આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે, જાણો ભવ્ય ભૂતકાળ?

મુંબઈ: ગત મંગળવારે ઓસ્ટ્રેલીયાને હરાવીને ભારતીય ટીમાં ICC Champions Trophy 2025ની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હવે રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ અને ભારતની ક્રિકેટ ટીમો વચ્ચે ટાઈટલ માટે જંગ (IND vs NZ Final Match, Dubai) જામશે. રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમને આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં હજુ સુધી કોઈ હરાવી શક્યું નથી, ભારતીય ટીમ સતત ચાર મેચ જીતીને ફાઇનલમાં પહોંચી છે. ત્યારે ભારતના ક્રિકેટ ચાહકોને આશા છે કે ભારતીય ટીમ વધુ એક ICC ટ્રોફી લઇને દેશ પરત ફરે.
છેલ્લી કેટલીક ICC ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. T20 વર્લ્ડ કપ 2024 ની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતીય ટીમે ટાઇટલ જીત્યું હતું, જે 11 વર્ષમાં ટીમને મળેલું પહેલું ICC ટાઇટલ હતું. આ જીતના આઠ મહિના પછી ટીમ વધુ એક ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: Champion Trophyની ફાઈનલ કેપ્ટન રોહિતની છેલ્લી મેચ રહેશે? BCCI આપી રહ્યું છે સંકેત
25 વર્ષ બાદ ભારત અને ન્યુઝીલેન્ડ ICC ના લિમિટેડ ઓવર ફોર્મેટના ટાઇટલ મેચમાં એકબીજા સામે રમશે. બંને ટીમો છેલ્લી વખત 2000 માં ICC નોકઆઉટ ટ્રોફી (હવે ચેમ્પિયન્સ ટ્રોફી)ની ફાઇનલમાં સામસામે હતી. એ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને ચાર વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
13 ફાઇનલ,6 ટાઇટલ, વધુ એક ટ્રોફીની રાહ:
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ પહેલા ભારત તમામ ફોર્મેટમાં કુલ 13 વખત ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું છે. આમાંથી, ટીમ છ વખત ટાઇટલ જીતવામાં સફળ રહી છે. ભારતે 1983, 2002, 2007, 2011, 2013 અને 2024માં ICC ટાઇટલ જીત્યા છે. જો ભારત રવિવારે ન્યુઝીલેન્ડને હરાવશે તો દેશ માટે સાતમું ICC ટાઇટલ હશે, જ્યારે રોહિતની કેપ્ટનશીપ હેઠળ આ તેની સતત બીજી ICC ટ્રોફી હશે.
ICC ટુર્નામેન્ટમાં ભારત ભારતનું પ્રદર્શન:
ભારતે પહેલી વાર 1983 માં કપિલ દેવના નેતૃત્વમાં ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, જે દેશનું પહેલું ICC ટાઇટલ હતું. ત્યારબાદ ટીમ વર્ષ 2000માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ, ત્યાર બાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2002માં શ્રીલંકા સાથે સંયુક્ત વિજેતા બન્યું.
આ પણ વાંચો: Rohit Sharmaની હાર જ અપાવશે ICC Champions Trophyમાં ટીમ ઈન્ડિયાને જિત…
ભારતીય ટીમ સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં 2003 માં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી, જેમાં ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો. 2007 માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં, ભારતે પ્રથમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ટાઈટલ જીત્યું.
ચાર વર્ષ પછી, ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલા 2011 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યું. ધોનીના નેતૃત્વમાં, ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2013 ફરીથી ચેમ્પિયન બન્યું. આમ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ત્રણ ICC ટાઈટલ જીત્યા. ત્યાર બાદ ટાઇટલ માટે ભારતીય ટીમને લાંબી રાહ જોવી પડી.
2014 ના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત શ્રીલંકા સામે હારી ગયું હતું. ત્યાર બાદ ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઈનલ પહોંચી પણ પાકિસ્તાન સામે હારી ગઈ. ટીમ 2019 ODI વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચી, જેમાં ટીમને ન્યુઝીલેન્ડ સામે હાર મળી.
ભારત 2021 માં પ્રથમ WTC ફાઇનલ પહોંચી પણ ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ. ત્યારબાદ ભારતીય ટીમ 2023 WTC ફાઇનલ અને 2023 ODI વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી, આ બંને ફાઈનલ મેચમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે હાર થઇ. ત્યાર બાદ ભારતીય ટીમે 2024 ICC T20 વર્લ્ડ કપમાં જીત મેળવી.
હવે ચાહકોને આશા છે કે છે રોહિત શર્માની આગેવાની હેઠળ ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ વધુ એક ICC ટ્રોફી જીતે.