ગરમીમાં શેકાવા તૈયાર રહેજો; આવતીકાલથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં હીટવેવની શક્યતા…

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પવનનું જોર વધ્યું છે. કેટલાક વિસ્તારમાં તો 30થી લઈને 45 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં પણ પવનનું જોર વધીને 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગયું હોવાથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.
તાપમાન 40 ડિગ્રી પહોંચી શકે છે
અચાનક જ ઠંડા પવનની ગતિ વધવાના કારણે તથા પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાને કારણે તાપમાન પણ ગગડ્યું છે અને ઠંડકનો માહોલ સર્જાયો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાતે આગાહી કરી હતી કે, 9થી 13 માર્ચ દરમિયાન કેટલાક ભાગોમાં હીટવેવની વકી છે અને તાપમાન 40 ડિગ્રી સુધી જઇ શકે છે.
Also read : ગુજરાતમાં 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ
હીટવેવનાં પ્રથમ રાઉન્ડની શરૂઆત
આ દરમિયાન રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. માર્ચ મહિનાની શરૂઆતથી થોડું તાપમાન વધશે, રાજ્યમાં હીટવેવનો પ્રથમ રાઉન્ડ 9 માર્ચથી ચાલુ થઈ શકે છે અને 13 માર્ચ સુધી ચાલુ રહે તેમ છે. 13 માર્ચ પછી ફરી હવામાનમાં પલટો આવશે. હીટવેવના આ રાઉન્ડમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જશે. આ દરમિયાન આકરો ઉનાળો જોવા મળી શકે છે.
કયા વિસ્તારોમાં દેખાશે અસર
દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા હશે જ્યાં 39-40 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબીમાં તાપમાન વધારે ઊંચું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં તાપમાન 39-40 ડિગ્રી પહોંચે તેવી શક્યતાઓ છે.