રાહુલ ગાંધી સમક્ષ જિલ્લા-તાલુકા પ્રમુખોએ રોષ ઠાલવ્યો; સાથે કરી આ માંગ…

અમદાવાદ: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. 7 અને 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે. આગામી વિધાનસભાને અઢી વર્ષ કરતા વધુ સમય બાકી છે ત્યારે રાહુલ ગાંધી 2027ના ચૂંટણી જંગ માટે રણશિંગુ ફૂંકવા ગુજરાતમાં આવ્યા છે. રાહુલ ગાંધીએ સવારથી લઈ સાંજ સુધીમાં 500 જેટલા કોંગ્રેસીઓને મળશે.
કોંગ્રેસના આગેવાનોને ખખડાવ્યા
સવારથી બપોર સુધી 5 બેઠક યોજી હતી. જેમાં 8-9 એપ્રિલે યોજાનારા કોંગ્રેસ અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસનો રોડમેપ તૈયાર કરી સોંપશે. દરેક નેતાઓની જવાબદારી અને જવાબદેહી સુનિશ્ચિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક બાદ એક યોજેલી મિટિંગ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના આગેવાનોને ખૂબ જ ખખડાવી નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે તમામ સિનિયર આગેવાનોને પૂછ્યું કે,તમે બધા કરો છો શું?
Also read : PHOTOS: રાહુલ ગાંધીએ ગુજરાત કૉંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી, સંગઠન માળખામાં બદલાવને લઈ થઈ ચર્ચા
જૂના લોકોને જ આગળ કરવામાં આવે છે
કાર્યકરો અને વોર્ડ પ્રમુખોએ મિટિંગમાં રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત કરી હતી કે જૂના લોકોને જ આગળ કરવામાં આવે છે, હવે નવા લોકોને આગળ કરવામાં આવે. આ ઉપરાંત મિટિંગમાં કાર્યકરો સિનિયર નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેઓ જાહેરમાં નામ આપવા પણ તૈયાર હતા. પરંતુ રાહુલ ગાંધીએ જાહેરમાં નામ લેતા લોકોને અટકાવ્યા હતા
બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવાર સવારના 11 વાગ્યાથી બપોરના 1.30 વાગ્યા સુધી ત્રણ બેઠક યોજ્યા બાદ હોટલ હયાતમાં લંચ લીધું હતું. લંચ બાદ તેમણે ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની મહત્વની બેઠક લીધી હતી. આ બેઠકમાં સંગઠન મહાસચિવ કે. સી વેણુગોપાલ , ગુજરાત પ્રભારી અને મહામંત્રી મુકુલ વાસનિક,પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધપક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા.