સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, પણ આ લોકો નારાજ
મુંબઈ: આગામી શૈક્ષણિક વર્ષથી સરકારી શાળાઓમાં એકથી આઠ ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને યુનિફોર્મના બે સેટ આપવાની જાહેરાત મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. જોકે, કેટલાક શિક્ષકો, વાલીઓ અને યુનિફોર્મ બનાવતા ઉદ્યોગ આ નિર્ણયથી નાખુશ છે.
નવા રજૂ કરાયેલા ગણવેશમાં છોકરાઓ માટે હળવા બ્લુ શર્ટ અને ઘેરા વાદળી પેન્ટનો સમાવેશ થાય છે, જ્યારે છોકરીઓ માટે આછા વાદળી રંગના શર્ટ અને ઘેરા વાદળી સ્કર્ટ અથવા અનુરૂપ રંગોમાં કમીઝ અને સલવાર રહેશે. આમાંથી એક સ્કાઉટ અને ગાઈડ યુનિફોર્મ તરીકે કામ કરશે.
શાળા શિક્ષણ વિભાગે બુધવારે એક સરકારી ઠરાવ (જીઆર) જારી કરીને પુષ્ટિ કરી કે આ ગણવેશ પૂરા પાડવાની જવાબદારી મહારાષ્ટ્ર પ્રાથમિક શિક્ષણ પરિષદ (એમપીએસપી)ની છે. ટેન્ડરિંગ પ્રક્રિયા અને પ્રાપ્તિની જવાબદારીઓ એમપીએસપીની છે અને યુનિફોમૅની સિલાઇનું કામ મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા હાથ ધરવામાં આવશે.
એપ્રિલમાં શિક્ષણ વિભાગે, સરકારની ‘એક રાજ્ય, એક યુનિફોર્મ’ નીતિના અનુસંધાનમાં સરકારી સંચાલિત શાળાઓના તમામ વિદ્યાર્થીઓ માટે પ્રમાણભૂત યુનિફોર્મ રાખવાનો નિર્ણય લીધો હતો. આ પહેલા સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (એસએમસી) દ્વારા ગણવેશની પસંદગી કરવામાં આવતી હતી.
પ્રારંભિક યોજના એસએમસી માટે ગણવેશનો એક સેટ પ્રદાન કરવાની હતી જ્યારે રાજ્ય સ્કાઉટ્સ અને ગાઇડ્સ માટે બીજો સપ્લાય કરે છે. જોકે, સરકારના છેલ્લી ઘડીના નિર્ણયને કારણે શૈક્ષણિક વર્ષ માટે સમયસર ગણવેશનું ઉત્પાદન થઈ શક્યું નથી. સરકારે બીજા યુનિફોમૅ માટે શાળાઓને આપવામાં આવેલી ગ્રાન્ટ પણ પાછી ખેંચી લીધી હતી અને એકંદરે ગડબડના પરિણામે વિદ્યાર્થીઓને એસએમસી દ્વારા પૂરા પાડવામાં આવેલ માત્ર એક યુનિફોમૅથી કામ ચલાવવુ પડ્યું હતું.
સરકારના આ નિર્ણયથી શિક્ષકો અને વાલીઓ નાખુશ છે. બીજી તરફ યુનિફોર્મની સિલાઇનુ કામ મહિલા સ્વ-સહાય જૂથોને સોંપવામાં આવતા યુનિફોમૅ બનાવતા ઉદ્યોગો પણ નારાજ છે.