સ્પોર્ટસ

બાવન વર્ષના સચિને 64માંથી બાવન રન બાઉન્ડરીઝમાં બનાવ્યા

માસ્ટર બ્લાસ્ટરની ફટકાબાજી પર ચાહકો આફરીનઃ ઇન્ટરનૅશનલ લીગમાં 27 બૉલમાં ફટકારી હાફ સેન્ચુરી

વડોદરાઃ ક્રિકેટના ભગવાન’ તરીકે ઓળખાતા સચિન રમેશ તેન્ડુલકરે બાર વર્ષ પહેલાં મેદાન પરથી નિવૃત્ત લીધી, પરંતુ બાવન વર્ષની ઉંમરે પણ તે એક જ દાવમાં બાવન રન જો બાઉન્ડરીઝ (સિક્સર અને ફોર)થી બનાવી શકતો હોય તો કયો ક્રિકેટપ્રેમી તેના પર આફરીન ન થાય! સોશિયલ મીડિયામાં તેની આ ઇનિંગ્સ જોઈને અનેક ક્રિકેટપ્રેમીઓએ તેની પ્રશંસા કરતી સંદેશા પોસ્ટ કર્યા છે.

બુધવારે વડોદરામાં તેણે ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગ (આઇએમએલ) ટી-20 ટૂર્નામેન્ટમાં ઇન્ડિયા માસ્ટર્સ વતી રમીને ઑસ્ટ્રેલિયા માસ્ટર્સ સામેની મૅચમાં જે ફટકાબાજી કરી એ જોઈને ક્રિકેટજગત ચોંકી ગયું છે. 24મી એપ્રિલે જીવનના બાવનમા વર્ષમાં પ્રવેશ કરનાર લિટલ ચૅમ્પિયન સચિને 33 બૉલમાં ચાર સિક્સર અને સાત ફોરની મદદથી 64 રન બનાવ્યા હતા. આ મૅચમાં તેની ટીમ (ઇન્ડિયા માસ્ટર્સ) જીતી નહોતી શકી, પણ સચિન વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં ઉપસ્થિત હજારો પ્રેક્ષકો અને કરોડો ટીવી દર્શકોના દિલોદિમાગ પર ફરી છવાઈ ગયો હતો.

આ પણ વાંચો: શિવાજી પાર્કમાં બનશે કોચ આચરેકરનું સ્ટૅચ્યૂ: સચિને તમામ સ્ટુડન્ટ્સ વતી સરકારનો આભાર માન્યો

સચિન 2013ની 16મી નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મૅચ રમીને રિટાયર થયો હતો. તે એ નિવૃત્તિ પહેલાં જે સ્ટાઇલ, જોશ અને ઉત્સાહથી રમતો હતો એ તેનો અસલ અંદાઝ અહીં વડોદરાની બુધવારની મૅચમાં તેની શાનદાર ઇનિંગ્સ દરમ્યાન જોવા મળ્યો હતો.

ઑસ્ટ્રેલિયા માસ્ટર્સે શેન વૉટસન (110 અણનમ, બાવન બૉલ, સાત સિક્સર, બાર ફોર) તથા મૅન ઑફ ધ મૅચ વિકેટકીપર બેન ડન્ક (132 અણનમ, 53 બૉલ, દસ સિક્સર, બાર ફોર) વચ્ચેની બીજી વિકેટ માટેની 236 રનની દર્શનીય ભાગીદારીની મદદથી 20 ઓવરમાં એક જ વિકેટના ભોગે 269 રન બનાવ્યા હતા. એમાં શૉન માર્શના બાવીસ રન પણ સામેલ હતા.

આ પણ વાંચો: ક્રિકેટના ભગવાન અમદાવાદને આંગણે: મેચને લઇને સચિને કહી દીધી આ મોટી વાત..

ઇન્ડિયા માસ્ટર્સ વતી એકમાત્ર પવન નેગીને વિકેટ મળી હતી. તેણે 34 રનના ખર્ચે માર્શની વિકેટ મેળવી હતી. એ સિવાય, વિનય કુમાર (4-0-73-0), અભિમન્યુ મિથુન (4-0-46-0), રાહુલ શર્મા (4-0-42-0), ઇરફાન પઠાણ (2-0-31-0), ગુરકીરત સિંહ (1-0-15-0) તેમ જ સ્ટુઅર્ટ બિન્ની (2-0-28-0)ને વિકેટ નહોતી મળી. ઇન્ડિયા માસ્ટર્સ ટીમ વતી એકમાત્ર સચિન હાફ સેન્ચુરી ફટકારવામાં સફળ થયો હતો. વિકેટકીપર નમન ઓઝા (19), સૌરભ તિવારી (1), ઇરફાન પઠાણ (11), યુસુફ પઠાણ (પચીસ), પવન નેગી (14), સ્ટુઅર્ટ બિન્ની (બે), રાહુલ શર્મા (18) વગેરે બૅટર્સ સારું રમવામાં નિષ્ફળ રહ્યા હતા.

જોકે સચિનની ધમાકેદાર ઇનિંગ્સ તેના અનેક ચાહકોના દિલોદિમાગને સ્પર્શી ગઈ છે. તેના ચાહકોએએક્સ’ (ટ્વિટર) પર તેને બિરદાવતી કમેન્ટ કરી છેઃ

(1) ક્રિકેટોપિઆ’ નામ ધરાવતા તેના ચાહકે લખ્યુંઃ ફક્ત 33 બૉલમાં 64 રન! સાત ફોર અને ચાર સિક્સર…193.33નો સ્ટ્રાઇક-રેટ. બાવન વર્ષના સચિને જાણે 1990ના દાયકાનો જૂનો સમય પાછો લાવી દીધો. જાણે 21 વર્ષનો સચિન બૅટિંગ કરી રહ્યો હોય એવું લાગ્યું.

(2) સુહાસ ડી. નામના સચિનના ચાહકે લખ્યુંઃ મારે ખાસ કહેવું જોઈએ કે એક તરફ ચૅમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે ત્યારે સચિને પોતાની અસલ ઉત્કૃષ્ટ બૅટિંગથી આઇએમએલટી-20 તરફ આપણા સૌનું ધ્યાન ખેંચ્યું છે.

(3)આઉટ ઑફ કૉન્ટૅક્સ્ટ ક્રિક…’ નામ હેઠળ એક ક્રિકેટપ્રેમીએ લખ્યું છેઃ સચિન બાવન વર્ષ qનો થઈ ગયો છે, પણ હજીયે તે અસલ સ્ટાઇલના ઉમદા શૉટ રમી શકે છે. આ લેજન્ડ હજીયે પહેલા જેવો અસરદાર છે.

(4) શેબાસ નામના ક્રિકેટલવરે લખ્યું છેઃ બાવન વર્ષે હજી એ જ ફૂટવર્ક અને એ જ પરફેક્શન!

(5) એટ10′ નામ ધરાવતા સચિનલવરે લખ્યું છેઃ તે હજી મોટી ઉંમરનો થયો જ નથી. તે તો પોતાનો સુવર્ણકાળ લંબાવી રહ્યો છે.

(6)ટૉટલ ક્રિકેટ’ સ્લગ ધરાવતા સચિનપ્રેમીએ લખ્યુંઃ બાવન વર્ષની ઉંમરે 27 બૉલમાં 50 રન! ખરેખર તે ગૉડ ઑફ ક્રિકેટ છે….સચિન રમેશ તેન્ડુલકર.’

(7) આશિષ જાધવ નામના ક્રિકેટપ્રેમીએ સચિનની ઇનિંગ્સ વિશે લખ્યુંઃ બાવન વર્ષની ઉંમરે તેની આ ઇનિંગ્સ કેમ અનોખી બની ગઈ જાણો છો? કારણ એ છે કે ઉંમર મોટી થવા છતાં તમારે આવી ઉમદા ઇનિંગ્સ રમવા તમારા શરીર/આંખોને તેમ જ પગની મૂવમેન્ટને બૉલના પેસ (ઝડપ)ને અનુરૂપ રાખવા પડે. આવું થાય તો જ આવી ઉત્કૃષ્ટ ઇનિંગ્સ રમી શકાય અને એ સચિને બતાવી આપ્યું છે. એટલે જ તો સચિનમાસ્ટર ઑફ બૅટિંગ’ તરીકે જગવિખ્યાત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button