વિધાનસભાની ચૂંટણી પછી પણ ભાજપ નીતીશ કુમારને આપશે ટેકોઃ જાણો કોણે કહ્યું?

પટણાઃ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ મુખ્ય પ્રધાન નીતીશ કુમારને વધુ એક કાર્યકાળ માટે સમર્થન આપશે, એમ બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું. એનડીએ (National Democratic Alliance) આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પછી કોઇ નવો ચહેરો મેદાનમાં ઉતારી શકે છે એવી અટકળોને તેમણે ફગાવી દીધી હતી.
ચૌધરીએ જણાવ્યું કે કુમારના પુત્ર નિશાંતનો રાજકારણમાં સંભવિત પ્રવેશ તેમનો ‘વ્યક્તિગત’ મામલો છે અને જેડી(યુ)નો ‘આંતરિક’ મામલો છે. તેમણે રાજ્યમાં એનડીએના મુખ્ય હરીફ તેજસ્વી યાદવને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ દ્વારા ‘માત્ર નિયુક્ત’ ગણાવ્યા હતા. ભૂતપૂર્વ રાજ્ય ભાજપ વડાએ જણાવ્યું કે ભાજપ ૧૯૯૬થી બિહારમાં એનડીએનું નેતૃત્વ કરી રહેલા નીતીશ કુમાર સાથે કમ્ફર્ટેબલ છે. તેથી નીતીશ કાલે પણ(નેતા) હતા, આજે પણ છે અને કાલે પણ રહેશે.
આ પણ વાંચો: મજબૂરી કા નામ નીતીશ કુમાર? ભાજપે ચૂંટણી માટે મુખ્ય પ્રધાનનો ચહેરો કર્યો જાહેર…
ગત વર્ષે જેડી (જનતા દળ યુનાઈટેડ)ની એનડીએમાં વાપસી સુધી નીતીશ કુમારના ઉગ્ર ટીકાકાર રહેલા ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે વિપક્ષમાં હતા ત્યારે આપણે સરકારને પ્રશ્નો પૂછવા જોઇતા હતા. પરંતુ ગઠબંધનમાં આવ્યા પછી ભાજપ તેના ગઠબંધન ભાગીદારો સાથે ૧૦૦ ટકા ઉભું છે. ચૌધરીએ કહ્યું કે બીજી બાજુ નીતીશ કુમાર સાથે અમારી સ્થિતિ એ છે કે તેઓ રાષ્ટ્રીય સ્તરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરી રહ્યા છે જ્યારે બિહારમાં તેઓ અમારા નેતા છે.
ભાજપ નેતાને આગામી ચૂંટણીઓમાં ૨૪૩ સભ્યોની વિધાનસભામાં એનડીએ ૨૦૦થી વધુ બેઠકો જીતશે તેવો વિશ્વાસ છે. જેનો શ્રેય ‘ડબલ એન્જિન સરકાર’ હેઠળ રાજ્યમાં થયેલા વિકાસને જાય છે. જો કે નાયબ મુખ્ય પ્રધાને એનડીએના મુખ્ય હરીફ આરજેડી નેતા તેજસ્વી યાદવને નકારી કાઢ્યા હતા. જેમને તેમણે ‘નેતા નહીં પરંતુ તેમના પિતા લાલુ પ્રસાદ દ્વારા નિયુક્ત કરાયેલ વ્યક્તિ’ ગણાવ્યા હતા. ચૌધરીએ દાવો કર્યો કે મેં હંમેશા કહ્યું છે કે તેજસ્વી માત્ર એક બાળક છે.