શમીએ આઇસીસી સામે મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો અને સાઉધી-ફિલૅન્ડરે કહ્યું કે `વાત સાવ સાચી છે’

દુબઈઃ ક્રિકેટના મેદાન પર રમતી વખતે બૉલ ચમકાવવા માટે એના પર થૂંક લગાડવા પરનો પ્રતિબંધ પાછો ખેંચી લેવા વિનંતી કરી છે જેને ન્યૂ ઝીલૅન્ડના પીઢ બોલર ટિમ સાઉધી અને સાઉથ આફ્રિકાના વર્નોન ફિલૅન્ડરે ટેકો આપ્યો છે.
બૉલ પર થૂંક કે લાળ લગાડવાની ફરી છૂટ આપવાની માગણી પાછળનો હેતુ રિવર્સ સ્વિંગની કળાને પાછી લાવવાનો છે.
મંગળવારે ભારતે ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલ ચાર વિકેટે જીતી લીધી ત્યાર બાદ શમીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે રિર્વસ સ્વિંગ માટે ખૂબ પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ બૉલ પર થૂંક લગાડવાની છૂટ ન હોવાથી એ થઈ નથી શક્તા. અમે ઘણી વાર અપીલ કરી છે કે અમને બોલિંગ વખતે અમને બૉલ પર થૂંક લગાડવાની છૂટ આપો કે જેથી કરીને રિવર્સ સ્વિંગની કળા પાછી લાવી શકીએ અને મૅચને વધુ રસપ્રદ બનાવી શકીએ.’
મે, 2020માં કોવિડ મહામારી વખતે આઇસીસીએ બૉલને ચમકાવવા માટે એના પર થૂંક લગાડવા પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ લાગુ કર્યો હતો. ત્યાર બાદ સપ્ટેમ્બર, 2022માં એ પ્રતિબંધને કાયમી ધોરણે લાગુ કરાયો હતો. શમીએ આઇસીસીને જે વિનંતી કરી છે એમાં તેને સાઉધી અને ફિલૅન્ડરનો પણ પૂરો સાથ મળ્યો છે. તેઓ કહે છે કે ક્રિકેટમાં ખરેખર, રિવર્સ સ્વિંગની ગેરહાજરી ખૂબ વર્તાઈ રહી છે.
ખાસ કરીને બૅટિંગ માટે વધુ અનુકૂળ હોય એવી પિચ પર બોલિંગની આ પ્રકારની કળા ખૂબ કારગત નીવડે, પણ બૉલ પર થૂંક લગાડવાની બોલરને પરવાનગી નથી એટલે એ કળા રજૂ નથી કરી શકાતી. સાઉધીએ એક જાણીતી ક્રિકેટ વેબસાઇટને કહ્યું,વન-ડેમાં હવે 300 અને 350 રનનો ટીમ-સ્કોર સામાન્ય થઈ ગયો છે. એ જોતાં બોલરની તરફેણમાં પણ કંઈક સગવડ હોવી જોઈએ. મને એ નથી સમજાતું કે બૉલ પર થૂંક લગાડવાની છૂટ પાછી કેમ નથી લાવવામાં આવી રહી.’
Also read : દુબઈમાં ભારતની મૅચ વખતે સ્ટેન્ડમાં આ ‘મિસ્ટ્રી ગર્લ’ કોણ હતી?
ફિલન્ડરે તો ત્યાં સુધી કહ્યું કે બોલરને બૉલ પર થૂંક લગાડવાની જો છૂટ હોત તો બુધવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં સાઉથ આફ્રિકાના બોલર્સને ઘણો ફાયદો થયો હોત. બૉલ વધુ વપરાય એમ એની જે હાલત થાય એમાં જો એના પર બોલરને થૂંક લગાડવાની છૂટ હોય તે એ ચમકાવી શકાય અને અસરકારક બોલિંગ કરી શકાય.’ સાઉધીનું એવું પણ કહેવું છે કેવાઇટ બૉલ ક્રિકેટમાં (મર્યાદિત ઓવર્સની મૅચોમાં) બૉલ શરૂઆતમાં થોડો સમય જ રિવર્સ સ્વિંગ થતો હોય છે. જોકે રેડ બૉલમાં આ પ્રકારના સ્વિંગ પાછા કરી શકાય છે. વિશ્વના ઘણા મેદાનો પર (ભિન્ન હવામાન વચ્ચે) બૉલ પર પસીનાનો ઉપયોગ ઘણી વાર મર્યાદિત બની જતો હોય છે, જ્યારે બૉલ પર થૂંક લગાડવાની છૂટ હોય તો બોલરને ગમે ત્યારે ફાયદો થઈ શકે.’