મહારાષ્ટ્રમાં 400થી વધુ ઉર્દૂ શાળામાં ગેરરીતિઃ શિક્ષક કાયમ ગેરહાજર છતાં પગાર લેવાની ફરિયાદ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉર્દૂ માધ્યમની શાળાઓમાં મોટા પાયે ગેરરીતિઓ સામે આવી છે. ફરિયાદો મળ્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તપાસના આદેશ આપ્યા છે. લઘુમતી આયોગના અધ્યક્ષે ઘણી શાળાઓ સામે એફઆઈઆર નોંધાવી છે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં અંદાજે 3500 ઉર્દૂ માધ્યમની લઘુમતી દરજ્જાની શાળાઓ છે. આ પૈકી લઘુમતી આયોગને 400થી વધુ શાળાઓમાં ગેરરીતિની ફરિયાદો મળી છે.
લઘુમતી આયોગના અધ્યક્ષ પ્યાર ખાને તાજેતરમાં અકોલા જિલ્લામાં ઉર્દૂ શાળાઓનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું. પ્યાર ખાને કહ્યું કે આ શાળાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અમને એક શિક્ષક એવો મળ્યો જે ક્લિનિક ચલાવે છે અને ક્યારેય શાળાએ ગયો નથી. તેનો ઓડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક જ પરિવારના 10/12 લોકો શિક્ષક છે. કેટલાક શિક્ષકોની ડિગ્રી પણ બોગસ છે, 1500 ચોરસ ફૂટમાં શાળાઓ ચાલે છે, એક કિલોમીટરની અંદર બીજી શાળા ન હોવી જોઈએ તેવો નિયમ છે છતાં એક જ બિલ્ડિંગમાં બે શાળાઓ ચાલે છે. શાળાઓમાં બાળકોને રમવા માટે મેદાન નથી, શૌચાલય નથી, પીવાનું પાણી નથી અને છોકરીઓના શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી. સરકાર પૈસા આપે છે પણ પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: વાલ્મિકી દ્વારા લિખિત રામાયણ અને રામચરિત માનસનો ઉર્દૂ અનુવાદ એશિયાના સૌથી મોટા મદરેસામાં આજે પણ સલામત….
તેમનું માનવું છે કે ઉર્દૂ શાળાઓના નામે સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે. આમાં ટીચિંગ ઓફિસર્સ પણ સામેલ છે. આ સમગ્ર કૌભાંડની તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉર્દૂ શાળાઓના નામે કરોડોનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, જેનો પર્દાફાશ થશે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લઘુમતી દરજ્જાની ઉર્દૂ શાળાઓમાં ભ્રષ્ટાચારની અનિયમિતતાઓ અને મહિલા શિક્ષકોના જાતીય શોષણ વિશે માહિતી આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે લઘુમતી આયોગના અધ્યક્ષ પ્યાર ખાને લઘુમતી દરજ્જાની શાળાઓમાં ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો છે. અહીં મોટા પાયે ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી અને કેટલાક લોકો પૈસાની ઉચાપત કરી રહ્યા છે. આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નાણામંત્રી આશિષ જયસ્વાલ આ મુદ્દે ધ્યાન આપી રહ્યા છે.
આ પણ વાંચો: દક્ષિણ મુંબઇમાં ઉર્દૂ શિક્ષણ કેન્દ્ર
મહારાષ્ટ્ર વિધાનસભામાં કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું કે શિક્ષણના અધિકાર હેઠળ દરેક બાળકને શિક્ષણ મળવું જરૂરી છે. દરેક શાળાની તપાસ થવી જોઈએ, શિક્ષણ ક્ષેત્રે કોઈ ગોટાળા ન થવા જોઈએ. અમારી માંગ છે કે, માત્ર લઘુમતી શાળાઓમાં જ સમસ્યા થાય છે તેવું નથી. અલ્પસંખ્યક એટલે માત્ર મુસ્લિમો જ નથી, અનેક સમુદાયો લઘુમતી હેઠળ આવે છે, જે પણ શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે ગોટાળો થઈ રહ્યો છે તે બધાની તપાસ થવી જોઈએ.
પોલીસ કમિશનર બચ્ચન સિંહે કહ્યું હતું કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અકોલા પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 74, 75,308(2) 351(2) હેઠળ કેસ નોંધ્યો છે.