્યું છે.

Also read : મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ

ગુરુવારે સાંજે કાંદિવલી (પશ્ર્ચિમ)ના ચારકોપર સેકટર આઠના રહેવાસીઓએ તેમના વિસ્તારમાં આવેલા વૃક્ષો પર પાલિકા દ્વારા લગાવવામાં આવેલી જાહેર નોટિસને જોઈને ચિંતામાં મુકાઈ ગયા હતા. બે દાયકા પહેલા વાવેલા વૃક્ષો આજે ઘટાદાર બની ગયા છે ત્યારે તેને કોસ્ટલ રોડ-ટૂ માટે કાપવાની યોજના પાલિકાએ બનાવી છે. આ કોસ્ટલ રોડ વર્સોવાથી દહિસર જવાનો છે. લગભગ ૧૬,૬૨૧ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા ૨૦ કિલોમીટરના આ પ્રોજેક્ટનો હેતુ વર્સોવા અને દહિસર વચ્ચે એક મહત્ત્વની લિંક બની રહેવાનો છે. જોકે કોસ્ટલ રોડ માટે વૃક્ષો કાપવાના પાલિકાના નિર્ણયથી વર્ષો સુધી ઉછેરેલા વૃક્ષોને કાપી નાખવા સામે સ્થાનિકો નારાજ થઈ ગયા છે અને પર્યાવરણને તેનાથી નુકસાન થવાનો ભય પણ તેઓએ વ્યક્ત કર્યો છે.

સ્થાનિક નેતાના કહેવા મુજબ તેઓએ આ બાબતે પાલિકાના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને શનિવારે આ બાબતે વધુ ચર્ચા થવાની છે. આ પ્રોજેક્ટ બધાને ઉપયોગી બની રહેશે અને તે માટે વૃક્ષો પણ કાપવા પડશે. છતાં શક્ય હોય એટલા ઓછો વૃક્ષોને બચાવી શકાય તેવી વિનંતી પ્રશાસને કરી છે.

કોસ્ટલ રોડ પર કોપર વાયરની ચોરી: પાંચ એફઆઈઆર

મરીન ડ્રાઈવ પર પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાન્દ્રા-વરલી સી લિંકના વરલી છેડા સુધી ફેલાયેલા ૧૦.૫૮ કિલોમીટરના મુંબઈ કોસ્ટલ રોડ પર અજાણ્યા શખસો દ્વારા કોપર વાયરની ચોરી થવાના બનાવ નોંધાયા છે, જે જાહેર માળખાકીય સુવિધા સહિત વાહનચાલકોની સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે. છેલ્લા અમુક મહિનામાં ચોરોએ કિંમતી કોપર કેબલ ચોરવા માટે કોસ્ટલ રોડના કૉંક્રીટના રસ્તા ખોદી નાખ્યા હતા. પાલિકાએ તેની સામે અત્યાર સુધી છ અલગ અલગ કેસમાં પોલીસમાં એફઆઈઆર નોંધાવી હોવાની માહિતી આપતા પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ અને કોસ્ટલ રોડના પાલિકા અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ થતું હોવા છતાં ચોરોને પકડકવા મુશ્કેલ બની ગયા છે. છેલ્લા બે મહિનામાં ચોરોએ વરલીના લવ ગ્રોવ્હ બ્રિજ, હાજી અલી જંકશન અને મેઈન કોસ્ટલ રોડ પર ખોદકામ કરી નાંખ્યું હતું. બજારમાં કોપરની કિંમત વધુ હોવાથી મધરાતે કૉંક્રીટના રસ્તા ખોદીને કોપર ચોર્યા છે તેને કારણે સ્ટ્રીટ લાઈટને અસર થઈ છે. રસ્તો ખુલ્લો હોવાથી કોપર ચોરીને ચોરટા ભાગી છૂટે છે. પાલિકાએ વાહનોની સ્પીડ પર નજર રાખવા અત્યાધુનિક કેમેરા બેસાડવા આઠ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમ જ પોલીસ અને ટ્રાફિક ચોકી માટે ત્રણ મુખ્ય સ્થળ ઓળખી કાઢવામાં આવ્યા છે, જેમાં લવ ગ્રોવ્હ ફ્લાયઓવર, ટાટા ગાર્ડન નજીક અને વરલી કાર પાર્કિંગના વિસ્તારનો સમાવેશ થાય છે. કોસ્ટલની સુરક્ષા માટે અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ કલાક પોલીસ તહેનાત કરવામાં આવવાના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button